For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પરિવર્તનોની ગતિ આજે જેટલી તીવ્ર છે એટલી અગાઉ ક્યારેય નહોતી

Updated: Apr 9th, 2024

પરિવર્તનોની ગતિ આજે જેટલી તીવ્ર છે એટલી અગાઉ ક્યારેય નહોતી

- અલ્પવિરામ

- પ્રકૃતિની ઉપેક્ષા માણસને બહુ ભારે પડી છે અને હજુ વધારે ભારે પડવાની છે. દરેકે દેશ અને પ્રજાએ એની તૈયારી રાખવાની છે

એલ્વિન ટોફલરે 'ધ થર્ડ વેવ' પુસ્તક લખ્યું ત્યારે એટલે કે ઈ. સ. ૧૯૮૦ના અરસામાં એમાં પણ એવી જ કલ્પના હતી કે છેક ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલી માનવ વસાહતોની આગેકૂચ પૃથ્વી ઉપર હજુ પણ વધુ સ્વર્ગાધિક સુખ લાવશે. વેવ એટલે કે મોજું જ્યારે આવે છે ત્યારે અગાઉનું બધું જ બાજુ પર ધકેલીને આગળ વધે છે. ઔદ્યોગિક ક્રાન્તિને ટોફલરે સેકન્ડ વેવ - બીજું મોજું કહ્યું હતું. જેમાં 'સમૂહ' શબ્દ કેન્દ્રમાં હતો. સામુહિક ઉત્પાદન, સામુહિક સંહારનાં શસ્ત્રો, સમૂહ માધ્યમો, સમૂહ શિક્ષણ (માસ એજ્યુકેશન) ટોફલરની વિચારધારા પર દુનિયા આફરીન થઈ ગઈ હતી. કદાચ એ એવું પુસ્તક હતું કે જેના પર દુનિયાનાં નાનાં-મોટાં લાખો શહેરોમાં પરિસંવાદો યોજાયા હતા. ત્યારે કોઈને કલ્પના ન હતી કે ટોફલરની થિયરી માનવમનના કેટલાક સંકુલ અને અણઉકેલ પ્રશ્નોને પણ સાથે જ લઈ આવી છે. ટોફલરની થિયરી આગળ જતાં સાવ બદલાઈ જશે એની પણ ત્યારે તો કલ્પના ન હતી. એ સમયે ફિરજોફ કેપરાના પુસ્તકોએ પણ ધૂમ મચાવી હતી.

મીડિયાની વિદ્યાશાખાઓના જેને માંધાતા માનવામાં આવે છે એવા ભીષ્મપિતામહ સમા માર્શલ મોકલુહાને પહેલીવાર દુનિયાને ગ્લોબલ વિલેજની વિભાવના આપી હતી. ત્યારે પણ જગત અચંબામાં પડી ગયું હતું કે શું ખરેખર જ એવી ટેકનોલોજિકલ ક્રાંતિ આવશે કે? માર્શલ મેકલુહાનની ધારણા પ્રમાણે પછીના દાયકાઓમાં ખરેખર જ એવી ક્રાંતિ આવી. ટોફલરે થર્ડ વેવ તરીકે ઇન્ફોર્મેશન એજની વાત કરી. 'ધ થર્ડ વેવ' પુસ્તક આપ્યું એનાં દસ વરસ પહેલાં એટલે કે ૧૯૭૦માં ટોફલરે 'ફ્યુચર શોક' નામનું પુસ્તક આપ્યું હતું. ત્યારે પણ કોઈને કલ્પના ન હતી કે એમની વાત આટલી ઝડપથી સાચી પડશે. ટોફલર મનુષ્યના પ્રવર્તમાન જીવન અને સામુદાયિક વિકાસનું ગહન અધ્યયન કરીને કેટલાક ચોંકાવનારાં ભવિષ્યગામી વિધાનો કરનારા વિદ્વાન છે. એને ફ્યૂચરિસ્ટ કહેવાય છે. દુનિયામાં આ એક શાસ્ત્ર છે જેને ફ્યૂચરિસ્ટિક્સ કહેવામાં આવે છે.

બધાં જ ઉપલબ્ધ સંસાધનો, મનુષ્યનું બદલાતું વર્તન, મનુષ્યની મહત્ત્વાકાંક્ષાઓ, સામાજિક સંદર્ભ વગેરે અને એની સંઘર્ષની ભૂમિકાનો બહુ જ વ્યાપક સ્તર ઉપર ગહન અભ્યાસ કર્યા પછી આ કક્ષાના વિદ્વાનો અમુક ચોક્કસ તારણો પર આવતા હોય છે અને એ પ્રકારે તૈયાર થયેલાં પુસ્તકો જગત સમક્ષ મૂકતા હોય છે. જ્યારે તેઓનાં આ પુસ્તકો પ્રગટ થાય છે ત્યારે તો તેમની ભવિષ્યની કલ્પનાનો એક પણ અણસાર આપણને આજુબાજુમાં જોવા મળતો હોતો નથી, પરંતુ જેમ જેમ વરસો પસાર થતાં જાય છે, તેમ તેમ એ પુસ્તકના એક પછી એક પાના દુનિયાના દરેક પ્રદેશમાં સાક્ષાત્ થવા લાગે છે. એલવિન ટોફલરે 'ફ્યુચર શોક' પુસ્તક લખ્યું એમાં એક વાક્ય બહુ મહત્વનું છે, જે આખા પુસ્તકનો સારાંશ જ છે. ટોફલર કહે છે કે Too much change in too short a period of time........ બહુ જ ઓછા સમયમાં બહુ જ વધારે પડતાં પરિવર્તનો જોવા મળશે. આ વાક્યમાં સકારાત્મક પાસાઓ પણ છે અને નકારાત્મક પણ છે. તો પણ ટોફલરનું આ અમર વાક્ય છે અને આજની દુનિયા હજુ પણ ટોફલરના એ ઉદ્ગારના પડછાયામાં જ ઊભી છે. આ બધા અર્વાચીન ક્રાન્ત દ્રષ્ટાઓ છે.

ઘોડાની લગામ માણસજાતના હાથમાં આવતાં લગભગ એક લાખથી વધુ વર્ષો લાગ્યા. આ એક લાખ વર્ષ દરમિયાન મનુષ્ય પણ જંગલમાં હતો અને ઘોડાઓ પણ એ જ જંગલમાં હતા. સમસ્યાનાં સમાધાનો ચોતરફ વેરાયેલાં પડયાં હોય છે, પરંતુ મનુષ્યના મસ્તિષ્કમાં ચમકારો થવો દુર્લભ છે. ત્યાર પછી માત્ર ઘોડાઓની મદદથી માણસજાતે નવખંડ ધરતી ઘૂમી વળવાના પુરુષાર્થ કર્યો. દિવસ અને રાત ધરતી પર ઘોડાઓ દોડતા રહ્યા. સદીઓ સુધી આ ક્ષિતિજેથી પેલી દૂરની બીજી ક્ષિતિજ સુધી. અનેક યુદ્ધો થયાં. ઘોડો માણસજાતનો અખંડ સાથીદાર.  ૧૮૬૦માં ઔધોગિક ક્રાંતિ થઈ.  ૧૮૮૦ના દાયકામાં કાર્લ બેન્ઝે પોતાની ત્રણ પૈડાંની પ્રથમ મોટરવેગનની પેટન્ટ લીધી ત્યારથી પૃથ્વી પર ઘોડાઓના હણહણાટ આથમવા લાગ્યા. વધુ સારો વિકલ્પ મળે એટલે સદીઓના વફાદારનેય પડતા મૂકે એનું નામ માણસ. વીરતા અને સ્વાભિમાનના પર્યાય જેવા અશ્વો નજરમાં દેખાતા બંધ થવા લાગ્યા ને ઔદ્યોગિક ધમધમાટ આખી દુનિયામાં ચાલુ થયો. ટોફલરે કહેલા આ સેકન્ડ વેવમાં જ પૃથ્વીના સત્ત્વ-તત્ત્વના નિકંદનનો ખતરનાક પ્રારંભ થયો.

રશિયન સાધક ગુર્જિએફ એક રીતે પરબ્રહ્મ તત્ત્વોના ઉપાસક હતા. વહેલી સવારે ખેતરો વચ્ચે ફરવા જતા. મૂળભૂત રીતે તેઓ ભરવાડ પરિવારના હતા અને ઘેટા-બકરા ચારતા, પરંતુ તેમની આત્મશક્તિ બહુ પ્રબળ હતી. તેમની વાણીમાં તબક્કાવાર બ્રહ્માંડનાં અનેક રહસ્યો ખુલવા લાગ્યાં હતાં. મહાન રશિયન ગણિતશાસ્ત્રી વ્યૂસ્પેન્સ્કી જેવા લોકો તેમના શિષ્ય બની ગયા હતા. સમગ્ર માનવજાત માટે એની પાસે બહુ જ નવા પ્રકારના બોધ હતા. આ ગુર્જિએફ સવારના જ્યારે ખેતરે જતા ત્યારે પાછા પગે દોડ લગાવતા. એ જોઈને બીજા ખેડૂતોને બહુ આશ્ચર્ય થતું. એકવાર ખેડૂતોએ એમને પૂછયું કે તમે પાછા પગે શા માટે દોડો છો? ત્યારે એમણે કહ્યું કે આપણે ખોટા રસ્તે ચડી ગયા હોઈએ તો સાચા રસ્તે જવા માટે અગાઉ જ્યાં હતા ત્યાં તો પાછા પહોંચવું પડે ને? આખી માણસજાત ખોટા રસ્તે ચડી ગઈ છે એટલે હું મૂળભૂત જગ્યાએ પહોંચવા પાછા પગે દોડું છું.

ગુર્જિએફની વાત આજે પણ સાચી છે કે માણસજાત અનેક બાબતોમાં ખોટે રસ્તે ચડી ગયેલી છે. એ ખુદ જ્યાં સુધી પાટે ન ચડે ત્યાં સુધી વિનાશક વાયરસો, ઝંઝાવાતો, ભૂકંપો અને અણધાર્યા ઉત્પાતો આવતા જ રહેવાના છે. મનુષ્યનો એક જ અપરાધ મુખ્ય છે કે તેણે માની જ લીધું છે કે આ પૃથ્વી પર જે કંઈ છે તે મારે ભોગવવા માટે છે. આ જ અભિગમ અપનાવીને મનુષ્યે કુદરત સાથે કામ પાડયું છે અને માત્ર પોતાના ભોગવાદ ઉપર જ ધ્યાન આપ્યું છે. કુદરત તરફ ધ્યાન આપ્યું જ નથી. એક ટકાથી ઓછા લોકો આ દુનિયામાં પ્રકૃતિના ગુણગાન ગાય એનાથી આ વસુંધરા ટકી શકે નહીં. બાકીના જે ૯૯% લોકો છે એ તો આ પૃથ્વી પર કુદરતના પોતાના અસ્તિત્વના શત્રુઓ છે. હવે જે અસ્તિત્વ અખિલ વિશ્વમાં અને બ્રહ્માંડમાં છવાયેલું છે એની સાથે સંઘર્ષમાં ઉતરીને મનુષ્ય શું મેળવી શકે? એનો જવાબ આખી એકવીસમી સદી દરમિયાન આપણને વારંવાર મળતો રહેવાનો છે.

આપણે જે જે સવાલો ઊભા કરેલા છે, એના જવાબોની સજા ભોગવવા તૈયાર રહેવું પડે. જે રીતે આજ સુધી મનુષ્યે પ્રાકૃતિક સંપદાનો સરેઆમ ખાત્મો બોલાવ્યો છે એનો જ પ્રત્યાઘાત હવે શરૂ થયો છે. સામાન્ય મનુષ્ય એમ કહી શકે ખરો કે અમે કંઈ હાથમાં કુહાડી લઈને જંગલો કાપવા ગયા નથી, પરંતુ તમે એના ઘરમાં નજર નાખશો તો ઓછામાં ઓછાં ૨૫ વર્ષની વય ધરાવતા દસ વૃક્ષોને કાપીને ફર્નિચર બનાવવામાં આવેલું હોય છે. આ એક જ ઘરની વાત છે. હવે એ મનુષ્ય માને છે કે હું તો કોઈ અપરાધી નથી, પરંતુ આ ૧૦ વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર તૈયાર થયું તો એ વૃક્ષોને અંજલિરૂપે ૧૦ની સામે એક વૃક્ષ પણ એ મનુષ્યે વાવ્યું છે ખરું? અને ધારો કે વાવ્યું છે તો એને ઉછેર્યું છે ખરું?

એટલે માણસ જાતના પ્રકૃતિ તરફના કુલ અપરાધોનો સરવાળો એટલો બધો મોટો થયો છે કે હવે આખા જગત પર એ જ અપરાધજન્ય પરિણામો જુદી જુદી રીતે અંધકાર પાથરવા લાગ્યાં છે. એ અંધકારમાં હવે મનુષ્ય મુંઝવણનો અનુભવ કરે છે અને એને પોતાને ખબર પણ છે કે પ્રકૃતિથી તે કેટલો વિમુખ છે, પરંતુ હવે તો તે પોતાના જ ઘરમાં કેદ થઈ ગયેલો છે. અત્યારે તો કુદરતની સન્મુખ થાય તો કઈ રીતે થાય? હજુ કોરોનાનો ભય દુનિયામાં તો છે જ. 

Gujarat