Get The App

કોણ જીતી ગયું શરત ? .

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
કોણ જીતી ગયું શરત ?                                 . 1 - image

- હરણ કરતાં શિયાળને વહેલું આવેલું જોઈ સૌ નવાઈ પામી ગયાં. હાથીભાઈએ સસલાના કાનમાં કહ્યું,'અરે આ શિયાળવું હરણ કરતાં વહેલું કેવી રીતે આવી ગયું? નક્કી કંઈભેદ છે!'

- માલિની સી. શાસ્ત્રી

એક મોટું જંગલ હતું. આ જંગલની વચ્ચે પાથરેલા રેલવેના પાટા પરથી રોજ એક માલગાડી પસાર થતી હતી. એક દિવસ એક શિયાળ આમતેમ ફરતા ફરતા આ પાટા પાસે આવી પહોંચ્યું. તે જ સમયે રેલવે પાટા ઉપરથી ભકછૂક ભકછૂક કરતી એક માલગાડી પસાર થઈ. 

શિયાળને તો આ માલગાડી પસાર થતી જોવાની મઝા પડી ગઈ. ભકછૂક ભકછૂક કરતી માલગાડીને જોવા રોજે તે સમયે આવવા લાગ્યું. આ ગાડીનો મોટાભાગના ડબ્બાઓ ચારેય બાજુથી બંધ રહેતા, પણ કેટલાક ડબ્બા ઉપરથી ખુલ્લા રહેતા.

શિયાળ વિચારવા લાગ્યું: 

આ લાંબી ગાડી ક્યાં જતી હશે? મારે આ ગાડીમાં બેસીને જુદાં જુદાં જંગલો જોવાં છે...પણ આ ચાલતી ગાડીમાં ચઢવું કઈ રીતે? જો આ ગાડી અહીં થોભી જાય તો હું તરત ચઢી જાઉં. પછી તો મઝા જ મઝા. બધાં જંગલોમાં જઈ લીલાલહેર કરું! હા, પણ આખી દુનિયાના જંગલો ક્યાં હશે એ તો ખબર નથી. તો પછી જંગલ ના હોય તો શિકાર મળે જ નહીં.  ના, બાપ, ના. મારે તો કંઈ દુનિયા જોવી નથી. મારે તો હું ભલું ને મારું આ જંગલ ભલું ને મારો શિકાર ભલો.  રોજ રોજ આ ગાડીને દોડતી જોવાની જ મઝા છે... 

બીજે દિવસે શિયાળ એ જ જગ્યાએ પાછું આવ્યું. ત્યાં એક નાનકડું મંદિર હતું તેની પાસે બેસી ગયું. જેવી ગાડી આવી તો તે ગાડી સાથે દોડવા માંડયું. ફક્ત દોડવાની મઝા લેવા જ, હં! પછી એને વિચાર આવ્યો: 

મારે રોજ છલાંગ લગાવી ચાલુ ગાડીએ ખુલ્લા ડબ્બામાં બેસી જવું છે અને જંગલનો છેડો આવે તે પહેલાં જ ડબ્બામાંથી છલાંગ લગાવી નીચે કૂદકો મારીને જંગલ તરફ ઓળોટવા માંડવું છે! 

આહાહાહા... સેરસપાટા કરવાની કેવી મઝા આવશે! 

આમ, રોજના સમયે જેવી ભકછૂક ભકછૂક ગાડી આવે કે શિયાળ ઊભું થઈ ગાડી સાથે સાથે દોડવા માંડતું. ઘણા દિવસે આ પ્રમાણે દોડવાથી તેણે અંદાજ લગાવી દીધો કે ક્યાં અને કેવી રીતે છલાંગ મારવી અને ક્યાં ડબ્બામાંથી બહાર કૂદકો મારીને જંગલમાં નીચે આળોટી પડવું... 

એક દિવસ તેણે વાત અમલમાં મૂકી. તે સફળ પણ થયું.પછી તો એ વારે વારે આમ કરવા લાગ્યો. ઘણીવાર એનું આખું શરીર છોલાઈ જતું, ઘણીવાર ચાલુ ગાડીએ ચડવા જતા તે ડબ્બા સાથે અથડાઈને નીચે પછડાતું. પણ તેને તો જાણે ગાડીમાં બેસવાનું ઘેલું લાગ્યું હતું. સફળતાપૂર્વક કૂદકા મારીને ડબ્બામાં આવ-જા કરતાં એને બરાબર આવડી ગયું ત્યારે એ પોતાની પૂંછડી ઝાલીને મસ્ત નાચ્યું! 

એક દિવસ કેટલાંક પ્રાણીઓ જેવાં કે સસલાં, હરણાં, વાંદરાં, હાથી ભેગાં થઈ વાતો કરતાં કરતાં પેલા મંદિર પાસે આવી પહોંચ્યાં. 

ત્યાં તેમણે શિયાળને બેઠેલું જોયું. 

'અરે, આ શિયાળ અહીં શું કરવા બેઠું હશે?' હરણ બોલ્યું. 

સસલાએ કહ્યું : 'નક્કી આ મંદિરે દર્શન કરવા આવ્યું હશે.' 

આ સાંભળી વાંદરું ખડખડ હસતું બોલ્યું : 'અલ્યા સસલા, તું બહુ ભોળું છે. આ શિયાળ કોઈ દહાડોલ મંદિરના દર્શને આવતું હશે? અરે, આ મંદિરમાં જો કોઈએ દીવો પ્રગટાવ્યો હોય ને તો આ શિયાળ ફૂંક મારીને દીવો ઓલવી નાખે ને તેમાંનું ઘી ચાટી જાય!' 

આ સાંભળી હાથીભાઈ બોલ્યા : 'એટલે તો તેને બધા લૂચ્ચું શિયાળ કહે છે.'

આ બધી ચહલપહલ સાંભળી શિયાળ ઊભું થયું. જંગલનાં પ્રાણીઓ પાસે આવીને એ બોલ્યું : 'એય, તમે બધાં અહીં કેમ આવ્યાં છો? ચાલો અહીંથી જતાં રહો. શું મારી જાસૂસી કરો છો? નીકળો અહીંથી નહીંતર...' 

એને અટકાવતા હાથીભાઈ બોલ્યા : 'અલ્યા એય, કેમ તારે શું? અમે ગમે તેમ ફરીએ. જંગલ આપણાં બધાનું છે. કંઈ તારા એકલાનું નથી, સમજ્યો?' 

શિયાળ કંઈ બોલ્યું નહીં. એ પોતાની ટેવ પ્રમાણે મંદિર પાસે જઈને બેઠું. પછી બધાં પ્રાણીઓ ત્યાંથી જતા રહ્યાં. થોડી વારમાં ભકછૂક ભકછૂક કરતી માલગાડી આવી. ટેવ પ્રમાણે શિયાળે ગાડી સાથે દોડમદોડ કરી મૂકી. 

જંગલમાંથી પસાર થતી વખતે પ્રાણીઓ ચગદાઈ ન જાય તે માટે આ ગાડીની ઝડપ જાણી જોઈને ઓછી રાખવામાં આવતી. તેથી શિયાળને છલાંગ મારીને ખુલ્લા ડબ્બામાં ચઢવું ને ઉતરવું સહેલું થઈ પડયું હતું. 

એક દિવસ શિયાળને એક તુક્કો સૂઝ્યો. તે વિચારવા લાગ્યું કે આ જંગલમાં હરણ જેટલું ફાસંફાસ કોઈ દોડી શકતું નથી. હું પણ નહીં. પણ જો આ માલગાડીમાં બેસું તો કોઈ એક ખાસ ઠેકાણે હરણ કરતાં હું જલદી પહોંચી જઉં તે નક્કી. 

તો... હું હવે મારી ને હરણની વચ્ચે દોડવાની હરિફાઈ રાખું તો કેવું? ચપટી વગાડતાંક ને શિયાળ ઊઠયું ને પોતાની પૂંછડી પકડી નાચતું નાચતું જંગલ ભણી જવા લાગ્યું. એક ઝાડ નીચે નાનાં પ્રાણીઓ અલકમલકની વાતો કરતાં ઊભાં હતાં. ત્યાં જઈ એ બોલ્યું,'અલ્યા હરણ, આપણા બન્નેની વચ્ચે દોડવાની શરત લગાવવી છે?' 

બધાં પ્રાણીઓ આ સાંભળી આભાં જ બની ગયા. ત્યાં જ હાથીભાઈ બોલ્યા : 'રહેવા દેને, અલ્યા શિયાળ! આ હરણ જોડે તું દોડીશ? તારી દોડવાની ઝડપ ક્યાં ને હરણની ઝડપ ક્યાં!?' 

પણ હરણ કહે: 'હા, હા, શિયાળભાઈ, ચાલો હું તૈયાર છું.'

બીજે દિવસે શિયાળે ઘણાં બધાં પ્રાણીઓને એકઠાં કર્યાં. શરતની વિગતો આપતાં તે બોલ્યું, 'આ દોડવાની સ્પર્ધા મારી અને હરણ વચ્ચે છે. દોડતી વખતે અમારે બન્નેએ ફાવે તે રસ્તે દોડીને જંગલને અડીને પેલું ગુલમહોરનું ઝાડ છે ત્યાં પહોંચી જવાનું રહેશે. અહીં બરાબર આ જગ્યાએ વાંદરાભાઈ ઊભા રહેશે અને જંગલના સામેના છેડે સસલું અને હાથીભાઈ ઊભાં રહેશે. જો હરણ, તું શરત જીતીશ તો તારે માટે લીલું લીલું ઘાસ જયાં વિપુલ પ્રમાણમાં ઊગ્યું હશે, તે જગ્યા શોધી આપવાની જવાબદારી મારી.... પણ જો હું શરત જીતી જઉં તો તારે રોજે એક શિકાર શોધી એને મારી પાસે લઈ આવવાનો. બોલ હરણ, છે મંજૂર?' 

હાજર રહેલાં સૌ પ્રાણીઓ મનમાં વિચારવા લાગ્યાં. આ શરત સારી છે. આમેય શિયાળ કરતાં હરણની દોડવાની ઝડપ તો ઘણી જ વધારે છે. નક્કી હરણ જ જીતવાનું છે. 

પણ વાંદરાભાઈને થોડી શંકા થઈ! એ વિચાર્યું: 'આમાં તો આ લુચ્ચા શિયાળિયાની કોઈ કપટબાજી તો નહીં હોય ને !' 

છેલ્લે શિયાળ બોલ્યું : 'જુઓ, આ ઝાડની ડાળીએ પોપટ બેઠો છે. પોપટ એક, બે ને ત્રણ બોલે કે તરત અમારે બેય જણાએ દોડવા માંડવાનું. આખો રસ્તા વચમાં કોઈ પ્રાણીએ ઊભા નહીં રહેવાનું. બોલ હરણ, સમજી ગયુંને?' 

હરણે હા પાડી. નક્કી થયા પ્રમાણ બીજા દિવસે, પોપટ એક, બે ને ત્રણ બોલ્યો ને તે સાથે જ હરણે લાંબી ફાળો ભરતું દોડવા માંડયું. આ બાજુ શિયાળ રેલપાટા તરફ દોડીને, ચાલતી માલગાડીના ખુલ્લા ડબ્બામાં છલાંગ લગાવીને ચડી ગયું. હરણની ઝડપ કરતાં તો માલગાડીની ઝડપ વધારે જ હતી. શિયાળ જંગલના છેડે કૂદકો મારીને ડબ્બામાંથી બહાર આવી ગયું ને પછી પહોંચી ગયું નક્કી કરેલી શરતવાળી જગ્યાએ. 

અહીં સસલું અને હાથીભાઈ હરણની રાહ જોતાં ઊભાં હતાં. હરણ કરતાં શિયાળને વહેલું આવેલું જોઈ તેઓ નવાઈ પામી ગયાં. હાથીભાઈએ સસલાના કાનમાં કહ્યું્ર,'અરે આ શિયાળવું હરણ કરતાં વહેલું કેવી રીતે આવી ગયું? નક્કી કંઈ ભેદ છે!'

થોડીવારમાં હરણ પણ ત્યાં આવી પહોંચ્યું. શિયાળને તેના કરતા વહેલું પહોંચી ગયેલું જોઈ તે પહેલા તો આભું બની ગયું ને પછી આઘાત પામ્યું. 

ત્યાં તો પાછળ પાછળ એક ઝાડથી બીજે ઝાડ ઉપર કૂદતા વાંદરાભાઈ પણ આવી ગયા. શિયાળ બોલ્યું : 'કેમ હરણ. તને આટલી બધી વાર કેમ લાગી? આપણી વચ્ચે શું શરત હતી? બોલ, હવે રોજ્જે તારે મને એક શિકાર લાવી આપવો પડશે.' 

આ સાંભળી હરણ સિંયાવિંયા થઈ ગયું. વાંદરું કહે: 'જો, હું ઝાડની ઊંચી ડાળીએ બેસીને તને શિકાર શોધી આપીશ. હરણ, તું ગભરાઈશ નહીં હો!'

પણ હરણ તો રડવા જેવું થઈ ગયું હતું.  ત્યાં બાજ પક્ષી આકાશમાં ચકરાવા લેતું લેતું નીચે ઉતર્યું. એ કહે: 'હરણ, તારે આ શિયાળની કોઈ શરત માનવાની જરૂર નથી!'

બધા નવાઈ પામી ગયા. એમણે પૂછ્યું, 'કેમ? કેમ?'

બાજ કહે: 'જ્યારે શિયાળ અને હરણ વચ્ચે રેસ ચાલી રહી હતી ત્યારે હું અધ્ધર આકાશમાંથી બધું જોઈ રહ્યો હતો. સ્પર્ધા તો દોડવાની હતી, પણ આ શિયાળ તો દોડયો જ નથી. એ તો છલાંગ મારીને માલગાડીમાં ચડી ગયો હતો!'

બધાની આંખો પહોળી થઈ ગઈ: 'હેં! માલગાડીમાં?'

બાજ કહે: 'હા, હા, માલગાડીમાં! એણે ચાલતી માલગાડીમાં ચડવા-ઊતરવાની પ્રેક્ટિસ કરી છે. જેવો જંગલનો છેડો આવ્યો કે એ છલાંગ લગાવીને બહાર કૂદી ગયો અને પછી ફટાફટ લક્ષ્યસ્થાન પર પહોંચી ગયો... ને તમને સૌએ માની લીધું કે શિયાળ દોડતું દોડતું આવ્યું છે!'

પ્રાણીઓ ગુસ્સે થઈ ગયાં. સૌ એકસાથે બોલી ઉઠયાં: 'ચીટર... ચીટર... ચીટર...'

શિયાળ રડવા જેવું થઈ ગયું. એ કહે: 'સોરી, સોરી સોરી... મેં આ હરીફાઈમાં ચીટિંગ કર્યું છે. મને માફ કરી દો. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ...'

બધાં પ્રાણીઓએ હરણ તરફ જોયું. હરણ આગળ આવીને કહે: 'સારું. ચાલો, તને માફ કર્યો... પણ તારે અમને સૌને પ્રોમીસ આપવું પડશે કે હવે પછી તું આવું ક્યારેય નહીં કરે, ક્યારેય જુઠ્ઠું નહીં બોલે...'

શિયાળ કહે: 'પ્રોમીસ, પ્રોમીસ, પ્રોમીસ... બસ?' હરણ કહે: 'ઓક્કે.'

ને આમ, શિયાળનો ભેદ ઊઘાડો પડી ગયો. સદભાગ્યે આ ઘટના પછી એ ખરેખર સુધરી ગયો. સૌએ બાજનો ખૂબ આભાર માન્યો.