Get The App

વાણીના ઘા .

- જીવનમાં બોલતા પહેલાં સો વખત વિચાર કરીને બોલવું જોઈએ. વાણી અને પાણી તેને ગાળીને વાપરવા જોઈએ

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
વાણીના ઘા                   . 1 - image


એ ક માણસને વાઘ સાથે મિત્રાચારી થઈ. પછી તે માણસે પોતાને ઘેર માંગલિક પ્રસંગે પોતાના સંબંધીઓને આમંત્રણ આપ્યું. તેની સાથે પોતાના મિત્ર વાઘને પણ આમંત્રણ આપ્યું. વાઘ તેને ઘેર એક મિત્રના સંબંધના કારણે આવીને બેઠો. વાઘને જોવે માણસો તો શું થાય ? ભાગવા જ માંડે ને ? બધા વાઘને જોઈને માણસો ભાગવા લાગ્યા ત્યારે તે માણસે પોતાના સંબંધીઓને કહેવા લાગ્યો કે, કોઈ બીશો નહિ. તમને વાઘ કાંઈ નહિ કરે. આતો કૂતરા જેવો છે, તે સાંભળી વાઘને હાડોહાડ લાગી ગયું કે, મને કૂતરો કહ્યો ? બીજો હોત તો તે તરત જ ઠેકાણે પાડી દેત. 


પરંતુ આતો મિત્ર છે માટે મિત્રઘાતી ન થવાય. એમ જાણી તે ગુસ્સાને ગળી ગયો પણ તેણે મિત્રને કહ્યું જા, તારા ઘરમાંથી કુહાડો લઈ આવ અને તારામાં જેટલું બળ હોય તેટલા જોરથી મારા માથા પર માર, અને જો નહિ મારે તો હું તને ખાઈ જઈશ. પછી પેલાએ બીકને માર્યે વાઘના માથામાં કુહાડો માર્યો. પછી વાઘે કહ્યું કે, હવે ઉની રાઈનો પાટો બાંધી દે. પછી તેણે તે પ્રમાણે કર્યું. પછી વાઘ જંગલમાં જતો રહ્યો.

થોડા દિવસો પસાર થયા. તે પછી માણસ વાઘની ખબર કાઢવા ગયો. ત્યારે વાઘે પાટો છોડાવીને કહ્યું કે હવે ઘા છે ? ત્યારે તે કહે કે નથી. ત્યારે વાઘે કહ્યું કે ''તેં કુહાડાનો ઘા માર્યો હતો તે તો મટી ગયો પણ તેં મને જે કૂતરો કીધો છે એ શબ્દરૂપી ઘા તો હજી ઊંડે ને ઊંડે ઉતરતો જાય છે. તું મારો મિત્ર છે એટલે તને જવા દઉં છું પણ આજથી તારી અને મારી મિત્રતા પૂરી થઈ ગઈ માટે ફરીથી પાછો આવીશ નહિ.''

આ પ્રસંગ ઉપરથી આપણને સમજવા મળે છે કે, શબ્દ પશુને પણ લાગે છે તો માણસને કેમ ન લાગે ? વાણીના ઘા બહુ આકરા હોય છે. માટે જીવનમાં બોલતા પહેલાં સો વખત વિચાર કરીને બોલવું જોઈએ. વાણી અને પાણી તેને ગાળીને વાપરવા જોઈએ એટલે કે, શુદ્ધ કરીને-વિચાર કરીને વાપરવા. કોઈને પણ દુઃખ થાય તેવી વાણી આપણે ના બોલવી જોઈએ. વિનય અને વિવેક રાખીને વાણી ઉચ્ચારવી જોઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :