શરીરના કોષોની અદ્ભૂત રચના
આપણું શરીર શેનું બનેલું છે ? બહારથી જોઈએ તો ચામડી હાડકાં, લોહી, સ્નાયુઓ વગેરેનું બનેલું લાગે પરંતુ આ બધા અવયવો સુક્ષ્મ કોષો જોડાઈને બનેલાં છે. શરીરનો કોષ નરી આંખે જોઈ શકાય નહીં. તે જોવા માટે શક્તિશાળી માઈક્રોસ્કોપ જોઈએ. આટલાં ઝીણાં કોષની રચના અને કામ પણ અદ્ભૂત છે.
એક સોયની અણી પર હજારો કોશ સમાઇ જાય. અને એ બધા સ્વતંત્ર રીતે જુદા-જુદા કામ પણ કરે કેવું અદ્ભૂત. કાર્ય કરવા માટે કોશમાં વચ્ચે એક કેન્દ્ર અને તેની ફરતે પ્રવાહી ભરેલું હોય છે.
આ પ્રવાહીમાં એવા અદ્ભૂત રસાયણ હોય છે કે કોશોમાં શક્તિની લેવડ દેવડ કરે છે. એટલે કે શક્તિ લે છે અને ઉપયોગ કરે છે. કોશના કેન્દ્રમાં જીનેટિક માહિતી હોય છે. જે માણસનો વંશ વારસો નક્કી કરે છે.
શરીરના દરેક અવયવ જુદાં-જુદાં કામ કરે છે. લોહી, હાડકાં, હૃદય, મગજ અને વાળ અને નખ પણ જુદી જુદી રચના ધરાવે છે અને આ બધાં જ જુદી જુદી જાતના કોશોના બનેલાં છે. કોશની અંદરના પ્રવાહીમાં જ ફેર હોય છે. મગજના કોશો જ્ઞાાન કે સંદેશાની લેવડ દેવડ કરે છે.
આમ જુદી-જુદી જાતના કોશો તેમાં રહેલા પ્રવાહી વડે જ કામ કરે છે. લોહીના કોષો વળી આખા શરીરના અન્ય કોશોને શક્તિ અને ગરમી પહોચાડે છે. ફેફસાના કોશો ઓાક્સિજનની લેવડ- દેવડ કરે છે.
આ બધું રાસાયણિક ક્રિયાથી થાય છે. તમે આ વાંચો છો ત્યારે તમારી આંખથી માંડીને મગજના તમામ કોષો એક સાથે પોત પોતાનું કામ કરતાં હશે અને તમને ખબર પણ નહી હોય.
બાળક મોટું થતું જાય તેમ તેનું શરીર પણ વિકાસ પામે તેમાં પણ આ કોષોનું જ કામ મહત્ત્વનું છે. શરીરમાં નવાં કોષો બન્યા કરે છે.
ચામડી ઉપરથી ઘણા કોશો ખરી જાય છે. એક કોષના બે ટુકડા થઈ અલગ પડે અને સ્વતંત્ર કોષ તરીકે કામ કરવા લાગે છે.
ખોરાક અને શ્વાસમાં લીધેલા ઓક્સીજનથી આ બધા કોષોનું તંત્ર ચાલ્યા કરે. માણસ જ નહી પરંતુ પ્રાણીઓ,પક્ષીઓ અને જંતુઓ ઉપરાંત વનસ્પતિમાં પણ આ કોષો વડે જ જીવનક્રમ ચાલે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar