- 'આ વાત તમે કેવી રીતે જાણી પંડિતજી?'
- 'હવે આપની ઈચ્છા હોય તો એક આગાહી કરું?'
પંડિત ઘાસીરામ!
શહેનશાહ શાહજહાનના જમાનામાં મોટા જ્યોતિષી થઈ ગયા.
શહેનશાહ સમક્ષ પંડિતજીનું ઘણું માન હતું. દરેક નાની મોટી વાતમાં સમ્રાટ પંડિતજીની સલાહ લેતા હતા.
બિરબલ જેમ વિનોદી હતો, તેમ પંડિતજી ગંભીર હતા. તેમને પોતાની વિદ્યા સાથે મજાક જરા પણ ગમતી નહીં.
એક દિવસ શહેનશાહ જ મજાક પર ઊતરી ગયા. તેમણે પંડિત ઘાસીરામને બે સવાલ પૂછયા, 'અમે બહાર જઈએ કે નહીં? જઈએ તો કયે દરવાજેથી જઈએ ?'
પંચાંગ તથા આંગળીઓ ગણીને પંડિતજીએ શહેનશાહને બહાર જવાની મંજૂરી આપી દીધી, પણ મજાક બીજા પ્રશ્નમાં હતી. બાદશાહ પંડિતજી કહે તેથી ઊંધા જ દરવાજેથી બહાર નીકળીને જયોતિષીની કસોટી કરવા માગતા હતા.
એ બીજા પ્રશ્નની વાત પંડિતજી જાણી ગયા. તેમણે વિનંતી કરતાં કહ્યું, 'હુજૂર! બીજા પ્રશ્નના જવાબમાં હું એક ચિઠ્ઠી આપું છું. આપ બહાર નીકળીને જ તે વાંચશો એવી મારી વિનંતી છે.'
બાદશાહ વિનોદના તરંગમાં હતા. કહે, 'ભલે, અમે તેમ કરીશું.'
તેઓ દરવાજા બહાર નીકળી ગયા અને બહાર નીકળીને તેમણે પંડિતજીની ચિઠ્ઠી વાંચી.
ચિઠ્ઠીમાં લખ્યું હતુ, 'આજે આપ એક નવા જ દરવાજેથી દિલ્હીની બહાર નીકળશો.'
વાત સો ટકા સાચી હતી. જયોતિષીની પરીક્ષા કરવા શાહે કોઈ ચાલુ દરવાજાનો ઉપયોગ કર્યો નહોતો. બલકે દરવાજો નહીંએવી એક બારીમાંથી જ તેઓ બહાર નીકળ્યા હતા. અરે! બહાર નીકળવા માટે કોટમાં એ બારી પણ ખાસ તૈયાર કરાવી હતી.
શહેનશાહ જયોતિષીની આ આગાહી જોઈ ખુશ થઈ ગયા. તેમણે પંડિતજીને બોલાવીને પૂછયું, 'આ વાત તમે કેવી રીતે જાણી પંડિતજી?'
પંડિત ઘાસીરામ કહે, 'હજૂર! જયોતિષ એક વિદ્યા છે, ગણતરી છે, અભ્યાસ છે. એ કોઈ જાદુ નથી. પણ આજનો આપનો પ્રશ્ન તો મેં વિદ્યાર્થી નહીં, મારા પ્રાણથી હલ કર્યો છે. આજે જો હું જૂઠો પડયો હોત તો જરૂર મારી જિંદગી ગુમાવી બેસત.'
આ ક્ષણે પંડિતજીએ શાહને વિનંતી કરી.
'જહાપનાહ! આપને મારી એક જ વિનંતી કે વિદ્યા સાથે મજાક ન ઘટે.'
જ્યારે શાહજહાનને એ વાત સ્વીકારી ને અભયદાન આપ્યું ત્યારે પંડિતજી કહે, 'હવે આપની ઈચ્છા હોય તો એક આગાહી કરું?'
'જરૂર કરો, પંડિતજી.'
અને પંડિતજીએ આગાહી કરી, 'આ જ બારી આપના અંતિમ દિવસો માટે કારણરૂપ બની રહેશે.'
બાદશાહ ચમકયા. પણ પાછલી જિંદગીમાં એ વાત સાચી પડી. તેમના પુત્ર ઔરંગઝેબે જ્યારે બળવો કર્યો ત્યારે એ જ બારીમાંથી ઔરંગઝેબના મારાઓ દાખલ થયા હતા અને શાહજહાનને પકડીને કેદ કરવામાં આવ્યો હતો.
શાહજહાનની પાછલી જિંદગી કેદમાં ગુજરી ત્યારે તેઓ એ બારીને યાદ કર્યા કરતા હતા. તેઓ વિચારતા હતા કે, 'મજાક ખાતર કદી નક્કર કોટમાં ગાબડાં પાડવા નહીં. એથી દુશ્મનો માટે ખોડીબારું ખુલી જાય છે.'
આજે પણ દિલ્હીમાં એ બારી મોજૂદ છે. ત્યારે તે ફરાસખાનની ખિડકી કહેવાતી, આજે પણ એ જ નામે એ ખિડકી આ કથા કહી રહી છે. એ આખા વિસ્તારને આજેય લોકો 'ઘાસીરામના કૂચા' તરીકે ઓળખે છે.


