For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાપી પોલીસ અને લોકોએ ધાડ-લૂંટને નિષ્ફળ બનાવી, તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત 9ની ધરપકડ

Updated: Apr 23rd, 2024

વાપી પોલીસ અને લોકોએ ધાડ-લૂંટને નિષ્ફળ બનાવી, તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત 9ની ધરપકડ

Gujarat:  વાપીના કરવડ ગામે રહેતા સરપંચના બંગલામાં લૂંટને અંજામ આપે તે પહેલા જ ધાડપાડુઓને લોકો અને પોલીસે દબોચી લીધા હતા. સરપંચે કેમેરામાં ચકાસણી કરતા કમ્પાઉન્ડમાં હથિયાર સાથે ધાડપાડુ આવ્યાનું જણાયું હતું. ધાડપાડુઓએ પથ્થરમારો કરતા ત્રણ પોલીસ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસે ટોળકીના 6 સાગરિતો અને ધાડ-લૂંટનો પ્લાન બનાવનાર અને ટીપ આપનાર વાપી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત 9 આરોપીની ધરપકડ કરી હતી.

વાપીના કરવડ ગામે નેવટી ફળિયામાં સરપંચ દેવેન્દ્ર લલ્લુભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. ગત શનિવારે દેવેન્દ્ર અને પત્ની કવાલના સરપંચ મનોજભાઇને ત્યાં લગ્નમાં ગયા બાદ રાત્રે ઘરે આવ્યા હતા. બાદમાં દેવેન્દ્ર પટેલ ઘરેથી અંબામાતાના મંદિરે બેસવા ગયા હતા. મોડી રાત્રે ઘરે આવી કેમેરામાં ચકાસણી કરતા કમ્પાઉન્ડમાં પાછળના ભાગે હથિયારધારી ધાડપાડુની હિલચાલ જોતા ગામના કેટલાક શખ્સોને ફોનથી જાણ કરી હતી.

પોલીસને પણ જાણ થતા પોલીસ અને ગામલોકોએ બંગલાની ફરતે ઘેરો ધાલ્યો હતો. જેને લઇ ધાડપાડુઓએ પથ્થરમારો કરતા ત્રણ પોલીસ જવાનને ઇજા થઇ હતી. ભિંસ વધી જતા છ પૈકી ત્રણ કમ્પાઉન્ડની વાડ કુદી ભાગવા જતા માથા અને શરીરે ઇજા થઇ હતી. પોલીસે છ પૈકી પાચને પકડી પાડયા હતા. જ્યારે ફરાર એક આરોપી પણ પકડાય ગયો હતો. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

ધાડપાડુઓ પથ્થર, લાકડા સહિતના ધાતક હથિયાર સાથે આવ્યા હતા. ધાડપાડુ ગેંગના સાગરિતોની પૂછપરછમાં ધાડ-લૂંટના ગુનાને અંજામ આપવા પ્લાન બનાવનાર અને ટીપ આપનાર ભાજપ શાસિત વાપી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત ત્રણના નામો ખૂલ્યા હતા. ત્રણ પૈકી બે આરોપી કેતન ૫ટેલ આમઆદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રદિપ રાઠોડ વલસાડ જીલ્લા આમઆદમી પાર્ટીના મહામંત્રીનો હોદ્દો ધરાવે છે.

કોણકોણ પકડાયું

રણીયા બીજીયાભાઈ મીનામા, મેઘુ વિરસિંગ મીનામા, સુનિલ મેઘુભાઈ મીનામા (તમામ રહે.મોટી ખરાજ, દાહોજ), પરેશ ગુમાભાઈ સંગાડા (રહે. ઈટાવા, દાહોદ), દિલીપ માનુભાઈ પારગી (રહે.બાલવાસા, એમપી) અને હરમલ બચુભાઈ ગણવા (રહે.નેળછુ, દાહોદ), બાબુ વજીરભાઈ પટેલ (રહે. આસ્મા, પારડી), કેતન કિશોરભાઈ પટેલ (રહે. બલીઠા, વાપી) અને પ્રદિપ પ્રેમચંદ રાઠોડ (રહે.છીરી, વાપી)

વજીર પટેલે ધાડપાડુઓ સાથે પ્લાન બનાવ્યો હતો

પારડીના આસ્મા ગામે રહેતા આરોપી બાબુ વજીર પટેલે વલસાડ જીલ્લામાં ધાડ-લૂંટનો પ્લાન બનાવી દાહોદની ગેંગના એક સાગરિત સાથે સંપર્કમાં રહી માહિતીની આપલે કરતો હતો. વલસાડ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં માલેતુજાર વ્યક્તિઓના બંગલા અને મકાનોની રેકી કરતો હતો. કરવડના સરંપચ અને ટીપ મળ્યા બાદ ત્રણ દિવસ અગાઉ દાહોદની ગેંગને બોલાવી બાદ પોતાની અર્ટિગા ગાડીમાં કરવડ લઈ ગયા બાદ લોકોને બતાવ્યું હતું. બાદમાં રાત્રે ગેંગના સાગરિતોને ગામની બહાર છોડી દીધા હતા. વજીરે ગેંગના સાગરિતોને કામ પૂર્ણ થયા બાદ ફોન કરી પાછા લેવા આવવા કહ્યું હતું.

મુખ્યસૂત્રધાર અને ટીપ આપનારને કમિશન નક્કી કરાયું હતું

ધાડના ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ અને લોકોએ નિષ્ફળ બનાવી દીધા બાદ પકડાયેલી દાહોદની ગેંગના છ આરોપીની સઘન પૂછપરછમાં બાબુ પટેલ આરોપીના સતત સંપર્કમાં રહેતો હતો. આ ઘટનામાં કેતન પટેલ અને પ્રદિપ રાઠોડે કરવડના સરપંચ સહિત અન્યોની માહિતી આપી હતી. આ ત્રણેય આરોપીઓએ ગેંગ સાથે ગુનાને અંજામ અપાયા બાદ મુદ્દામાલમાંથી 20 ટકા કમિશન પણ નક્કી કર્યું હતું.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

વાપીના કરવડમાં સરપંચને ત્યાં ધાડ પાડવા આવેલી દાહોદની ગેંગના ૬ સાગરિત સહિત 9 આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં અનેક ચોકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ગેંગના મુખ્યસૂત્રધાર દિલીપ પારધી સામે દાહોદ અને મધ્યપ્રદેશમાં 16 ગુના, પરેશ સંગાડા ગામે દાહોદ અને રાજસ્થાનમાં 4 ગુના, બાબુ પટેલ સામે વલસાડ અને નવસારીના 3 ગુના, રણીયા મીનામા, મેઘુ મીનામા અને સુનિલ મીનામા સામે 1-1 ગુનો અગાઉ નોંધાયો હતો. જયારે વાપી તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ આમપાર્ટીના મહામંત્રી કેતન પટેલ સામે વાપી ટાઉનમાં એક ગુનો નોંધાયો હતો.

પોલીસ અને લોકોએ પ્લાનને નિષ્ફળ બનાવ્યો

કરવડના સરપંચ દેવેન્દ્ર પટેલને ત્યાં ધાડપાડુઓ ઘુસ્યા અને સીસી ટીવી કેમેરામાં દેખાતા ગામલોકો અને પોલીસને જાણ કરાઈ હતી. બાદમાં ધાડપાડુઓએ ગુનાને અંજામ આપે તે પહેલા જ લોકો અને પોલીસે સરપંચના બંગલાને કોર્ડન કરી દીધો હતો. ચોમેરેથી પોલીસે ધાડપાડુઓને ઘેરી લીધા હતા. બાદમાં છ પૈકી પાંચને ઘટના સ્થળેથી અને એકને બીજા દિવસે પકડી પાડયો હતો. પોલીસ અને લોકોના સહયોગથી ધાડનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.

Article Content Image

Gujarat