પવન અને આંધીનું તોફાન : ચક્રવાત
ગ રમીના દિવસોમાં ક્યારેક ખુલ્લા મેદાનમાં ચક્રાકાર ફરતી હવાના વંટોળ તમે જોયાં હશે. આ વંટોળ એટલે ચક્રવાત. આ જ પ્રકારના મોટા વંટોળિયા ક્યારેય કુદરતી આફત બની જતાં હોય છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને એશિયાના પૂર્વના દેશોમાં મોટા ચક્રવાત અનેક વાર થાય છે. જમીન કે સમુદ્ર પર નીચી સપાટીએ ગરમીને કારણે હવા ગરમ થઈ પાતળી બની ઉપરની દિશામાં ગતિ કરે ત્યારે તે સ્થળે ખાલી પડેલી જગ્યા પૂરવા આસપાસની હવા ચક્રકાર ઘસી આવી તે પણ ઝડપભેર આકાશ તરફ ગતિ કરે છે.
આ હવાની સાથે ધૂળના રજકણો અને કચરો હોય છે તે પણ સાથે ચક્રકાર ઘુમતાં આકાશ તરફ જાય છે આમ તે સ્થળે ઉપરની તરફ ચડતી હવાનો એક સ્તંભ રચાય છે અને તે આગળ વધે છે. ચક્રવાતનો પવન કલાકના ૧૭૦ થી વધુ કિલોમીટરની ઝડપે ગતિ કરતો હોય છે અને લગભગ ૮૦ મીટરનો વિસ્તાર સપાટામાં લઈ લે છે.
ચક્રવાતના ઘણાં પ્રકાર છે. સમુદ્રની સપાટી પર ચક્રવાત સર્જાય ત્યારે તેની સાથે પાણી પણ ચક્રાકારે ફરતું આકાશ તરફ જાય છે. રડાર ડોયલરથી ચક્રવાતની આગાહી થઇ શકે છે. ચક્રવાતની તીવ્રતા માપવા માટે ખાસ સ્કેલ છે. જેને ફ્યુજીરા સ્કેલ કહે છે. એફ-૫ પ્રકારના ચક્રવાત વધુ શક્તિશાળી હોય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ ચક્રવાત ઘડિયાળની વિરૂધ્ધ દિશામાં ચકરાવો લે છે. દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં ઘૂમે છે. ૧૯૮૯માં બાંગ્લાદેશમાં માણેકગંજ જિલ્લામાં આવેલા ચક્રવાતને કારણે ૧૩૦૦ લોકોના મૃત્યુ થયા હતાં. ઇતિહાસનો આ સૌથી વધુ ભોગ લેનાર ચક્રવાત હતો.