For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં સાઉન્ડ લિમિટર વગરના ડીજે ટ્રક, સાઉન્ડ સિસ્ટમ પર બૅન, હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય

Updated: Mar 29th, 2024

Article Content Image

DJ truck without sound limiter ban in Gujarat: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડીજે ટ્રક, લાઉડસ્પીકર, વાંજિત્રોના માધ્યમ દ્વારા નિયત સાઉન્ડ લિમિટિનો ભંગ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં વપરાશકર્તાઓ, ઉત્પાદનકારો અને વેચાણકર્તાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હવે ગુજરાત સરકાર દ્વારા એક બહુ મોટા અને ઐતિહાસિક નિર્ણય મારફતે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સાઉન્ડ લિમિટર વિનાના કોઈપણ લાઉડ સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ વેચાણ કે તેના ઈન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. લોકસભા ચૂંટણી ટાણે જ સરકારના આ આકરા નિર્ણયને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો-ટેકેદારોને મોટી અસર થશે તો, લગ્નસરા સહિતના પ્રસંગોમાં પણ સાઉન્ડ લિમિટિર વિનાના ડીજે ટ્રક, સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત થશે. 

સાઉન્ડ લિમિટર વગરના સિસ્ટમ પર પ્રતિબંધ 

રાજયના ગૃહ વિભાગ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોંગદનામું રજૂ કરી જણાવાયું હતું કે, ગૃહ વિભાગ દ્વારા રાજ્યના તમામ પોલીસ સત્તાવાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને તા.3-12-20219ની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન્સ અને જાહેરનામાનો કડકાઈથી અમલ કરવા નિર્દેશો આપી દેવાયા છે. જેમાં સાઉન્ડ લિમિટર ના હોય તેવા કોઈપણ લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમના વેચાણ, ઉપયોગ કે તેના ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સાઉન્ડ લિમિટર વિનાની કોઈપણ સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકર કે, મ્યુઝિક સિસ્ટમ-ડી.જે ટ્રક ઉત્પાદકો, ડીલર્સ કે દુકાનદારો કે કોઈ એજન્સી પણ ઉપયોગ, વેચાણ કે ઇન્સ્ટોલ નહી કરી શકે. એટલું જ નહી, હાલની પ્રવર્તમાન સાઉન્ડ સિસ્ટમમાં પણ સાઉન્ડ લિમિટર લાગુ કરવા ફરજીયાત બનાવાયું છે. 

સાઉન્ડ લિમિટર વિનાના સિસ્ટમની જપ્તીનો આદેશ 

ટ્રકો કે અન્ય વાહનોમાં આવા લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમ જો સાઉન્ડ લિમિટર વિનાના હશે તો આવા વાહનો અને સાઉન્ડ સિસ્ટમની જપ્તીના સીધા આદેશો જારી કરી દેવાયા છે. એટલું જ નહી, આવા વાહનો, ડ્રાઇવર કે એજન્સી, ઉત્દાપકો, વેચાણકર્તા, ખરીદકર્તા સહિતના સંબંધિત લોકો વિરૃધ્ધ કાયદાનુસાર પગલાં ભરવા પણ ફરમાન જારી કરી દેવાયું છે. ગૃહ વિભાગ તરફથી આ સમગ્ર મામલે તા. 21-03-2024ના રોજ અગત્યનો ઠરાવ પણ જારી કરી દેવાયો છે. 

માઇક્રોફોન સિસ્ટમ અને ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ

વધુમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તા. 15-03-2024 ના જાહેરનામાથી સીઆરપીસીની કલમ-144 અન્વયે તા. 17-03-2024 થી તા. 15-05-2024 સુધી બે મહિનાના સમયગાળા માટે માઇક્રોફોન સિસ્ટમ અને ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહી, આવી માઇક્રોફોન સિસ્ટમ કે ડીજે સિસ્ટમ તેના માલિકો, ઓપરેટરો, ઇવેન્ટ મેનેજર દ્વારા રાજકીય, સામાજિક, ધાર્મિક કે રેલીના હેતુસર જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યાઓ કે રહેણાંક વિસ્તાર નજીક ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં પણ આવી સિસ્ટમો ભાડે નહી આપવા નિર્દેશ જારી કરાયા છે. જો પોલીસ ઓથોરીટી પાસેથી સાત દિવસ પહેલાં સત્તાવાર મંજૂરી લેવાયેલી હશે તો જ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે, અન્યથા નહી. 

સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ડિવાઇસ ફરજિયાત

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તા.20-03-2024ના પત્રથી શહેરના તમામ પોલીસ સત્તાવાળાઓને નિર્દેશ જારી કરી દેવાયા છે કે, તા. 03-12-2019ના સંબંધિત જાહેરનામા અને નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, 2000ના રુલ-5(3) અન્વયે તમામ ઉત્પાદકો, ડીલર્સ, વેન્ડર્સ, એજન્સીઓ માટે લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ડિવાઇસ ફરજિયાત રહેશે અને સાઉન્ડ લિમિટ ડિવાઇસ વિનાની કોઇપણ લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ મંજૂરીપાત્ર રહેશે નહી.   

પોલીસ અધિકારી મારફતે વેરીફિકેશન કરાવવાનું રહેશે

અમદાવાદ શહેરમાં કોઇપણ વ્યકિત કોઇપણ એજન્સી પાસેથી લાઉડ સ્પીકર મેળવવાની પ્રક્રિયા હાથ ધરે ત્યારે જો તે લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ડિવાઇસ લગાવાયેલી હોય તો જ તેને લાયસન્સ મળી શકશે અને તેનું વેરીફિકેશન નજીકના પોલીસ મથકમાં ઇન્ચાર્જ પોલીસ અધિકારી મારફતે કરાવવાનું રહેશે. 

સાઉન્ડ લિમિટર વિનાની સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં કરી શકે 

અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર, સ્પેશ્યલ બ્રાંચ તરફથી તા. 21-03-2024ના રોજ નિર્દેશો જારી કરી શહેરના તમામ એકથી સાત ઝોનના ડીસીપી, ટ્રાફિક બ્રાંચ સહિતના સત્તાવાળાઓને તમામ પોલીસ મથકોના જયુરીડિક્શનમાં આવતાં ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટના નોટિસ બોર્ડ પર સાઉન્ડ ડેસીબલ્સની લિમિટ દેખાય તે પ્રકારે પ્રદર્શિત કરવાની રહેશે. સાઉન્ડ લિમિટર વિનાની કોઇપણ સાઉન્ડ સિસ્ટમ ઉત્પાદકો, ડીલર્સ, દુકાનદારો કે એજન્સી ઉપયોગ, વેચાણ કે ઇન્સ્ટોલ નહીં કરી શકે.

જાહેર સ્થળો અને રહેણાંક નિવાસીઓને કોઇ અડચણ ના થાય તેનું ધ્યાન રાખવા તાકીદ

ગૃહ વિભાગ તરફથી અદાલતને હૈયાધારણ અપાઇ હતી કે, ડીજે ટ્રક, બેન્ડ, લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમના બેફામ ઉપયોગનાકારણે કોઇને અડચણ કે ખલેલ ના પહોંચે તે માટે સત્તાવાળાઓ સજ્જ છે અને આ સંદર્ભે જાહેર સ્થળો કે, રેણાંક નિવાસીઓને કોઇપણ પ્રકારની   તકલીફ કે અડચણ ના થાય તે હેતુથી આવા લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમ(ડીજે ટ્રક, બેન્ડ..વેગેરે) પર ધ્યાન રાખવા અને નિરીક્ષણ રાખવા કડક નિર્દેશો જારી કરાયા છે.

Article Content Image

Gujarat