For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એવું અનોખું મંદિર જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર થાય છે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ દર્શન, 100 કિલો ચંદનના લેપથી અપાશે શીતળતા

Updated: May 2nd, 2024

એવું અનોખું મંદિર જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર થાય છે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ દર્શન, 100 કિલો ચંદનના લેપથી અપાશે શીતળતા
Image Wikipedia

Shri Banke Bihari Darshan on Akshaya Tritiya 2024: શ્રી બાકે બિહારીના ભક્તો જન્માષ્ટમી સિવાય અક્ષય તૃતીયાના દિવસની ખાસ રાહ જોતા હોય છે. હકીકતમાં અક્ષય તૃતીયાનો દિવસ આખા વર્ષમાં એકમાત્ર એવો પ્રસંગ હોય છે, જ્યારે બાંકે બિહારીના ચરણના દર્શન થાય છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ઠાકુર જીના ચરણોના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. આ દિવ્ય દર્શનની તૈયારીઓ એક મહિના પહેલાથી શરુ કરી દેવામાં આવે છે. 

વર્ષમાં એકવાર પૂર્ણ દર્શન

આ વર્ષે અક્ષય તૃતીયા(અખાત્રીજ) 10 મેના રોજ મનાવવામાં આવશે. અક્ષય તૃતીયા વર્ષમાં એકમાત્ર એવો પ્રસંગ છે, જ્યારે ઠાકુર જીના પૂર્ણ સ્વરૂપના દર્શન થાય છે. એટલે આ દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પ્રસંગે શ્રી બાંકે બિહારીને ઠંડક આપવા માટે લગભગ 100 કિલો ચંદનથી પૂજા કરવામાં આવે છે. 

એક મહિનાથી ઘસવામાં આવી રહ્યું છે મલયગીરીનું ચંદન

અક્ષય તૃતીયાના દિવસે બાંકે બિહારીની ચંદનની સેવા માટે દક્ષિણ ભારતના મલયગીરીથી મોટી માત્રામાં ચંદન લાવવામાં આવે છે, અને અક્ષય તૃતીયાની તિથિના એક મહિના પહેલાથી ચંદનને ઘસવાનું શરૂ કરવામાં આવે છે. સેવાયત ગોસ્વામીઓ દ્વારા કેટલાય દિવસો સુધી રોજ ચંદન ઘસવામાં આવે છે. ત્યાર બાદ અક્ષય તૃતીયાના દિવસે ઠાકુર જીને ગરમીથી બચાવવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે કે જેથી કરીને ગરમીમાં તેમને શીતળતા મળી રહે.

100 કિલો ચંદન ઘસવામાં આવી રહ્યું છે

ઠાકુર જીની ચંદન સેવા માટે લગભગ 100 કિલો ચંદન ઘસવામાં આવી રહ્યું છે. આશરે સવાસો ગોસ્વામી પરિવારો તેમના ઘરોમાં અને મંદિરોમાં પથ્થરની શીલા પર ચંદન ઘસી રહ્યા છે. તે પછી અક્ષય તૃતીયાના દિવસે બાંકે બિહારીને આ ચંદનનો લેપ કરવામાં આવશે.

અક્ષય તૃતીયાના દિવસે બાંકે બિહારી સવારે ચરણ દર્શન આપશે અને સાંજે પૂર્ણ સ્વરુપના દર્શન આપશે. આવું વર્ષમાં માત્ર એક જ વાર થતું હોવાથી અક્ષય તૃતીયાના તહેવારની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. 

Gujarat