Get The App

કૂતરાં મોટરગાડી પાછળ કેમ દોડે છે?

Updated: May 19th, 2023

GS TEAM

Google News
Google News
કૂતરાં મોટરગાડી પાછળ કેમ દોડે છે? 1 - image


- સરદારખાન મલેક

મં થનને બજારમાંથી નોટબુક્સ ખરીદવાની હતી તેથી તેના દાદા સાથે બજાર જવા નીકળ્યો. બાજુમાં રહેતા સમીરભાઈ તેમની સ્વિફ્ટ ગાડી લઈને નીકળ્યા ને મંથન તેના દાદા સાથે સમીરભાઈની ગાડીમાં બેસી ગયો. ગાડીએ જેવી ઝડપ પકડી કે નાકાનાં કૂતરાં ગાડી પાછળ દોડવા લાગ્યાં. થોડે સુધી દોડીને પછી પાછાં વળી ગયાં. ગાડી બજારમાંથી પરત ઘેર આવી ત્યારે પણ આવું જ બન્યું.

મંથને ઘણી વખત જોયેલું કે કોઈની મોટરગાડી નીકળે ત્યારે શેરીનાં જાણીતાં કૂતરાં હોય તો પણ ગાડી પાછળ દોડે. તેના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ થતું હશે? ગાડી પડી હોય ત્યારે કશું નહીં. કૂતરાં તેની નીચે બેસે કે આજુબાજુ ફરે કે ક્યારેક ટાયર પર પી-પી પણ કરી જાય. દોડતી ગાડી પર તેઓ જેટલો ગુસ્સો કાઢે છે તેટલો ગુસ્સો ઊભી રહેલી ગાડી પર ક્યારેય નથી કાઢતાં. આમ કેમ?

રાત્રે નિરાંતે મંથને દાદાને આ બાબતે પૂછી જ લીધું, 'તે હેં દાદા, આવું કેમ બનતું હશે? આ કૂતરાં ગાડીઓની પાછળ કેમ દોડતાં હશે?' પછી દાદાની બાજુમાં ગોઠવાઈને  બોલ્યો, 'આજે વાર્તા નથી સાંભળવી. મને બસ આનું કારણ સમજાવો'

'બેટા, આની પાછળ એક લાંબો ઈતિહાસ છે.' દાદા મજાકમાં બોલ્યા.  'મજા આવશે, દાદા. જે હોય તે કહો.' મંથનની ફોઈની નાની દીકરી પિન્કી પણ તેમની પાસે આવી ગઈ.

'તને ખબર છે, એક સમયે આખા યુરોપમાં નવીનવી શોધો કરવાની હવા ચાલી હતી. તેને રેનેસાંનો સમયગાળો કહેવાય છે. સૌ પ્રથમ આ નાની મોટરકારની શોધ જર્મનીના કાર્લ બેંઝે કરી હતી. શરૂઆતમાં તો આવી કારને મોટાંમોટાં પૈડાં રહેતાં ને ઉપરથી ખુલ્લી રહેતી.'

'નાનાબાપુ, એમાં ટી...ટી વાગે તેવું પિંપૂલું હતું?' પિન્કીએ પૂછયું.

'ના બેટા, એમાં ભોં...પો વાગે એવો મોટો હોર્ન હતો. પછી તો ઘણાં વર્ષો વીતી ગયાં ને તેમાં સુધારા વધારા થતા રહ્યા. આવી બંધ બોડીવાળી ગાડી જર્મની અને ઈંગ્લેન્ડ રસ્તા પર દોડતી થઈ ગઈ.'

'બે મોઢાંવાળી મોટલને, નાના?' પિન્કી વચમાં બોલી તેથી મંથને ખિજાઈને કહ્યું, 'પિન્કી, એ બધું દાદાની વાર્તામાં આવશે. તું વચમાં ડબ ડબ ના કરને! હા દાદાજી, આગળ કહો, પછી શું થયું?'

દાદાએ વાત આગળ વધારી, 'એ જમાનામાં ઈંગ્લેન્ડના ઉમરાવો અને ધનવાન લોકો આવી ગાડીઓ લંડનના રસ્તા પર ફેરવવા લાગ્યા ને રસ્તા ધમધમતા થઈ ગયા. 

એક વખત એવું બન્યું કે એક ડયુક પિન્કીએ કીધી એવી પોતાની બે મોઢાવાળી ગાડી લઈને રસ્તા પર પુરપાટ જઈ રહ્યો હતો ત્યારે બે કુરકુરિયાં તેના હડફેટમાં આવી ગયાં ને ત્યાં જ મરી ગયાં.

ગાડીની હડફેટે આવેલાં એ બે કુરકુરિયાં એ સામાન્ય કુરકુરિયાં ના હતાં.  

ઈંગ્લેન્ડની રાણીએ પાળેલી એક કુતરી અને કૂતરાનાં એ ગલુડિયાં હતા. રાણીના મહેલમાં રહેતા આ રોયલ કૂતરા-કુતરીને અગાઉ કોઈ ઓલાદ ના હતી.

'ઓલાદ એટલે શું દાદા?' મંથને પૂછયું

ઓલાદ એટલે સંતાન. રાણીના માનીતાં આ કૂતરા ને કૂતરીને કોઈ સંતાન ના હતું આથી એમણે ઘણી બાધાઓ રાખી ને કેટલાય વૈદ્ય અને ડોક્ટરને મળયા પછી આ ગલુડિયાનો જન્મ થયો હતો. ધોળાં ધોળાં રૂની પૂણી જેવાં આ બે ગલુડિયાં બહુ રૂપાળાં ને તેમના માબાપને બહુ વ્હાલાં હતાં. રાજમહેલનો એક સેવક એક દિવસ આ ગલુડિયાંને બજારમાં ફેરવવા નીકળ્યો હતો તે વખતે લંડનના એક ડયુકની આવી બે મોઢાવાળી મોટરકાર સાથે અકસ્માત થયો. તેમાં આ બંને ગલુડિયાં મરી ગયાં. આથી તેમનાં માબાપને બહુ દુઃખ થયું ને તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયાં. પોલીસે ફરિયાદ તો નોંધી પણ પૂછયું કે, 'ગાડી કેવા કલરની હતી તેનો નંબર શું હતો તેની વિગત આપો.' ગલુડિયાના માબાપને આવી કાંઈ ખબર ના હતી આથી તેમણે આખા લંડન શહેરના કૂતરાંઓને ખબર પહોંચાડી કે 'અમારા બચ્ચાંનો અકસ્માત કરનાર ગાડી શોધી કાઢો.'

કૂતરાની શાહી દંપતી ના આવા ફરમાનથી પછી તો લંડનના કૂતરાં દોડી દોડીને ગાડીનાં પૈડાં સુંઘીને અકસ્માત કર્યો હ તો તે ગાડી શોધવા લાગ્યાં. પણ ગાડી મળી નહીં.

'પણ હેં દાદા સૂંઘવાથી કૂતરાંને ખબર પડી જાય કે આ ગાડીએ અકસ્માત કર્યો હતો.' મંથને પૂછયું.

'હા બેટા કુતરાને ગંધ પારખવાની શક્તિ ઘણી હોય.'

એક દિવસ એક કૂતરો ખબર લાવ્યો કે બંદર પર અકસ્માત કરેલી ગાડી એણે પકડી પાડી હતી પણ તે ગાડી સ્ટીમ્બરમાં ચડાવી દેવામાં આવી હતી અને સ્ટીમ્બર થોડા સમયમાં તો સાત સમંદરની સફરે ઉપડી ગઈ હતી.

આથી આ રોયલ કૂતરા દંપતીએ દુનિયાના બધા દેશોમાં સમાચાર મોકલ્યા કે અમારાં વ્હાલાં સંતાનોનો અકસ્માત કરનાર મોટરકાર તમારા દેશમાં આવી હોય તો શોધીને અમને જાણ કરજો. બસ ત્યારથી દુનિયાનાં બધાં કૂતરાંઓ જે ગાડી દોડતી હોય તેને તપાસવા તેની પાછળ દોડે છે. થોડે સુધી દોડી પોતાની હદ પૂરી થાય ત્યારે દોડવાનું બંધ કરે છે. આમ પોતાના પૂર્વજનું ઋણ અદા કરવા આજે પણ કૂતરાં મોટરકાર પાછળ દોડે છે.

Tags :