ઝમકુ ડોશી- દિગ્ગજ શાહ
- એમનું હૃદય પરિવર્તન થઇ ગયું. ઝમકુ ડોશી બધા સાથે હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા. મીઠુ બોલવા લાગ્યા. ગુસ્સો કરવાનું બંધ કર્યું. ભગવાનનું ભજન કરવા લાગ્યા
- સોસાયટીમાં છોકરા ક્રિકેટ રમે અને દડો એમના ઘેર આવે એટલે ઝમકુ ડોશી છોકરાઓને વગર સાબુએ ધોઇ નાંખે. આડોશી-પાડોશી એમને જોતા જ રસ્તો બદલી નાખે. બધા જ એમનાથી દૂર ભાગે એમનાથી ડરે
એ ક હતા ઝમકુ ડોશી. ઝમકુ ડોશી એટલે ઝમકુ ડોશી. એમના વિશે શું કહેવું..? એ જ્યારે મોં ખોલે ત્યારે બોમ્બના ગોળા જ નીકળે... મીઠું બોલવું.. સારું બોલવું એમન ફાવે જ નહીં.. કડવું બોલવું.. બધા સાથે ઝગડા કરવા અને વાતવાતમાં ગુસ્સે થઇ જવું એ એમનો સ્વભાવ. એમને માણસો ગમે નહીં. એ એમના એકના એક દીકરા પશાભાઇને કહેતા : ''મને માણસ ગંધાય છે..!''
ઝમકુ ડોશીના દીકરા પશાભાઇ બહુ મોટા સાહેબ.. પણ ઝમકુ ડોશીને બહુ ડરે. સતત એમનાથી ફફડે. પશાભાઇ એમની માતા ઝમકુ ડોશીથી બહુ જ પ્રેમ કરે. એમની ખૂબ સેવા કરે પણ ઝમકુ ડોશીને પોતાના દીકરાથી સતત કાંઇને કાંઇ વાંકુ જ પડે..!
પશાભાઇ ઝમકુ ડોશીને ધાર્મિક સ્થળોની યાત્રા કરવા વારંવાર લઇ જાય. બધા કહે : ''ઝમકુ ડોશી..! તમારો દીકરો કેટલો સારો છે. આ નવા જમાનામાં તો દીકરાઓ મા સાથે ઘરની બહાર નીકળતા શરમાય છે અને તમારો દીકરો તો તમને આખા ભારતની યાત્રા કરાવે છે..!''
ઝમકુ ડોશી કહે : ''એમાં શું મોટું અહેસાન કરે છે..? એનો બાપ તો નાનપણમાં એને એકલો મૂકીને મરી ગયો.. મેં મહેનત મજૂરી કરી પેટે પાટા બાંધી એને મોટો કર્યો અને આટલો મોટો સાહેબ બનાવ્યો છે..! અત્યારે બૈરા વગરનો છે એટલે મને બધે ફરવા લઇ જાય છે.. એનું બૈરું હોત તો મને ફરવા લઇ જાત..? વાત કરો છો ગધેડાને તાવ આવે એવી..!!''
ઝમકુ ડોશીને મિઠાઇઓ, આઇસ્ક્રીમ, શીખંડ બહુ ભાવે. ખાવા-પીવાના શોખીન..! પશાભાઇ એમના માટે જાતજાતની મિઠાઇઓ અને જુદા જુદા ફ્લેવરની આઇસ્ક્રીમ, શીખંડ લઇ આવે. ઝમકુ ડોશી મોજથી ખાય.
પશાભાઇને એક જ મોટું દુખ. આ ઝમકુ ડોશીનો સ્વભાવ બહુજ કડવો અને ઝગડાળુ. એટલે ઘરનું વાતાવરણ ચોવીસ કલાક નરક જેવું રહે..!!
પશાભાઇને એક સાધુ મહારાજ મળ્યા. પશાભાઇએ એમને પોતાના દુખની વાત કહી અને મહારાજને કહ્યું તમે મારા ઘરે પધરામણી કરો. સાધુ મહારાજે ઝમકુ ડોશીને ઉપદેશ આપવો શરૂ કર્યો..: ''જુઓ માડી..! આ મનુષ્ય અવતાર જિંદગીમાં એક જ વખત મળે છે. તમે ભગવાનનું ભજન કરો અને બધા સાથે હળમળીને રહો. મીઠુંમીઠું બોલો.. ગુસ્સો ના કરો.. ઝગડા ના કરો...!''
આ સાંભળીને ઝમકુ ડોશીનું મગજ ફાટયું : ''અલ્યા એ બાવા..! મને તું કંઇ મૂડી ઉપર ઉપદેશ આપે છે..? પોતે તો કોઇ કામ ધંધો કરતો નથી. હરામનું.. મફતનું ખાઇ ખાઇને લાલ ટામેટા જેવો થયો છે.. તું આજથી મારા ઘેર કચરા, પોતા, વાસણ સાફ કરવા માટે લાગી જા.. બે ટાઇમ રોટલા આપીશ.. આ હરામનું ખાવાનું બંધ કર..!!''
સાધુ મહારાજ તો આ સાંભળીને ઊભી પૂંછડીએ ભાગી ગયા. પશાભાઇએ માથું કૂટયું...
સોસાયટીમાં છોકરા ક્રિકેટ રમે અને દડો એમના ઘેર આવે એટલે ઝમકુ ડોશી છોકરાઓને વગર સાબુએ ધોઇ નાંખે. આડોશી-પાડોશી એમને જોતા જ રસ્તો બદલી નાખે. બધા જ એમનાથી દૂર ભાગે એમનાથી ડરે. બધા ખાનગીમાં ઝમકુ ડોશીને 'લેડી ડૉન' કહેતા હતા.
ઝમકુ ડોશીને આની કાંઇ પડી નહોતી. એ તો જેવા છે એવા જ મોજથી જીવે.
ઝમકુ ડોશી સવારે વહેલા ઊઠી જાય. આખા ઘરનું કામ કરે અને એકલા એકલા નોન સ્ટોપ બોલવાનું ચાલુ કરે. પાડોશીઓ સાંભળે એ રીતે મોટેમોટેથી બોલે. પશાને સવારથી રાત સુધી ગાળો આપે. એમને એવું લાગે જ નહીં કે આ આટલો મોટો સાહેબ છે.. બધા સાંભળતા હોય એમ મોટે મોટેથી બોલે : ''આ મારો પશો આટલો મોટો સાહેબ છે પણ એને એક બૈરું લાવતા નથી આવડતું.. એનામાં કશા ઠેકાણા જ નથી. પશાભાઇ બચારા બહુ શરમાય. પણ શું કરે..? ઝમકુ ડોશીનો સ્વભાવ બદલાય એ શક્ય જ નહોતું લાગતું..!!
એક દિવસ ઝમકુ ડોશી રસોડામાં પૂરીઓ તળતા હતા. અચાનક ગેસની પાઇપમાં આગ લાગી ગઇ. ઝમકુ ડોશીએ પશા.. પશા..ની મોટે મોટેથી બુમો પાડી. પશો અંદરના રૂમમાં સૂતો હતો તે દોડીને આવ્યો.. ગેસ બંધ કર્યો.. અને ઝમકુ ડોશીને હનુમાનની જેમ ઊંચકીને બહાર લઇ ગયો. બધા પાડોશીઓ ભેગા થઇ ગયા. બધાએ ભેગા થઇને આગ હોલવી નાખી. ઝમકુ ડોશીનો જીવ બચી ગયો. બધાએ પશાના વખાણ કર્યા. ઝમકુ ડોશીએ પણ બધાને કહ્યું : ''આજે મારો પશો જો ના આવ્યો હોત તો હું મરી જાત.. મારા પશા જેવો તો કોઇનો આખી દુનિયામાં દીકરો નહીં હોય..!''
આ ઘટના પછી ઝમકુ ડોશીનો સ્વભાવ બદલાઇ ગયો. એમનું હૃદય પરિવર્તન થઇ ગયું. ઝમકુ ડોશી બધા સાથે હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા. મીઠુ બોલવા લાગ્યા. ગુસ્સો કરવાનું બંધ કર્યું. ભગવાનનું ભજન કરવા લાગ્યા.
પશાને અને લોકોને હજુએ આશ્ચર્ય થાય છે કે ઝમકુ ડોશીનો સ્વભાવ આટલો મીઠો અને સુંદર એકાએક કેવી રીતે થઇ ગયો..?