Get The App

માતૃભાષાનું ગૌરવ

Updated: Sep 16th, 2017

GS TEAM

Google News
Google News

આ પણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા તે સમયની વાત છે. એક ગામડાની શાળામાં એક અંગ્રેજ અમલદાર શાળાની તપાસ માટે આવી ચઢયા. ફરતા ફરતા તે એક વર્ગમાં ગયા.
એમણે શિક્ષક સાથે અંગ્રેજીમાં વાતચીત કરી, પરંતુ એ શિક્ષક એમના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપવાને બદલે સંસ્કૃતમાં આપવા લાગ્યા.

થોડી વાર પછી પેલા સાહેબે સંસ્કૃતમાં બોલવાનું શરૃ કર્યું, ને એ સાથે જ શિક્ષક એના જવાબ અંગ્રેજીમાં આપવા માંડયા. વર્ગના બાળકો તો આ બધું જોઇને આશ્ચર્યમાં પડી ગયા. છેવટે એ અંગ્રેજ અમલદારે વિદાય લીધી.

પછી તરત વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજીને પૂછયું, 'ગુરુજી, અમને એ વાતની નવાઈ લાગે છે કે, જ્યારે મોટા સાહેબ અંગ્રેજી બોલતા હતા ત્યારે તમે સંસ્કૃતમાં જવાબ આપતા હતા ને પછી જ્યારે મોટા સાહેબ સંસ્કૃતમાં બોલ્યા ત્યારે તમે અંગ્રેજી શરૃ કર્યું. આમ કેમ ?'

શિક્ષકે જવાબ આપ્યો, 'એમાં સ્વમાનનો સવાલ છે. એ સાહેબે અંગ્રેજીમાં બોલવાનું શરૃ કર્યું એટલે કે એમણે પોતાની માતૃભાષા વાપરી તો મેં પણ આપણી માતૃભાષામાં બોલવા માંડયું. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. તેથી મેં એમ કર્યું.

પણ જ્યારે તેઓ પણ સંસ્કૃત બોલવા લાગ્યા ત્યારે મને થયું કે એમણે આપણી ભાષાનું સન્માન કર્યું છે તો મારેય એમની ભાષાને માન આપવું જોઈએ, એટલે મેં અંગ્રેજી બોલીને એમને બતાવ્યું કે અમેય અમારી ભાષાને માન આપનારને માન આપીએ છીએ.'
 

Tags :