Get The App

ઝીંગુનો બર્થ ડે .

Updated: May 12th, 2023

GS TEAM


Google News
Google News
ઝીંગુનો બર્થ ડે                                           . 1 - image


-  રોજ સફરજન ખાવા મળશે! રોજ સવાર, બપોર અને સાંજ, સફરજન જ ખાઇશ! સ્કૂલે નાસ્તામાં પણ સફરજન! આહાહા..! કેવી મજા! ભૈ..

કેવી મજા!'

કિરીટ ગોસ્વામી

ના નકડી ઝીંગુ કીડીને સફરજન બહુ ભાવે! પણ મમ્મી ક્યારેય સફરજન લાવે જ નહીંને! આથી ઝીંગુને મમ્મી પર ક્યારેક ગુસ્સો આવી જાય.

ઝીંગુને સફરજનનો લાલચટક, મસ્ત રંગ ખૂબ ગમે. ગોળ સફરજન કેવું લીસ્સું-લીસ્સું હશે! એની કલ્પનાઓ કરી-કરીને ઝીંગુનું મન નાચી ઉઠે! અને એનો સ્વાદ! આહાહા..! કેટલું મીઠું હશે,આ સફરજન! એ વિચારીને જ,ઝીંગુના મોઢામાં પાણી આવી જાય.

આખો દિવસ ઝીંગુના મનમાં સફરજનના જ વિચારો આવ્યા કરે. સ્કૂલમાં ટીચર, ભૂગોળ ભણાવતા હોય ત્યારે પૃથ્વીનો ગોળો ટેબલ પર મૂકેત એ ગોળામાં પણ ઝીંગુને તો સફરજન જ દેખાય. મમ્મીએ બનાવેલી ગોળ-ગોળ રોટલી જોઇને પણ ઘણીવાર, ઝીંગુને સફરજન યાદ આવી જાય. કોઇવાર અગાશીએ બેસીને આકાશમાં ચમકતા ચાંદામામાને જુએ તો એમાં પણ એને સફરજનના દર્શન થાય!

એકવાર ઝીંગુને એક સરસ સપનું આવ્યું. સપનામાં એ એક સરસ શહેરમાં ફરતી હતી. એ શહેર આખું કંઇક અલગ હતું, કારણ કે એ શહેરમાં જ્યાં જુઓ ત્યાં સફરજનનાં ઝાડ હતાં! રસ્તાઓ પર, ઘરનાં ફળિયે, મેદાન પર, સ્કૂલના ગ્રાઉન્ડ પર... જ્યાં જુઓ ત્યાં સફરજનનાં ઝાડ! પાછાં એ બધાંય ઝાડ પર મસ્ત, લાલચટક સફરજન લટકે! એ પણ હાથેથી તોડી શકાય એટલાં નીચે! ચાલતા જાવ અને સફરજન તોડતા જાવ! ઝીંગુને તો મજા પડી ગઇ.  જાણે જાદુ થઈ ગયો! સફરજનનાં ઝાડથી ખચોખચ ભરેલાં આ શહેરમાં આવીને ઝીંગુ તો નાચી ઉઠી. થોડીવાર સફરજનનાં ઝાડ નવાઇભેર જોયાં અને પછી તો હાથેથી સફરજન તોડવા લાગી. ઝાઝાં બધાં સફરજન તોડીને ઘેર લઇ જવાની ઇચ્છાથી સફરજન ખાવાને બદલે એ તો સફરજન તોડવામાં જ લાગી ગઇ! થોડીવારમાં તો ઢગલો એક સફરજન એણે તોડી લીધાં.

'હાશ! હવે આ બધાં સફરજન ઘેર લઇ જઇશ ને પછી રોજ-રોજ નિરાંતે ખાઇશ. કેવી મજા પડશે! રોજ સફરજન ખાવા મળશે! રોજ સવાર, બપોર અને સાંજ, સફરજન જ ખાઇશ! સ્કૂલે નાસ્તામાં પણ સફરજન! આહાહા..! કેવી મજા! ભૈ..કેવી મજા!' એમ કરતી ઝીંગુ તો સફરજનનાં ઢગલા સામે નાચવા લાગી.

ત્યાં તો  'ઝીંગુ... ઓ ઝીંગુ! દશ વાગ્યા! હવે ઉઠો, બેટા! ને કયારની આ શું નીંદરમાં બડબડાટ કરે છે?' એવો મમ્મીનો અવાજ સંભળાયો ને ઝીંગુની નીંદર ઉડી. આંખો ખૂલી તો સામે દીવાલ પર ઘડિયાળ! દશ વાગી ગયા હતા! ઝીંગુ પથારીમાંથી ઊભી થઇ ગઇ. સફરજનનો ઢગલો ખોવાઇ ગયો! એને હવે ખબર પડી કે આ તો સપનું હતું!

એવામાં ઝીંગુનો બર્થ ડે આવ્યો. ઝીંગુને બર્થ ડે ઉજવવાનું જરાય મન નહોતું. એ તૈયાર થયા વિના એમને એમ બેઠી હતી એટલે મમ્મીએ તેને ક્હ્યું- 'ઝીંગુ, તૈયાર થઇ જા, બેટા! હમણાં પપ્પા આવશે ને એ તારા માટે ગુલાબજાંબુ લાવશે!'

'ના! નથી ખાવા મારે ગુલાબજાંબુ! નથી થાવું તૈયાર!' ઝીંગુએ રીસ ચડાવીને કહ્યું.

મમ્મી બોલી- 'તો લાડુ ખાશું!'

'ના... નથી ખાવા લાડુ!' ઝીંગુની રીસ વધી ગઇ.

'તો બરફી કે જલેબી?' મમ્મીએ પૂછયું.

'ના, ના, ના... મારે કાંઇ નથી ખાવું! જાવ તમારી કિટ્ટા!' ઝીંગુએ મોં ચડાવીને કહ્યું.

ત્યાં તો પપ્પા આવ્યા.એક મોટું બાક્સ ઝીંગુની સામે મૂકતાં પપ્પાએ કહ્યું- 'હેપ્પી બર્થ ડે ટુ યુ માય ડિયર ઝીંગુ!'

'ઉંહ..!' ઝીંગુએ ગુસ્સાભેર મોં ચડાવ્યું.

પપ્પાએ ફરીથી કહ્યું- 'હેપ્પી બર્થ ડે ઝીંગુ!'

'મારે નથી બોલવું તમારી સાથે! ને બર્થ ડે પણ નથી ઉજવવો!' ઝીંગુનો ગુસ્સો વધ્યો.

પપ્પાએ કહ્યું- 'પણ આ બાક્સ તો ખોલ! તારી ગિફ્ટ તો જો!'

'નથી જોઇતી ગિફ્ટ!' ઝીંગુએ એમ કહીને ગુસ્સાભેર બાક્સને ધક્કો માર્યો. ત્યાં બાક્સમાંથી કંઈક નીચે પડયું! ઝીંગુની નજર એ તરફ ગઈ. અરે આ તો સફરજન!

ઝીંગુએ કૂદકો મારીને બાક્સ ખોલી નાખ્યું. આખું બાક્સ મસ્ત-મજાનાં સફરજનથી ભરેલું હતું!

આ  જોઇને ઝીંગુ એટલી ખુશ થઈ ગઈ કે બે ઘડી તો કંઈ બોલી પણ ન શકી!

પપ્પાએ કહ્યું- 'સરપ્રાઇઝ..!'

ઝીંગુ રાજી થઈને પપ્પાને વળગી પડતાં બોલી- 'થેન્ક યુ, પપ્પા!'

'હેપ્પી બર્થ ડે ઝીંગુ!' મમ્મી અને પપ્પાએ ઝીંગુને તેડી લીધી. ઝીંગુએ ખુશ-ખુશ થતાં બોલી- 'લવ યુ,મમ્મી! લવ યુ,પપ્પા!'

મમ્મી અને પપ્પાએ ઝીંગુને ખૂબ વહાલી કરી અને પછી ઝીંગુએ કેકને બદલે પોતાનું  મનપસંદ સફરજન કાપ્યું! પછી ખૂબ આનંદથી ઝીંગુનો બર્થ ડે ઉજવાયો અને તેણે ધરાઇને મસ્ત, લાલચટક સફરજન ખાધું! 

Tags :