For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વ IAS એસ.કે.લાંગા અને તેમના પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, આવક કરતા વધુ સંપત્તિ મળી આવી

Updated: Apr 20th, 2024

પૂર્વ IAS એસ.કે.લાંગા અને તેમના પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, આવક કરતા વધુ સંપત્તિ મળી આવી

ગાંધીનગરના કલંકિત ભૂતપૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા વધુ એક મુશ્કેલીમાં ફસાયા છે. એસ.કે.લાંગા અને તેમના પુત્ર પરિક્ષીત ગઢવી વિરૂદ્ધ આવક કરતા 11 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે, લાંગા કથિત જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ છે. જમીન કૌભાંડ સમયે તેઓ ગાંધીનગરના કલેક્ટર હતા.

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રૂ. 11 કરોડથી વધુની મિલકત અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી. ACBએ ઉલ્લેખ કર્યો છે કે ગાંધીનગરના કલેક્ટર રહેતા સમયે લાંગાએ પૈસા કમાવવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તે કમાણીનું જંગમ અને સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

ACBના અનુસાર, 1 એપ્રિલ 2008 થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક 5.87 કરોડની સામે તેમણે કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા 17.59 કરોડનું કર્યું છે. તેમણે 198.15 ટકા જેટલું રોકાણ કરીને 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી છે.

ACBના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમારે જણાવ્યું હતું કે, એસ.કે.લાંગાના સંબંધીઓ સાથે જોડાયેલી મિલકતની તપાસ ચાલી રહી છે. અમે આ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કથિત મુલાસણા જમીન કૌભાંડ અંગે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં તેમની સામે કેસ નોંધાયા બાદ ઓક્ટોબર 2023માં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માઉન્ટ આબુમાં એસ.કે.લાંગાની ધરપકડ કરાઈ હતી.

Gujarat