પાણી કોને વ્હાલું ? .
- 'જેવું આ તળાવનું પાણી સૂકાવા લાગે એટલે તરત તમે સૌ પોતપોતાનો જીવ બચાવવા આ તળાવનો સાથ છોડીને બીજાં તળાવે ચાલ્યા જાવ છો! ખરું કે નહીં?'
- કિરીટ ગોસ્વામી
એક દેડકો તળાવના પાણીમાં પડયો-પડયો એક વખત ગાતો હતો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
એ સાંભળીને બતક બોલી- 'ના, ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે!'
બતક આગળ ચાલીને ગાવા લાગી- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
એ સાંભળીને બગલો બોલ્યો- 'ના,ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે!'
બગલો આગળ ચાલીને ગાવા લાગ્યો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
એ સાંભળીને હંસ બોલ્યો- 'ના, ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે !'
હંસ આગળ ચાલીને ગાવા લાગ્યો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
એ સાંભળીને કાચબો બોલ્યો- 'ના, ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે!'
કાચબો આગળ ચાલીને ગાવા લાગ્યો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું !'
એ સાંભળીને મગર બોલ્યો- 'ના, ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે!'
મગર આગળ ચાલીને ગાવા લાગ્યો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
એ સાંભળીને હિપ્પો બોલ્યો- 'ના, ના... તારાથી વધુ તો મને પાણી વ્હાલું છે!'
હિપ્પો આગળ ચાલીને ગાવા લાગ્યો- 'મને પાણી વ્હાલું! મને પાણી વ્હાલું!'
આ બધાંયની વાત સાંભળીને આખરે માછલી બોલી- 'તમને સૌને પાણી વ્હાલું છે તે એ વાત બરાબર... પરંતુ જેવું આ તળાવનું પાણી સૂકાવા લાગે એટલે તરત
તમે સૌ પોતપોતાનો જીવ બચાવવા આ તળાવનો સાથ છોડીને બીજાં તળાવે ચાલ્યા જાવ છો! ખરું કે નહીં?'
માછલીની આ વાત સાંભળીને બધાંય ચુપ્પ થઈ ગયા. કોઈ પાસે માછલીના આ સવાલનો જવાબ ન હતો!
માછલીએ ઉમેર્યું- 'હું આ પાણીમાં જ જન્મી છું! આ તળાવ જ મારું ઘર છે. એનું પાણી જ મારું જીવન છે. પાણી સૂકાય એટલે એની સાથોસાથ મારો જીવ પણ
ચાલ્યો જાય છે! તેથી ખરેખર પાણી સૌથી વ્હાલું તો મને છે!'
'હમમ... બિલકુલ ખરી વાત!' એમ કહેતાં, નીચું મોં કરીને બધાએ માછલીની વાત સ્વીકારી લીધી!