'ઝંઝા'નો ઝંઝાવાત .
- 'તારા શ્વાસ ભરાઈ ગયા છે. તારે તારો બચાવ કરવો હોય તો ઝંઝાની સવારી કરી બતાવ. એ પડકાર જ તને નવજીવન અને દેવકી આપી શકે.'
લા ખો વણઝારો દરેક રીતે મહાન હતો, પણ એના પશુપ્રેમ માટે તે વધારે પંકાયેલો હતો. એની વિશાળ ફેલાયેલી પોઠમાં માણસો વધારે કે પશુઓ, તેનો અંદાજ કરી શકાય નહીં. શરત એક જ રહેતી, એ જે હોય તે, તેણે બળિયા બહાદૂર કદાવરને પડકારી રહેવું પડતું. તેની સજાય તેવી જ હતી.
ખેપમાંથી કોઈક હિંસક પશુ ગાયને ખેંચી જતું હતું. દુરલભ નામનો જુવાન ગૌમાતાને બચાવવા દોડયો. વાઘના મોંઢામાંથી તે ગાયને છોડાવી શક્યો. પણ વાઘને મારી શક્યો નહીં. તે વાઘની પાછળ પડેલો રહ્યો. તેની દોડ ધીમી પડી. વાઘ ભાગી છૂટયો. ગાયની લાંબો સમય સુશ્રુષા ચાલી.
લાખાએ દુરલભનો જવાબ માગ્યો. દુરલભનો કોઈ જવાબ ન્યાયાધીશ લાખાજી રાવે સ્વીકાર્યો નહીં. સજારૂપે દુરલભને કહી દીધું : 'સાંજના ત્રણ સંપૂર્ણ ચકરાવા. જો તેમ ન થાય તો ચકરાવા વધતા જ જશે.'
ખેપ એટલી વિશાળ હતી કે ગમે તેટલી ઝડપે દોડે, માંડ એકાદો જ ચકરાવો દુરલભ પૂરો કરી શકે.
દુરલભ પડકારો ઝીલનારો જવાન હતો. તે વધુને વધુ વેગમાં દોડતો રહેતો. દોડતો જ રહેતો.
લોકો તેની દોડ જોઈ રહેતા. જોવા માટે ભેગા થતા. દુરલભની સજા વધતી જ જતી હતી.
એક વખત દુરલભ સાથે દેવકી દોડવા લાગી. દેવકી અચ્છી દોડ વીરાંગના હતી જ. તેણે પૂછયું : 'દુરલભ, આમ ક્યાં સુધી દોડયા કરશે ?'
દુરલભ કહે : 'તારો શ્વાસ હશે તો છેલ્લા શ્વાસ સુધી.'
દેવકી કહે : 'આપણે નહીં ફાવીએ દુરલભ.'
ન્યાયાધીશ લાખાજીની ખેપમાં રિવાજ હતો. દરેક શુભ-અશુભ સંબંધો માટે તેની પરવાનગી લેવી પડતી. તેની માન્યતા મળે તો જ ઈચ્છિત સંબંધ બાંધી શકાય.
આ દોડનો કોઈ અંત આવે તેમ લાગતું ન હતું. ક્યારેક લાખાજી પોતાના ઊંટ ઉપર દુરલભ સાટો થઈ જતાં.
લાખાજીએ પૂછ્યું : 'દુરલભ, તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી?'
દુરલભ કહે : 'દેવકી.'
લાખાજી ચમકી ગયા, ચોંકી ગયા, પણ તે ન્યાયપ્રિય હતા. તેમણે દુરલભને કહ્યું : 'એ માટે તારે આનાથી મોટું પરાક્રમ પાર પાડવું પડશે.'
દુરલભ કહે : 'હું મઝાની વાત કરું છું.'
ઝંઝા એક ઊંટ હતું. કદી કોઈના તાબામાં રહે નહીં. સદા વીફરેલું જ રહેતું. કોઈ તેને છેડી શકે નહીં, સ્પર્શી શકે નહીં. હિંસક પશુઓ કરતાં તે વધુ હિંસક અને ઝનૂની હતું. દુરલભ જે વાઘને પહોંચી શક્યો ન હતો, તેની સામે જો ઝંઝા ઝપાટે ચઢ્યો હોત તો વાઘ આજે બકરી બનીને લાખા વણઝારાની ખેપમાં હોત.
લાખાજી કહે : 'તારા શ્વાસ ભરાઈ ગયા છે. તારે તારો બચાવ કરવો હોય તો ઝંઝાની સવારી કરી બતાવ. એ પડકાર જ તને નવજીવન અને દેવકી આપી શકે.'
ઝંઝા ઊંટ અને દુરલભનું દ્વન્દ્વ શરૂ થયું. ઝંઝાનો ઝંઝાવાત એવો હતો કે આજ સુધી તેણે કોઈને ફાવવા દીધા ન હતા.
એ ઊંટ કંઈ વખત દુરલભને પછાડયો. દુરલભ ઝટ ને પટ ઊભો થઈને દોડવા લાગ્યો.
તે દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. ઊંટે તેને પછાડવા દોડ શરૂ કરી.
દુરલભે એવી યુક્તિ કરી કે સહેજ ધીમા પડી જઈ ઊંટને આગળ નીકળી જવા દીધું. પછી પાછળથી ઊંચો કૂદકો મારી દુરલભ ઝંઝા પર સવાર થઈ ગયો.
ઝંઝા ઊંટે તેને પાડી નાખવા એટલા ઊછાળા માર્યા, એટલા ઊંચા કૂદકા માર્યા, એટલી પછડાટો ખાધી! તેના જ શ્વાસ ફફડી ઊઠયા.
ઝંઝાનો ય ઝંઝાવાત સાબિત થયો દુરલભ!
ખાનદાની ખેપનો પડકારી પોઠનો લાખાજી વણઝારાએ દેવકીને મઠારી-ઠઠારી શણગારી દુરલભની સાથે જ ઊંટ 'ઝંઝા' પર બેસાડી દીધી. દેવકી લાખાજી રાજની પુત્રી હતી.