For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમરેલીમાં જેનીબેને ભાજપ ઉમેદવારને આપી ઓપન ચેલેન્જ, સામે જવાબ મળ્યો- 'હું ઓછું ભણેલો છું પણ ગણેલો છું'

Updated: May 2nd, 2024

અમરેલીમાં જેનીબેને ભાજપ ઉમેદવારને આપી ઓપન ચેલેન્જ, સામે જવાબ મળ્યો- 'હું ઓછું ભણેલો છું પણ ગણેલો છું'

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ દરમિયાન જેનીબન ઠુમ્મરે ભાજપના ઉમેદવારને ઓપન ચેલેન્જ આપતા કહ્યું કે, 'હું કોઈ પણ મંચ પર ભાજપના ઉમેદવાર નક્કી કરે તે મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છું.' જો કે, ભાજપના ઉમેદવારે આ ચેલેન્જનો સ્વીકાર કરીને જવાબ આપ્યો છે.

ભરત સુતરિયાએ આપ્યો જવાબ

કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને જવાબ આપતા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે, જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ (કોંગ્રેસ) કહેતા કે,કેશુભાઈ પટેલ સાત ચોપડી ભણેલા છે, પરંતુ તેમણે કોઠાસૂઝથી અનેક વિકાસના કામ કરી બતાવ્યા. કોંગ્રેસના શાસનમાં અમરેલીનો વિકાસ થયો નથી. હું ઓછો ભણેલો પરંતુ ગણેલો છું, ભણેલા જ નહીં ગણેલા પણ રાજનીતિમાં આગળ વધીને વિકાસના કામ કરી શકે છે.'

અમરેલી બેઠક પર કોનો રહ્યો દબદબો?

અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. અમરેલી લોકસભા બેઠક પર 1957થી 1984 દરમિયાન સાત ટર્મ સુધી સતત 27 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જો કે, 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયાએ આ બેઠક જીતી હતી. ત્યારબાદ 1991માં ભાજપે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 1991થી 1999 સુધી જીતતા રહ્યા. જો કે, 2004માં કોંગ્રેસના વિરજી ઠુંમરે બાજી મારી હતી. પરંતુ કોંગ્રેસનું શાસન લાંબા સમય સુધી ન ચાલ્યું. 2009થી 2019 સુધી ભાજપના નારણ કાછડિયા આ બેઠક પર સતત ત્રણ ટર્મ સુધી જીત્યા હતા.

Gujarat