For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બહિષ્કારની માત્ર વાતો! ભારતે ચીનથી આ વસ્તુની આયાત કરવામાં 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

રિઅલ એસ્ટેટમાં મંદીથી ચીનમાં સ્ટીલનો માલભરાવો થતા સસ્તામાં ઓફર

Updated: May 8th, 2024

બહિષ્કારની માત્ર વાતો! ભારતે ચીનથી આ વસ્તુની આયાત કરવામાં 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

India China Import News | એક તરફ ચીનના માલનો બહિષ્કાર કરવાના તથા ચીન ખાતેથી આયાત ઘટાડવાના ભારત સતત પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ચીન ખાતેથી ભારતમાં સ્ટીલની આયાત આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે.

ઘરઆંગણે પ્રોપર્ટી માર્કેટસની મંદીને કારણે ચીનમાં સ્ટીલના વપરાશમાં ઘટાડો થયો છે અને માલભરાવો થઈ જતા ચીન વિશ્વ બજારમાં પોતાનું સ્ટીલ સસ્તા ભાવે વેચી રહ્યું છે. નાણાં વર્ષ 2024ની વાત કરીએ તો ચીન ખાતેથી ભારતે 27 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી છે, જે આઠ વર્ષની ઊંચી સપાટીએ છે. ગયા નાણાં વર્ષમાં ચીનની ભારતમાં સ્ટીલ નિકાસ વોલ્યુમની દ્રષ્ટિએ 91 ટકા ઊંચી રહી હોવાનું સ્ટીલ  મંત્રાલયના આંકડા જણાવે છે. 

ભારતના અન્ય બે પૂરવઠેદારો જાપાન તથા કોરિઆને ચીને પાછળ મૂકી દીધા છે. ભારત ખાતે કોરિઆની સ્ટીલ નિકાસમાં 16 ટકા જ્યારે જાપાનની નિકાસમાં 51 ટકા વધારો થયો હતો. ગયા નાણાં વર્ષમાં કોરિઆ ખાતેથી ૨૬ લખ ટન અને જાપાન ખાતેથી 13 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરવામાં આવી હતી. 

નાણાં વર્ષ 2017માં ચીન ખાતેથી ભારતે 22 લાખ ટન સ્ટીલની આયાત કરી હતી, ત્યારબાદ ગયા નાણાં વર્ષનો આંક સૌથી ઊંચો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

ચીનમાં રિઅલ એસ્ટેટમાં મંદી તથા ભારતની સ્ટીલ મિલોની ક્ષમતા પર દબાણને કારણે સ્ટીલની આયાતમાં વધારો જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષમાં ભારતની સ્ટીલ માગમાં 13 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. 

ચીન ખાતેથી ભારત દ્વારા સ્ટીલ આયાતમાં  વધારો ઘરઆંગણેની સ્ટીલ મિલો માટે ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

Gujarat