For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

WhatsAppનો મોટો નિર્ણય, ઇન્ટરનેશનલ બિઝનેસ મેસેજ માટે ચૂકવવો પડશે ચાર્જ, 1 જૂનથી લાગુ

Updated: Mar 29th, 2024

Article Content Image

WhatsApp Charge : મેસેજિંગ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય અને ભારત સહિત દુનિયાભરના લોકો વચ્ચે સંદેશાવ્યવહારનું માધ્યમ બની ગયેલ WhatsApp હવે ચાર્જ વસૂલવા જઈ રહી છે. મેટા અને વોટ્સએપે ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી કેટેગરી રજૂ કરી છે.

આ નવા ફીચર્સથી ભારતમાં મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય મેસેજના ચાર્જિસ પહેલા કરતા 20 ગણા વધી ગયા છે. જોકે સામાન્ય યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. આ નવો નિર્ણય બિઝનેસ SMS પર થશે.

પ્રતિ બિઝનેસ SMS માટે 2.3 રૂપિયા ચૂકવવા પડશે

વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ તમારે પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. આ નવા આદેશની અસર ભારત અને ઈન્ડોનેશિયા બંનેના બિઝનેસ પર જોવા મળશે. વોટ્સએપના નવા નિર્ણયથી એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના કોમ્યુનિકેશન બજેટમાં વધારો થશે. વાસ્તવમાં WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું હતું.

અગાઉ શું રેટ હતા?

અગાઉ ટેલિકોમ કંપનીઓ લોકલ SMS મોકલવા માટે પ્રતિ SMS 0.12 પૈસા ચાર્જ કરતી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ચાર્જિસ 4.13 રૂપિયા પ્રતિ SMS હતી, જ્યારે WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતી હતી, જે વધીને 2.3 રૂપિયા પ્રતિ SMS થઈ ગઈ છે.

Jio અને Airtelને ફાયદો

ઓછા વોટ્સએપ SMS ચાર્જને કારણે, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ તરીકે WhatsAppનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. જોકે, નવા નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાની આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે અને બજાર હિસ્સો 7600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે, જેમાં એસએમએસ, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય વ્યવહારો, સર્વિસ ડિલિવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

Gujarat