For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિદ્યાનગરના મતગણતરી કેન્દ્રોમાં ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ખસેડાયા

Updated: May 9th, 2024

વિદ્યાનગરના મતગણતરી કેન્દ્રોમાં ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ખસેડાયા

- રાજકીય પક્ષોના પ્રતિનિધીઓની હાજરીમાં 

- તા.4 થી જૂને બીજેવીએમ કોમર્સ કોલેજ તથા નલિની આર્ટસ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે

આણંદ : લોકશાહીના ઉત્સવ સમાન લોકસભાની ચૂંટણીમાં આણંદ સંસદીય બેઠક માટે ગત રોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ૬૫.૦૪ ટકા મતદાન થયું હતું. મોડી રાત સુધી વિવિધ મતદાન મથકો ખાતેથી ઈવીએમ તથા વીવીપેટ લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને આણંદ પાસેના વિદ્યાનગરના મત ગણતરી કેન્દ્રો ખાતે મોડી રાત્રે સઘન સુરક્ષા વચ્ચે તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મુકી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સીલ મારવામાં આવ્યું હતું.

૧૬-આણંદ લોકસભાની બેઠક માટે ગત રોજ સવારના ૭ થી સાંજના ૬ કલાક દરમ્યાન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આકરી ગરમી વચ્ચે પણ મતદારોએ મતદાન માટે અદમ્ય ઉત્સાહ દાખવતા સાંજના ૬-૦૦ કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ ૬૫.૦૪ ટકા મતદાન થયું હતું. 

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લાના વિવિધ ૧,૭૭૩ મતદાન મથકો ખાતે ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ તથા વીવીપેટ મશીનને મુખ્ય કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.

 જ્યાંથી મોડી રાત્રે સઘન સુરક્ષા વચ્ચે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરની નલિની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમ ખાતે મુકી સ્ટ્રોંગ રૂમને સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. 

મત ગણતરી કેન્દ્રો ખાતે થ્રી ટાયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ૨૪ ટ ૭ સીસીટીવી કેમેરા દ્વારા સ્ટ્રોંગ રૂમના મોનિટરીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી તા.૪થી જૂનના રોજ વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોમર્સ કોલેજ તથા નલિની આર્ટસ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Gujarat