- 'ઓહ નો... આયુષી... ડોન્ટ ટચ હિમ - તું પણ... બાલ્દી જમીન પર મૂકવી જોઈએને...' વરૂણ બબડયો. 'માંગીલાલ કેટલા મોટા છે, તેમની તરફ આવું વર્તન ના કરાય...' જૈનિશે વરૂણને ટોક્યો.
- ભારતી પ્રવીણભાઈ શાહ
આજ સવારથી જ જ્યોત્સનાબેનના ઘરમાં ખુશીનો માહોલ હતો. પરિવારના સભ્યો સંજયભાઈ, જ્યોતિબેન, જૈનિશ, આયુષી વહેલા જાગીને, પ્રાત:કાર્ય પતાવીને તૈયાર થઈ ગયાં હતાં. જૈનિશ અને આયુષી વારેવારે ઘરની બહાર જતાં હતાં, કારણ કે તેમની આંખોમાં કોઈના આગમનની પ્રતીક્ષા હતી.
થોડીવારમાં જ્યોત્સનાબેનના નાના પુત્ર વિશાલની ગાડી આંગણામાં આવીને ઊભી રહી. તેમાંથી વિશાલની પત્ની જ્હાન્વી અને પુત્ર માનવ નીચે ઉતર્યાં. તેમની પાછળ બાળકોની ફોઈ કેતકી અને તેનો પુત્ર વરૂણ પણ નીચે ઉતર્યાં. ઘરના બધા સભ્યો ખુશ થતાં બહાર દોડી આવ્યા અને સ્વાગત કરતાં એકબીજાને ભેટી પડયાં. આખો માહોલ ખુશીઓથી ભરાઈ ગયો. પછી બધા ઘરમાં પ્રવેશ્યાં. કેતકી જઈને પોતાની માતા જ્યોત્સનાબેનને ભેટી પડી. વરૂણે નાનીના ચરણસ્પર્શ કર્યા પછી બધાં બેઠક રૂમમાં સોફા પર ગોઠવાયાં. થોડીવાર સુધી બધા ગપાટા મારતાં હતાં. દરમ્યાન જ્યોતિબેન અને જ્હાન્વીબેને ગરમાગરમ નાસ્તા તૈયાર કરી નાખ્યાં. બાદમાં બધાએ સાથે મળીને બ્રેકફાસ્ટ શરૂ કર્યો. નાસ્તો કરતાં કરતાં બધાએ દુનિયાભરની વાતો કરી.
કેતકીબેને બેગ ખોલી બધાને માટે આણેલી ભેટો આપવા માંડી. ફોઈ પાસેથી ભેટ મેળવી બાળકો ખુશખુશ થઈ ગયાં. પછી જૈનિશ, આયુષી, માનવ અને વરૂણ બહાર હિંચકા પર વાતો કરતાં બેઠાં. વરૂણે પોતાના અમેરિકન જીવનનો આખો ચિતાર રજુ કરી દીધા. તેણે તેની શાળા અને ફ્રેન્ડોની વાત પણ રજૂ કરી. ઘરના મોટેરા ઘરકામમાં પરોવાયા અને બાળકોએ રમવાનું શરૂ કર્યું.
થોડીવારમાં સમજુબેન કામવાળી ઘરકામ કરવા આવી પહોંચી. કેતકીબેનના આગમનની વાત તેણે જાણી હતી, એટલે વરૂણને જોઈને તેણે અનુમાન લગાડી દીધું કે આ કેતકીબેનનો દીકરો છે. સમજુબેને વરૂણના માથે હાથ ફેરવ્યો અને બોલી, 'તું નાનો હતો ને ત્યારે હું તને ફરવા લઇ જતી, રમાડતી...
'ઓહ નો... ડોન્ટ ટચ મી...' આટલું બોલી વરૂણ આઘો ખસી ગયો.
સમજુબેનને અંગ્રેજી તો ના સમજાયું પણ એટલો ખ્યાલ તો જરૂર આવ્યો કે વરૂણને વિદેશી હવા લાગી છે. સમજુબેન ઉદાસ થઈને ઘરમાં જઈ કામે ચઢી ગયા. ફરી બાળકોએ રમવાનું શરૂ કર્યું. થોડીવાર પછી સોસાયટીના સફાઇ કામદાર માંગીલાલ સોસાયટી વાળવા આવ્યા. માંગીલાલ સંજયબાઈના ઘર પાસે આવી પહોંચ્યા. આયુષી ઘરમાં જઇને કચરાની ડોલ લઇ આવીને માંગીલાલના હાથમાં મૂકી.
'ઓહ નો... આયુષી... ડોન્ટ ટચ હિમ - તું પણ... બાલ્દી જમીન પર મૂકવી જોઈએને...' વરૂણ બબડયો. 'માંગીલાલ કેટલા મોટા છે, તેમની તરફ આવું વર્તન ના કરાય...' જૈનિશે વરૂણને ટોક્યો. 'અમે તો માંગીલાલને અંકલ પણ કહીએ છીએ,' માનવ બોલ્યો.
વરૂણને ગુસ્સો આવ્યો. તે રમત પડતી મૂકી ઘરમાં ગયો, તો તેની પાછળ બાળકો પણ ઘરમાં ગયાં.
'શું થયું? રમી લીધું? બધા એકદમ ઘરમાં કેમ આવ્યા? વિશાલ અંકલે પૂછયું.
આયુષીએ આખી ઘટનાની વાત તેમને જણાવી. વિશાલ અંકલ બોલ્યા, 'વરૂણ નાદાન છે. તેને આપણી લોકશાહી અને બંધારણનો ખ્યાલ નથી. તમે બધા શાંતિથી બેસી જાવ. હું વરૂણને સમજાવીશ તથા બંધારણ અને બંધારણના ઘડવૈયા વિશે વાત કરીશ...'
'બંધારણના ઘડવૈયા... એટલે શું?' માનવ બોલ્યો.
'કોઇ પણ દેશના સંચાલન માટે બંધારણ આવશ્યક છે. કોઈ પણ દેશની સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થાના મૂળમાં બંધારણ છે. આ બંધારણના રચયિતા એટલે કે ઘડનારા ડૉ. ભીમરાવ આંબેડકર હતા. આંબેડકર જયંતિ અથવા ભીમજયંતિ ૧૪ એપ્રિલે આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. આંબેડકરે ભારતના બંધારણના પાયાની બાબતો તરફ ખાસ ધ્યાન રાખ્યું હતું. તેથી લોકશાહીનો પાયો મજબૂત રહ્યો છે.
આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો. તેથી તેમના જન્મદિવસને ભારતમાં 'સમાનતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આંબેડકર પછાત વર્ગના હોવાથી બાળપણમાં તેમણે ઘણા અપમાન અને ઘૃણા સહન કર્યાં હતાં. પોતાના જાતભાઈઓની દશા જોઈને તેમણે તેમની સમાનતા માટે અવાજ ઉઠાવ્યો હતો. 'સમાનતા દિવસ' ને 'આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ' તરીકે જાહેર કરવાની માંગ યુનાઇટે નેશન્સમાં કરવામાં આવી છે.'
'યુનાઇટેડ નેશન્સમાં... વાહ.. વાહ!' જૈનિશ બોલ્યો.
'આંબેડકરે ૧૯૦૭માં મેટ્રિક પાસ કર્યું. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાાનમાં બી.એ. ઓનર્સનો અભ્યાસ કર્યો. તેમણે માસ્ટર ઓફ આર્ટસ માટે ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ૧૯૨૭માં અર્થશાસ્ત્રમાં પીએચડી બન્યા. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બીજો ડૉક્ટરલ થિસીસ પણ લખ્યો. આંબેડકર ૬૪ વિષયોમાં માસ્ટર અને ૧૧ ભાષામાં નિપુણ હતા.'
'કેટલા બધા ઇન્ટેલીજન્ટ કહેવાય... ઇલેવન લેંગવેજીસ...! અહીં તો બેત્રણ લેંગ્વેઝમાં ગોથાં ખવાય છે...' માનવ બોલ્યો.
'આપણા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજકીય પક્ષોના નેતાઓ જેવા વરિષ્ઠ રાષ્ટ્રીય વ્યક્તિઓ માટે નવી દિલ્હીમાં ભારતીય સંસદમાં આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાંજલિ આપવાનો રિવાજ છે. ખાસ કરીને દલિતો, આદિવાસી, પછાતવર્ગ, મજૂર, કામદાર મહિલાઓ, બૌદ્ધ ધર્મ પાળનારાઓ દ્વારા તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને તેમની પ્રતિમાને હાર ચઢાવવામાં આવે છે. ૨૦૨૦માં વિશ્વમાં પ્રથમ ઓનલાઇન આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે જાહેર રજા હોય છે. મુંબઇમાં 'ચૈત્યભૂમિ' અને નાગપુરમાં 'દીક્ષાભૂમિ' ખાતે તેમના અનુયાયીઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે,' વિશાલ અંકલ પાણી પીવા રોકાયા એટલે સંજયભાઈએ આગળ વાત વધારતાં કહ્યું.
'ભારતીય પોસ્ટ દ્વારા ૧૯૬૬, ૧૯૭૩, ૧૯૯૧, ૨૦૦૧, ૨૦૧૩માં આંબેડકર જયંતિને સમર્પિત સ્ટેમ્પ બહાર પાડવામાં આવી હતી. ૨૦૦૯, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૨૦માં અન્ય સ્ટેમ્પ પર તેમને દર્શાવવામાં આવ્યા હતા. ૧૪ એપ્રિલ ૧૯૯૦માં આંબેડકરને 'ભારતરત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે સંસદભવનના સેન્ટ્રલ હોલમાં તેમના આદરણીય ચિત્રનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ૧૪ એપ્રિલ ૧૯૯૦થી ૧૪ એપ્રિલ ૧૯૯૧ સુધીના સમયગાળાને બાબાસાહેબની યાદમાં 'સામાજિક ન્યાય વર્ષ' તરીકે ઉજવવામાં આવ્યા હતા. તેમની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૦ રૂપિયા અને ૧૨૫ રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તેમના પત્નીનું નામ રમાબાઈ હતું અને તેમણે પણ પોતાનું જીવન સમાજસેવામાં સમર્પિત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા બંધારણમાં ૨૫ ભાગ, ૪૪૮ કલમો, ૧૨ શિડયુઅલ્સ અને ૧,૪૬,૩૮૫ શબ્દ છે અને તે દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે અને તે એક જ ગ્રંથમાં છે...!
'ઓહ માય ગોડ.... આવી તો અમને ખબર જ ન હતી.. તમે ખૂબ સરસ જાણકારી આપી...' બાળકો બોલી ઊઠયાં. 'પણ બંધારણની ચોપડી.. ક્યાં...' આયુષી બોલી.
'ખૂબ જ અગત્યની વાત જણાવું. આપણા બંધારણની હાથે લખાયેલા પાનાઓને જોડીને બાઇન્ડ કરી આપવાનું કામ દહેરાદૂન ખાતે સર્વે ઓફ ઇન્ડિયાની ઓફિસે કર્યું હતું. અંગ્રેજી અને હિન્દીમાં લખાયેલા બંધારણની મૂળ પ્રત સંસદની લાયબ્રેરીમાં હેલિયમ ગેસવાળી કાચની પેટીમાં છે, જે તેને ઘણા વરસો સુધી એમ જ જાળવી શકશે...'
'બેટા વરૂણ, તે જોયુંને, એક કહેવાતા પછાત ઘરનો માણસ આખું વિશ્વ પણ સર કરી શકે છે. બંધારણ બધાને સમાન નજરે જુએ છે. કોઈ વ્યકિત પર ધર્મ, જાતિ કે વર્ગના આધારે ભેદભાવ કરી શકે છે. બંધારણની રીતે કોઈ ઉજળિયાત વર્ગના કે પછાત વર્ગના નથી. બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા શોષણ સામે અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, સાસ્કૃતિક સ્વતંત્રતા અને બંધારણીય ઉપાયોનો અધિકાર સામેલ છે. વરૂણ, ક્યારેય કોઈનું જાતિના આધારે અપમાન કરવાનું નહીં, સમજ્યો?' સંજય અંકલ બોલ્યા.
'મામા... આઇ એમ સોરી... તમે અમને ખૂબ સારી વાત સમજાવી છે. હું સમજુબેન અને માંગીલાલની માફી માંગી લઈશ.' વરૂણ દિલગીરી સાથે બોલ્યો.
વ્હાલા બાળમિત્રો, તમે પણ 'સમાનતા'નો અર્થ ખૂબ સારી રીતે સમજી લેજો. બંધારણની નજરે સૂટબૂટ પહેરેલો માણસ અને ફાટેલાં કપડાં પહેરેલો માણસ એકસમાન જ છે. વરૂણ જેવી ભૂલ તમે ના કરતા.


