અંદરનો પોલીસ .
આવા મોટા ન્યાયાધીશનો દંડ લેવામાં પોલીસ અધિકારીને પણ સંકોચ થવા માંડયો. એ કહે, 'સાહેબ, ટ્રાફિક પોલીસે આપને રોક્યા નથી કે દંડ કર્યો નથી, પછી શા માટે દંડ ભરો છો ?'
અ મેરિકાના એક શહેરની વાત છે. ન્યાયાધીશ રેમંડે ડ્રાઈવરને કહ્યું, 'મારે જલદી કોર્ટમાં પહોંચવાનું છે. અગત્યનું કામ છે.' ગાડી દોડવા લાગી, આગળ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ! રેડ લાઈટ ચમકતી હતી, પણ ડ્રાઈવરે એની અવગણના કરીને ગાડી હંકાર્યે રાખી. ન્યાયાધીશને ખ્યાલ આવી ગયો કે ટ્રાફિકના નિયમનો ભંગ થાય છે. આવા ગુનાની સજા પાંચ ડોલર થાય છે. તરત તેઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પાંચ ડોલરની નોટ ધરતાં કહ્યું, 'મારા ડ્રાઈવરે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે. આ દંડ લઈ લો અને પહોંચ આપો.'
આવા મોટા ન્યાયાધીશનો દંડ લેવામાં પોલીસ અધિકારીને પણ સંકોચ થવા માંડયો. એ કહે, 'સાહેબ, ટ્રાફિક પોલીસે આપને રોક્યા નથી કે દંડ કર્યો નથી, પછી શા માટે દંડ ભરો છો ?' ન્યાયાધીશ કહે, 'અંદરના પોલીસે તો મને પકડયો જ છે અને ગુનેગાર ઠરાવ્યો છે !'
આપણી અંદર પણ આવો જાગતો પોલીસ બેસી જાય તો કેટલા બધા પાપોથી બચી જવાય ! સાચો ધર્મી જાણીને પાપ કરે નહીં. થઈ જાય તો પશ્ચાતાપ કર્યા વિના રહે નહીં.