For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત-રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત

Updated: Apr 28th, 2024

ગુજરાત-રાજસ્થાનમાંથી 230 કરોડનું ડ્રગ્સ જપ્ત

- ગુજરાત એટીએસ-નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું સંયુક્ત ઓપરેશન : ચાર ફેક્ટરી ઝડપાઈ

- ગાંધીનગરના પીપળજ, અમરેલી તેમજ રાજસ્થાનના શિરોહી, જોધપુર સ્થિત ફેક્ટરીઓમાં દરોડા: બે મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૩ આરોપીઓની ધરપકડ

અમદાવાદ : ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા શુક્રવારે રાતના સમયે અમરેલી, ગાંધીનગર જિલ્લાના પીપળજ તેમજ રાજસ્થાનના સિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ચાર ફેક્ટરી   એક જ સમયે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લિક્વીડ અને ક્રિસ્ટલ  ફોર્મમાં રહેલા એમડી ડ્રગ્સનો રૂપિયા ૨૩૦ કરોડનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા બે મુખ્ય આરોપીઓ સહિત પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરિયલ વાપીમાં આવેલી એક ફેક્ટરીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડ આંતર રાજ્ય હોવાને કારણે હાલ તપાસ એનસીબીની ટીમે ગુજરાત એટીએસને સાથે રાખીને શરૂ કરી છે. 

ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીને આશરે બે મહિના પહેલા ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના થલતેજમાં રહેતો મનોહરલાલ એનાની અને  કુલદીપસિંગ રાજપુત (રહે. ગ્રીન સીટી સોસાયટી, સેક્ટર-૨૬, ગાંધીનગર) દ્વારા  મોટાપાયે એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.  આ માહિતીને આધારે ગુજરાત એટીએસના અધિકારીઓની વિવિધ ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ છેલ્લાં દોઢ મહિનાથી ટેકનીકલ અને હ્યુમન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન એટીએસના અધિકારીઓને ગાંધીનગરના પીપળજ, અમરેલી  તેમજ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં આવતુ હોવાની માહિતી મળી હતી.  પરંતુ, એક જ સ્થળે દરોડો પાડવામાં આવે તો અન્ય ફેક્ટરીઓ ચલાવતા લોકો નાસી જવાની શક્યતા હોવાથી એટીએસના અધિકારીઓએ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાથે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં આ ઓપરેશનમાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની અલગ અલગ ટીમને સાથે રાખવાનું નક્કી કરાયું હતું.  શુક્રવારે ચાર અલગ અલગ ટીમને લોકેશન પર મોકલીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગાંધીનગરના પીપળજ ગામમાં પાડવામાં આવેલા દરોડામાં એક રહેણાક મકાનમાં એમ ડી ડ્રગ્સની ફેક્ટરી મળી આવી હતી. પોલીસને ત્યાંથી લીક્વીડ એમ ડી અને ક્રિસ્ટલ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન કુલદીપસિંગ રાજપુત, રીતેશ દવે (રહે.અંબિકાનગર,ડીસા) , હરીશ સોંલકી (રહે.સનરાઇઝ હાઇટ્સ, વલસાડ) , દીપક સોંલકી (રહે. બાપુનગર) અને શીવરતન અગ્રવાલ (રહે. કલ્લા ગામ, જોધપુર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અમરેલી ભક્તિનગરમાં આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડીને નિતીન કાબરિયા (રહે.લીલીયા રોડ,  ખારાવાડી, અમરેલી) અને કિરિટ લવજીભાઇ મદલીયા (રહે.સાવરકુંડલા રોડ, અમરેલી)ને  ઝડપીને એમડી અને લિક્વીડ એમ ડીનો જથ્થો જપ્ત કરાયો હતો.

બીજી તરફ રાજસ્થાનના શિરોહી જિલ્લાના લોઠીવાલા બંડા ગામમાં ચાલતી ફેક્ટરીમાંથી લીક્વીડ એમડી અને એમ ડી ડ્રગ્સ મળી  આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રંગારામ મેઘવાલ (રહે.શિરોહી),બજરગલાલ બિશ્નોઇ (રહે. સાંચોર),નરેશ મકવાણા  અને કનૈયાલાલ ગોહિલ (બંને રહે. સાણંદ, અમદાવાદ)ની ધરપકડ કરી હતી. જ્યારે જોધપુરના ઓશીયા ગામમાં  પોલીસને વિવિધ કેમીકલ અને મોટા પ્રમાણમાં મશીનરી મળી આવી હતી. ત્યાંથી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ કુલ ૨૨ કિલો એમ ડી ડ્રગ્સ અને ૧૨૪ લીટર લીક્વીડ એમડી મળીને કુલ ૨૩૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

Gujarat