Get The App

ભરોસાને કોનો ભરોસો? ભરોસો જ ભરોસાનો ભરોસો છે

Updated: Dec 9th, 2022

GS TEAM

Google News
Google News
ભરોસાને કોનો ભરોસો? ભરોસો જ ભરોસાનો ભરોસો છે 1 - image

- છરા ફેંકવાનું જીવન વીસેક વર્ષ ચાલ્યું પછી એક દુર્ઘટના બની.

- પાટિયા પર જોખમ ઉઠાવનાર બીજું કોઈ નહીં, કેશવની સ્ત્રી!

- નિશાન ચૂકાય તો જ જીતી શકાય એમ હોય તો?

- માનવી એક વખત વિશ્વાસની ઢાલ પહેલી લે છે પછી અવિશ્વાસ તેને ભેદી શકતો નથી. તીક્ષ્ણ છરાથી પણ તાકાત નથી કે તે વિશ્વાસના પડને ભેદે! ભરોસો જ ભરોસાનો ભરોસો છે.

- તમે આજ સુધી ખૂબ ભલાઈનાં કામ કર્યાં છે. કોઈને નહીં મારવા માટે છરા માર્યા છે. પછી તમારાથી એવા બૂરાં કામ થાય જ કેમ? દસ દસ વર્ષ સુધી જે સારાં કામ કરે છે, તેને તો સારાં કામની આદત જ પડી જાય.

સરકસમાં જાતજાતના ખેલ કરવા પડે છે. કોઈ દોરડા પર ચાલે છે, કોઈ આકાશી હીંચકે ઝૂલે છે, કોઈ વાઘ-સિંહની પથારી પર સૂઈ જાય છે, કોઈ સાઈકલોની, હાથીની કે ઘોડાની કરામત દાખવે છે.

સરકસમાં આવા કંઈક ખતરનાક ખેલો રજૂ થાય છે, આવી કટોકટીની જિંદગી જીવે છે સરકસના આ કસબીઓ.

સરકસનો એવો જ એક કળાકાર - નામ તેનું કેશવ. સરકસમાં બધા એને કેશોબ કહેતા.

એનું કામ નિશાનબાજીનું. તે અચ્છા નિશાનબાજ હતો. એ નિશાન પાછો છરાઓ વડે તાકતો. તેનો ફેંકાયેલો છરો કદી ખાલી જતો નહીં.

નવાઈની વાત એ છે કે આ છરાઓ ને મારવા ખાતર મારતો નહીં, પણ નહીં મારવા ખાતર મારતો.

વિચિત્ર વાત છે, નહીં? પણ સાચું એ છે, જો એનો છરો નિશાન ચૂકી જાય તો જ નુકશાન થાય, જો બરાબર નિશાન લાગે તો કોઈ નુકશાન થાય નહીં.

હા, કેશવ જીવતી વ્યક્તિ પર છરા ફેંકતો હતો. તેને છરા એવી રીતે ફેંકવાના રહેતા કે સામેની વ્યક્તિની આજુબાજુ છરા ફેંકાય, પણ એકે છરો તેને વાગે નહીં.

હવે દ્રશ્ય જુઓ - સામે એક ગોળ પાટિયું છે. એ પાટિયા પર જે જડાઈને ઊભી છે એવી એક વ્યક્તિ હાથ પહોળા કરીને ચોંટી છે. પાટિયું ગોળ ગોળ ફરે છે. ચક્કરઘૂમ ફરતાં એ પાટિયા પર કેશવે છરા ફેંકવાના છે. છરા દ્વારા માનવીય આકૃતિ ઊભી કરવાની છે, એક કાતિલ કોતરણી કંડારવાની છે. શરત એટલી જ કે એક પણ છરો પાટિયા પરના માનવીને વાગવો જોઈએ નહીં.

જ્યારે કેશવ છરા ફેંકતો ત્યારે લોકો હાહાકાર કરી જતાં કેમ કે એકાદ છરો પણ કેશવ ચૂકી જાય તો પાટિયાનો માનવી મરી જાય.

જ્યારે કેશવ છરા ફેંકતો ત્યારે પાછો તે આંખે પાટા બાંધી લેતો.

સામે પાટિયું ફરતું જાય અને બંધ આંખે કેશવ ફેંકતો જાય. લોકોની ભયભરેલી ચીસ અને હર્ષનાદથી જ તેને જાણવા મળતું કે નિશાન બરાબર તકાયું છે.એ ઉપરાઉપરી તે વીસેક છરા ફેંકી દેતો.

જ્યારે પાટિયા પરથી વ્યક્તિ દૂર થતી ત્યારે છરા દ્વારા માનવીય આકૃતિ તૈયાર થઈ જતી.

આવા કેશવની હિંમત તો જુઓ કે સામે પાટિયા પર તે પોતાની સ્ત્રીને જ ઊભી રાખતો. હા, એ પાટિયા પર જોખમ ઉઠાવનાર બીજું કોઈ નહીં, કેશવની સ્ત્રી!

ખરું છે, આ રીતે મરી મરીને વળી કોણ જીવવા તૈયાર થાય અને દરેક ક્ષણે ભયનું જીવન કોણ જીવે!

પણ કેશવની સ્ત્રી કલ્યાણી તેનાથી ય વધુ નીડર, નિર્ભય અને હિંમતવાળી હતી. તેને છરા ફેંકનાર પતિનો જરાય ડર લાગતો નહીં. તે સામા પ્રોત્સાહન આપીને કહેતી, ફેંકો છરા, હું ડરવાની નથી. તમે જરાય સંકોચ પામશો નહીં.

આવું છરા ફેંકવાનું જીવન વીસેક વર્ષ સુધી ચાલ્યું પછી... એક દુર્ઘટના બની. પતિ-પત્ની બંને વચ્ચે વિવાદ થયો. વાત કંઈ મોટી ન હતી, પણ ઝઘડો જરૂર થઈ ગયો. કેશવનો ક્રોધ હાથમાં રહ્યો નહીં. તેણે નક્કી કર્યું કે તે કલ્યાણીને મારી નાખશે.

તેની પાસે મારી નાખવા માટે સરસ સાધન હતું. રોજ રાતે સરકસનો ખેલ થતો જ, હા. ખેલ વખતે તે એકાદ છરો ખોટો મારી દે તો કોઈને ખબર પડે નહીં. લોકોને એમ જ લાગે કે આ તો અકસ્માત થયો છે. ભાઈ વીસ-વીસ વર્ષથી છરા ફેંકે છે, એકાદ વખત ભૂલ થઈ શકે છે. વાત ભૂલમાં ખપી જાય, પોતાના ઉપર કોઈ આળ આવે નહીં અને કલ્યાણી કાયમની કલ્યાણયાત્રા પર પહોંચી જાય.

એ નિર્ણય બરાબર પાકો કરીને તેણે આંખે પાટા બાંધ્યા. સામેનો ચાક ફર્યો. એ ચાક પર કલ્યાણી ફરી.

કેશવના છરા છૂટવા માંડયા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ....

તે મારવા જ માગતો હતો. એની ચોખ્ખી ઈચ્છા હતી કે એકાદ ચૂકી જાય. નિશાન આઘુંપાછું થાય અને વાતાવરણ એક સ્ત્રીની ચીસથી ખળભળી ઉઠે .... સાત, આઠ, નવ, દસ...

લોકોનો એ જ હર્ષધ્વનિ, એ જ વાહવાહી, એ જ શાબાશી!

અગિયાર, બાર, તેર....

પંદર, સોળ, સત્તર...

અઢાર, ઓગણીસ, વીસ!

કોઈ ચીસ નહીં. છરાઓ પણ પૂરા થયા. કેશવે આંખેથી પાટો કાઢીને દૂર કર્યો.

સામેથી કલ્યાણી હસતી હસતી આવી. તેણે પણ પતિને ધન્યવાદ આપ્યાં. આજે તો ગજબના છરા માર્યા. આજે તો મને ડર લાગી ગયો કે ચોક્કસ તમે મને મારી જ નાખશો.

કેશવને નવાઈ લાગી કે કલ્યાણી હજી જીવતી કેવી રીતે રહી? તેમ છતાં તેણે કબૂલ કરી લેતાં કહ્યું સાચે જ કલ્યાણી આજે હું તને મારી જ નાખવાનો હતો.

કલ્યાણી હસી. તે કહે, શું કામ કાલે લડાઈ થઈ હતી એટલે? અરે, એ તો અંદરોઅંદરની લડાઈ હોય, એમાં વળી મારામારી શી? ઉપરાંત... કલ્યાણીએ આગળ કહ્યું તમે આજ સુધી ખૂબ ભલાઈનાં કામ કર્યાં છે. કોઈને નહીં મારવા માટે છરા માર્યા છે. પછી તમારાથી એવા બૂરાં કામ થાય જ કેમ? દસ દસ વર્ષ સુધી જે સારાં કામ કરે છે, તેને તો સારાં કામની આદત જ પડી જાય છે. પછી તે ઈચ્છે તો પણ બૂરાં કામ કરી શકતો નથી. તમે નહીં મારનારા છરાના નિશાનબાજ છો, પછી તમે મારી નાખે તેવા છરા મારી જ કેવી રીતે શકો?

કેશવને લાગ્યું કે એ જ સાચી વાત હશે. ભલાં કામ કરવાની આદત કેળવો તો કરવા ધારો છતાં બૂરાં કામ થતાં નથી. બચાવવાની આદત પડયા પછી કોઈને મારી શકાતા નથી.

પોતાને એ જ આદત હતી. સામાને જીવતદાન દેવાની, તે કોઈની જિંદગી ન જ લઈ શકે!

પોતાને એવી આદત હતી તેથી એ રાજી થયો. તેણે કલ્યાણીને પૂછયું, તને એકાદ છરો વાગી ગયો હોત તો? તને ડર નહીં લાગ્યો?

કલ્યાણી કહે, જરાય નહીં. માનવી એક વખત વિશ્વાસની ઢાલ પહેલી લે છે પછી અવિશ્વાસ તેને ભેદી શકતો નથી. તીક્ષ્ણ છરાથી પણ તાકાત નથી કે તે વિશ્વાસના પડને ભેદે! ભરોસો જ ભરોસાનો ભરોસો છે.

કેશવ ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે વિશ્વાસનું કેવું અપાર બળ છે. એ વિશ્વાસે આજે કલ્યાણી બચી ગઈ હતી. એ વિશ્વાસે તે જાતે પણ બચી ગયો હતો ને!

ભરોસા દિલાતા હૈ, તો ભરોસા રખ

ભરોસા કા ખોટા દાવા ન રખ

પહેલે તૂ અપના ભરોસા પરખ

બાદમે તૂ હસ મરક મરક મરક

Tags :