For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gold Prices: અમદાવાદમાં સોનાનો ભાવ બે દિવસમાં રૂ. 2300 ઘટ્યો, ચાંદી પણ રૂ. 3000 સસ્તી

Updated: Apr 23rd, 2024

Gold Prices: અમદાવાદમાં સોનાનો ભાવ બે દિવસમાં રૂ. 2300 ઘટ્યો, ચાંદી પણ રૂ. 3000 સસ્તી

Gold Price In Ahmedabad: વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાના સથવારે અમદાવાદમાં સોનાનો ભાવ આજે વધુ રૂ. 1200 ઘટી રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા બે દિવસમાં સોનું અમદાવાદમાં રૂ. 2300 ઘટ્યું છે. જે શનિવારે રૂ. 76300 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. ચાંદી પણ બે દિવસમાં રૂ. 3000 પ્રતિ કિગ્રા ઘટી છે.

અમદાવાદમાં ચાંદીની કિંમત આજે રૂ. 2500 ઘટી રૂ. 80500 પ્રતિ કિગ્રા થઈ હતી. સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક સ્તરે પડકારોમાં સુધારો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસનું ભારણ હળવું થયુ છે. જેથી ક્રૂડના ભાવ ઘટ્યા છે. રોકાણકારો હાલ અમેરિકી ફુગાવાના આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતાં સોના-ચાંદીમાં ઘટાડો થયો છે.

વૈશ્વિક સોનુ બે ટ્રેડિંગ સેશનમાં 3 ટકા ઘટ્યું

વૈશ્વિક સ્તરે સોનાની કિંમત છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 3 ટકા ઘટી છે. કિંમતી ધાતુમાં તેજી પાછળનું કારણ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની તીવ્ર શક્યતા હતી, પરંતુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હુમલાના પગલે ફેડએ આ વર્ષે વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં સોના-ચાંદીમાં આકર્ષણ ઘટ્યું છે. જેએમ ફાઈનાન્સિયલ્સના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટે એમસીએક્સ સોનુ જો 70440નો સપોર્ટ તોડે તો 70050-69800 સુધીનું કરેક્શન જોવા મળી શકે છે. જેના પગલે હાજર સોનાનો ભાવ પણ ઘટશે.

ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી

મધ્ય-પૂર્વ તણાવમાં ઘટાડો થતાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી છે. જો કે, ઈન્વેન્ટરી આંકડાઓ અને ઉનાળાની સિઝનમાં વધુ માગના પગલે ક્રૂડના ભાવમાં વૃદ્ધિ જળવાઈ રહેશે. આજે બ્રેન્ટ ક્રૂડ 0.70 ટકા ઘટી 86.30 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહી હતી. રૂપિયો માર્જિનલ 3 પૈસા સુધરી 83.35 પર બંધ રહ્યો હતો. કેપિટલ માર્કેટમાં સુધારો અને બિનકૃષિ કોમોડિટીના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ આજે ફુગાવો અને ગ્રોથના આંકડાઓ પર ફોકસ કરતા સ્થિર થયા છે.

Article Content Image

Gujarat