For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે, ત્રણ કે ચાર, એક ઉમેદવાર કેટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે? જાણો પેટા ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે

Updated: May 6th, 2024

બે, ત્રણ કે ચાર, એક ઉમેદવાર કેટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે? જાણો પેટા ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ યોજાશે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધીએ વાયનાડ અને અમેઠી બેઠકથી ચૂંટણી લડી હતી. તેઓ અમેઠીથી હારી ગયા હતા, જ્યારે વાયનાડ બેઠકથી જીત મેળવી હતી.

પીએમ મોદી પણ બે બેઠકો પર ચૂંટણી લડી ચૂક્યા છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. બીજેડી નેતા નવીન પટનાયકે હિંજલી અને કાંટાબાંજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. એક અહેવાલ અનુસાર, લોકસભા ચૂંટણી 2019માં લગભગ 23 ઉમેદવારો બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જ્યારે લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસી અને વડોદરા લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠક પર જીત મેળવી હતી. બાદમાં વડોદરા બેઠકથી રાજીનામું આપ્યું હતું.

આ દિગ્ગજ નેતાઓ બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા

લોકસભા ચૂંટણી 1957માં  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રર્દેશની મથુરા, બલરામપુર અને લખનઉ બેઠકથી ચૂંટણી લડી હતી. તેઓ માત્ર બલરામપુર બેઠક જ જીત્યો હતો. પૂર્વ વડાપ્રધાંન ઈન્દિરા ગાંધીએ વર્ષ 1980ની ચૂંટણીમાં રાયબરેલી અને તેલંગાણાની મેડક બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠક જીતી હતી. લાલકૃષ્ણ અડવાણીએ વર્ષ 1991ની ચૂંટણી ગાંધીનગર અને નવી દિલ્હી બેઠકો પરથી પણ લડી હતી. વર્ષ 1999ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કર્ણાટકના બેલ્લારી અને ઉત્તર પ્રદેશની અમેઠી બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠક જીતી હતી. બાદમાં તેમણે બેલ્લારીથી રાજીનામું આપ્યું હતું. વર્ષ 1991ની ચૂંટણીમાં માયાવતીએ ઉત્તર પ્રદેશની બિજનૌર, બુલંદશહર અને હરિદ્વાર બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને ત્રણેય બેઠક પર હાર્યા હતા.

કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકાય?

વર્ષ 1996 સુધી એક ઉમેદવાર ગમે તેટલી બેઠકથી ચૂંટણી લડી શકતા હતા. બાદામાં જનપ્રતિનિધિ કાયદાની કલમ 33માં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં એક ઉમેદવાર વધુમાં વધુ બે બેઠકો પર ચૂંટણી લડી શકે છે. પરંતુ ઉમેદવાર માત્ર એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે છે. બે બેઠકો જીત્યા બાદ એક બેઠક પરથી રાજીનામું આપવું પડે છે.

ચૂંટણી પંચનું શું કહેવું છે?

જુલાઈ 2004માં ચૂંટણી પંચે જનપ્રતિનિધિ કાયદાની કલમ 33(7)માં સુધારાની ભલામણ કરી હતી. ચૂંટણી પંચે ભલામણ કરી હતી કે જો કોઈ ઉમેદવાર બંને બેઠકો પરથી ચૂંટણી જીતે છે અને એક બેઠક પરથી રાજીનામું આપે છે તો તેમણે ત્યાં યોજાયેલી પેટાચૂંટણીનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ. આ રકમ વિધાનસભા પેટાચૂંટણી માટે રૂપિયા 5 લાખ અને લોકસભાની ચૂંટણી માટે રૂપિયા 10 લાખ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

પેટાચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?

જ્યારે ઉમેદવાર બંને બેઠકો પરથી ચૂંટણી જીતે છે, ત્યારે તેણે કાયદા દ્વારા એક બેઠક પરથી રાજીનામું આપવું પડે છે. નિયમો અનુસાર ખાલી પડેલી બેઠક પર છ મહિનામાં પેટાચૂંટણી યોજવી જરૂરી છે. જ્યારે કોઈપણ બેઠક પર પેટાચૂંટણી હોય ત્યારે ફરી એટલી જ રકમ ખર્ચવામાં આવે છે. ચૂંટણી પંચે 2019ની લોકસભા ચૂંટણીમાં અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એટલે કે પ્રતિ બેઠક સરેરાશ 9.20 કરોડ રૂપિયા હતો. 

Gujarat