For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્ષત્રિયોના ગુસ્સા સામે ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસનું સુરસુરિયું, હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ

Updated: Apr 25th, 2024

ક્ષત્રિયોના ગુસ્સા સામે ભાજપના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસનું સુરસુરિયું, હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપને ક્ષત્રિયોના વિરોધના હજુય સામનો કરવો પડી શકે તેમ છે કેમકે, ડેમેજ કંટ્રોલ માટે ભાજપના નેતાઓના અથાગ પ્રયાસો પછીય કોઈ મેળપડતો નથી. ક્ષત્રિયોને રોષ ઠરતો જ નથી. પાટીદાર મતદારોને સાચવી રાખવાના ગણિતમાં ક્ષત્રિય વોટબેન્ક ગુમાવવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. ક્ષત્રિય આંદોલનની આગ હવે ગામડે ગામડે પહોચી છે પરિણામે હવે ક્ષત્રિયોના મનામણાં કરવા મુશ્કેલ છે. 

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરમાં દોડી આવ્યા હતાં અને એક હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી પણ બેઠકમાં ક્ષત્રિયોએ રોકડું પરખાવ્યું કે, ભાજપે રૂપાલાની ટિકિટ કાપી નથી એટલે અમે ભાજપના પ્રચાર કરવાને લાયક રહ્યા નથી. ક્ષત્રિયોનું અપમાન થયુ છે. હવે જે થવુ હોય તે ભાજપ વિરુધ્ધ જ મતદાન થશે. આ સાંભળીને રત્નાકર- હર્ષ સંઘવી પણ સ્તબ્ધ થઇ ગયા હતાં.

ક્ષત્રિયો આરપારની લડાઈ લડવાના મૂડમાં

પરશોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખી ભાજપે પાટીદારોનો હાથ ઉંચો રાખ્યો છે. બીજી તરફ, રૂપાલાને સાચવવામા ક્ષત્રિયોનો રોષ સાતમા આસમાને પહોચ્યો છે. હવે ક્ષત્રિયો આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. મતના માધ્યમથી ક્ષત્રિયો ભાજપને સબક શિખડવા ઇચ્છુક છે. આ જોતાં ક્ષત્રિયોએ હવે આંદોલન-પાર્ટ 2 શરૂ કર્યો છે. 

ક્ષત્રિયો આ વખતે ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે

આ તરફ, ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહમંત્રી સંઘવીએ રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ બાદ આજે હિંમતનગરમાં ક્ષત્રિયોને મનાવવા બંધ બારણે બેઠક યોજી હતી. એક હોટલમાં 50 થી વધુ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી પણ ક્ષત્રિયોએ રત્નાકર-સંઘવીને એક વાત માની ન હતી બેઠકમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, ક્ષત્રિયો આ વખતે ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે. 

એટલું જ નહીં, બેઠક બાદ જમણવારનું આયોજન કરાયુ હતું પણ ક્ષત્રિય આગેવાનોએ પાણી સુધ્ધા પીધુ ન હતું. ગૃહમંત્રી વાત કરી રહ્યા હતાં ત્યારે અધવચ્ચે ક્ષત્રિય આગેવાનો બેઠક છોડી રવાના થઈ ગયા હતા.

ઉગ્ર સૂત્રોચ્ચાર સાથેના વિરોધ પ્રદર્શન

માલપુર-મેઘરજમાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિયોએ હંગામો મચાવ્યો હતો જેથી એક તબક્કે સભા સ્થળે દોડધામ મચી ગઇ હતી. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથેના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ ઘટનાસ્થળે દૌડી આવી હતી. એક તબક્કે સભા સ્થગિત કરવા મજબુર થવુ પડયુ હતું. ભારે હંગામો થતા ભાજપના કાર્યકરો કાર્યાલય બંધ કરીને રીતસર ભાગ્યા હતાં.

સુરેન્દ્રનગરથી ધર્મયાત્રાનુ પ્રસ્થાન

આ તરફ, ગઈકાલે રાજકોટ, દ્વારકા-જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગરથી ધર્મયાત્રાનુ પ્રસ્થાન થયુ હતું. ક્ષત્રિય યુવા-મહિલાઓ જોડાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આજે 25 એપ્રિલને અંબાજી મંદિરમાં ધજા ચઢાવી ધર્મરથનું પ્રયાણ થશે. આ ધર્મયાત્રામાં એક હજાર કારોનો કાફલો હશે. 

જનસંમેલન યોજીને ભાજપને મત ન આપવાની અપીલ કરશે 

જે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગામડાઓમાં ફરશે. એટલુ જ નહી મતદારોને સમજાવવામાં આવશે કે, ભાજપને મત આપશો નહી. ક્ષત્રિય કોર કમિટીએ નક્કી કયું છે કે, 27મીએ વિસનગરમાં વિશાળ જનસંમેલન યોજવામાં આવશે જેમાં 50 હજારથી વધુ ક્ષત્રિયો એકત્ર થઈને શક્તિ પ્રદર્શન કરશે. આ ઉપરાંત આણંદમાં પણ તા.1લી મે ક્ષત્રિય સંમેલન યોજવા આયોજન કરાયુ છે. 2જીએ જામનગરમાં સંમેલન યોજવા તૈયારીઓ શરૂ કરાઈ છે. 

ક્ષત્રિયોનો રોષ ઠરે તેમ લાગતો નથી

તા. 28 એપ્રિલે બારડોલીમાં સંમેલન યોજવા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. એક લાખ ક્ષત્રિયોને અકત્ર કરવા નક્કી કરાયુ છે. ક્ષત્રિયોના આંદોલનાત્મક કાર્યક્રમોને પગલે ભાજપની ચિંતા વધી છે કેમકે, ડેમેજ કંટ્રોલ છતાંય ક્ષત્રિયોનો રોષ ઠરે તેમ લાગતો નથી. 

Article Content Image

Gujarat