Get The App

ગરમાળો કે તનમાળો? .

Updated: May 27th, 2022

GS TEAM

Google News
Google News
ગરમાળો કે તનમાળો?                                    . 1 - image


- મંત્રીને જટાળા જોગી જેવું અલૌકિક સૌદર્યવાન વૃક્ષ દેખાયું. મંત્રી તો તેની સુંદરતા જોઈને મુગ્ધ બની ગયા.  

સુંદરનગરના રાજા ભરતસિંહ. ભરતસિંહ દયાળુ અને પ્રજાપ્રેમી.

ભરતસિંહની એક નબળાઈ હતી. હરણના શિકારની. થોડા દિવસ થાય એટલે રાજા હરણનો શિકાર કરવા નીકળી પડે.

એકવાર ભરતસિંહ અને મંત્રી સુકેતુ હરણનો શિકાર કરતાં કરતાં જંગલમાં ઘણા દૂર નીકળી ગયા. બપોરે સૂર્ય પણ માથા પર ચડી ગયો. ભૂખ અને તરસથી ભરતસિંહ અને સુકેતુ આકુળવ્યાકુળ થઈ ગયા. વિસામો મળે એવી કોઈ જગ્યા ન દેખાઈ. એક તો ગરમી, તેમાંય રાજાને આંટી ચડે તેવું દર્દ ઉપડયું. રાજાને પુષ્કળ પરસેવો વળવા લાગ્યો. મોઢું પણ સુકાઈ ગયું. ભરતસિંહ ચક્કર ખાઈને બેભાન થઈ ગયા. મંત્રીએ દુર સુધી નજર દોડાવી, પણ કોઈ દેખાયું નહીં.

ભરતસિંહને ઘોડા પર લાદીને સુકેતુ જંગલમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. ઘણું ચાલ્યા પછી એક ઝૂંપડી જેવું દેખાયું.

એક મોટી ઉંમરના સાધુ આંખો મીંચીને ઝૂંપડીમાં ધ્યાનમગ્ન બેઠેલા હતા. મંત્રીએ ત્યાં જઈને નમ્રભાવે સાધુ મહારાજને કહ્યું, 'હું આ નગરનો મંત્રી અને મારી સાથે નગરના રાજા ભરતસિંહ છે. એ બેભાન થઈ ગયા છે. મહારાજ, આપ અમને આશરો આપશો? મહારાજને ભાનમાં લાવવામાં મદદ કરશો ?'

સાધુ મહારાજે રાજાને ઝૂંપડીમાં લીધા. પાણી છાંટયું, પણ ભરતસિંહ ભાનમાં ન આવ્યા.

સાધુએ કહ્યું, 'રાજાને ઔષધી આપવી પડશે. ઔષધી બે ગાઉ દૂર છે. ત્યાં સુધી મારાથી જઈ શકાય એમ નથી.'

મંત્રીએ કહ્યું, 'મહારાજ, તમે મને નિશાની આપો તે મુજબ હું ઔષધી લઈ આવું.'

સાધુ કહે, 'અહીંથી બે ગાઉ છેટે પીળા રંગનાં ફૂલોવાળું જટાળા જોગી જેવું વૃક્ષ છે. જેટલાં ફૂલો વૃક્ષ પર છે એટલાં જ નીચે પથરાયેલા હશે. ઝાડ પર ફૂલો ગુચ્છામાં દ્રાક્ષના ઝુમખાની જેમ લટકતાં હશે. સાથે લગભગ દોઢ ફૂટ જેટલી લાંબી તેની શીંગો પણ લટકતી હશે. આ શીંગો જો તમે મને લાવી આપો તો એમાંથી હું રાજા માટે ઔષધી તૈયાર કરું.'

મંત્રી તરત જ ઘોડા પર નીકળી ગયા. બે ગાઉ પહોંચતા દૂરથી જ જટાળા જોગી જેવું અલૌકિક સૌદર્યવાન વૃક્ષ દેખાયું.

મંત્રી તો તેની સુંદરતા જોઈને મુગ્ધ બની ગયા. ઓ...હો...હો...શું રૂપ ખીલ્યું છે! મંત્રીએ વૃક્ષના સૌદર્યનું પાન કરતાં કરતાં તેની શીંગો ઉતારી લીધી. સાથે સાથે ફૂલોની માદકતા જોઈ થોડાં ફુલો પણ લઈ લીધાં.

શીંગ સાધુને આપીને મંત્રીએ કહ્યું, 'મહારાજ, સૌથી પહેલાં રાજાનો જીવ બચાવો.'

સાધુએ તરત જ ઔષધી બનાવી રાજાને પીવડાવી.

પછી સાધુ અને મંત્રી વાતે વળગ્યા.

મંત્રી કહે, 'મહારાજ! આટલા સુંદર વૃક્ષનું નામ શું છે? એનો તમે ઔષધી તરીકે ઉપયોગ કર્યો તેના ગુણો પણ જણાવવા વિનંતી કરું છું.'

સાધું કહે, 'આ વૃક્ષનું નામ ગરમાળો છે. તે ગ્રીષ્મમાં જ પૂરેપૂરો ફેલાય છે. જ્યારે આખી સૃષ્ટિ ગરમીથી ત્રાહિમામ પોકારે છે, ત્યારે ગરમાળો શીતળતા અર્પે છે. ગરમાળાનું મુખ્ય કર્મ મૃદુ વિરેચનનું છે. તેની શીંગ ચાર આંગળીની માત્રામાં લેવાતી હોય તેનું નામ ચતુરંગુલ આપણા ઋષિઓએ પાડેલું છે.'

મંત્રી કહે, 'વાહ, આ તો ભૈ જાણવા જેવું.'

સાધુ મહારાજ કહે, 'ગરમાળાના તમામ અંગો ઔષધીય ગુણો ધરાવે છે. ગરમાળાની શીંગમાં રહેલા ગરને ગરમાળાનો ગોળ કહે છે. તે મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે.'

મંત્રીએ ફૂલની ઢગલી સાધુની સમક્ષ મુકતાં પૂછ્યું, 'મહારાજ, આટલાં સુંદર નયનરમ્ય ફૂલો પણ ઔષધીય ગુણો ધરાવે છે ?'

સાધુ કહે, 'મંત્રીજી, ગરમાળાના ફુલ રૂપમાં જેટલા સુંદર છે એટલાં જ ગુણમાં પણ ઉત્તમ છે. ગરમાળાનાં ફૂલ શીતળ, સ્વાદ મધુર, વાયુ વધારનાર અને કફ અને પિત્તનું શમન કરનાર છે.'

મંત્રી કહે, 'મહારાજ, ગરમાળો તો ખૂબ જ રસપ્રદ છે. મને એના વિષે હજુ વધુ જાણવાની જીજ્ઞાાસા છે.'

સાધુ મહારાજ હસતાં હસતાં કહે, 'મંત્રીજી, તમે તો બહુ શાણા નીકળ્યા. મેં તો ખાલી શીંગ મંગાવી હતી તમે તો આખો ગરમાળો જ લઈ આવ્યા! રાજાએ મંત્રી તરીકે યોગ્ય વ્યક્તિને જ પસંદ કરી છે. ગરમાળાની શીંગને જ તેનું ફળ કહેવાય છે. ફળની સાથે ગરમાળાના અંગો સ્વાદિષ્ટ, રૂચિકર, ચામડીના રોગોને મટાડનાર, પિત્તશામક, કફનાશક તથા જવરમાં સદાય પથ્ય ગણાય છે.'

મંત્રી કહે, 'અરે વાહ! ખૂબ જ સરસ. ગરમાળો તો ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે.'

સાધુ મહારાજ અને મંત્રી વાતો કરી રહ્યા હતા ત્યાં વચ્ચે જ મહારાજને ભાન આવી ગયું. પેટનું દર્દ પણ ગાયબ થઈ ગયું હતું. ગરમાળાની દિલચસ્પ વાતો રાજા સુતા સાંભળી રહ્યા હતા. તે એકદમ બેઠા થઈને બોલી ઉઠયા, 'અરે વાહ મહારાજ! આ વૃક્ષને તો ગરમાળો નહિ પણ તનમાળો કહેવો જોઈએ. આવું સૌદર્યવાન અને ફળદાયી વૃક્ષ મારા નગરમાં ઠેર ઠેર રોપવી દઈશ. એનાથી મારા નગરની શોભા અનેક ઘણી વધી જશે. ઔષધી તરીકે પણ ઉપયોગ કરી શકીશું.'

સાધુ મહારાજે રાજા અને મંત્રીને ફળાહાર કરાવી અનેક આશીર્વાદ આપ્યા. રાજા પાસે કદી પણ હરણનો શિકાર ન કરવાનું વચન લીધું.

 - હેમુબેન મોદી

Tags :