For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં આગ ઝરતી તેજી, 69500ની ઓલટાઈમ હાઈ સપાટીએ, ચાંદીએ પણ 74000નું લેવલ કૂદાવ્યું

- વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર ચાલ

- ઓપેકની બેઠક પહેલા ક્રુડ તેલ ઊંચકાયું

Updated: Mar 29th, 2024

Article Content Image

મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવમાં આવેલા જોરદાર ઉછાળાને પગલે ઘરઆંગણે પણ કિંમતી ધાતુમાં  ભાવ ઊંચા મુકાતા હતા. વૈશ્વિક  બજાર પાછળ અમદાવાદ સોનું નવી  ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને રૂપિયા ૭૦,૦૦૦ની નજીક કવોટ કરાતું હતું. ઓપેકની બેઠક પહેલા ક્રુડ તેલમાં પણ સુધારા તરફી ચાલ રહી હતી જ્યારે ડોલર સામે રૂપિયો સ્થિર રહ્યો હતો. 

વ્યાજ દરમાં કપાત કરવા ફેડરલ રિઝર્વ ઉતાવળ કરવા માગતી નહીં હોવાના અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ વોલરના આવી પડેલા નિવેદન બાદ વૈશ્વિક ગોલ્ડમાં ફરી સુધારો જોવા મળ્યો હતો અને ભાવ મોડી સાંજે ૨૨૦૦ ડોલરની  સપાટીને કુદાવી ગયા હતા. જો કે ચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી. જોબલેસ આંકડાઓ તથા  પરસનલ કન્ઝમ્પશન એકસપેન્ડિચર (પીએસઈ - ફુગાવા) પ્રાઈસ ઈન્ડેરકસ ડેટા પર પણ ખેલાડીઓની નજર રહેલી છે. 

સ્થાનિક મુંબઈ ઝવેરીબજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૬૭૨૫૨ મુકાતું હતું જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૬૬૯૮૩ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૪૧૨૭ રહ્યા હતા. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદમાં સોનામાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૬૯૫૦૦ સાથે ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા.  ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૯૩૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૪૦૦૦ કવોટ થતાં હતા. 

અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ વોલરે ફેડરલ વ્યાજ દર વધારવાની ઉતાવળમાં નહીં હોવાના કરેલા નિવેદનથી વિશ્વ બજારમાં સોનું ફરી ૨૨૦૦ ડોલરની સપાટી કુદાવી મોડી સાંજે   ઔંસ દીઠ ૨૨૧૨ ડોલર બોલાતુ હતું. સોનામાં ૧૮ ડોલર જેટલો ઉછાળો આવ્યો હતો. સોનાની સરખામણીએ ચાંદીમાં સ્થિરતા રહી હતી અને ભાવ પ્રતિ ઔંસ ૨૪.૫૮ ડોલર કવોટ થતા હતા. 

તેલ ઉત્પાદક દેશો (ઓપેક)ની આગામી સપ્તાહમાં મળી રહેલી બેઠકમાં ઉત્પાદન કાપમાં કોઈ ફેરબદલ કરાશે નહીં અને તેને કારણે ઓઈલ માર્કેટમાં પૂરવઠાની તાણ વર્તાશે તેવી ધારણાંએ ક્રુડ તેલમાં એક ડોલરથી વધુનો ઉછાળો આવ્યો હતો. નાયમેક્સ ક્રુડ ઓઈ પ્રતિ બેરલ ૮૨.૫૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૮૭.૩૦ ડોલર મુકાતું હતું. 

વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર ચાલ રહી રહી હતી. ડોલર બે પૈસા વધી ૮૩.૪૦ રૂપિયા રહ્યો હતો જ્યારે પાઉન્ડ ૨૫ પૈસા ઘટી ૧૦૫.૦૨ રૂપિયા અને યુરો ૪૦ પૈસા ઘટી ૮૯.૮૭ રૂપિયા બોલાતો હતો. 

Gujarat