Get The App

જંગલનો રાજા કોણ? .

Updated: Jun 11th, 2021

GS TEAM


Google News
Google News
જંગલનો રાજા કોણ?                        . 1 - image


- વાઘના મનમાં એક વાત ઘોળાતી હતી કે પોતે પણ ખૂબ બળવાન છે, બુધ્ધિશાળી છે. જંગલરાજનું સંચાલન કરવામાં સમર્થ છે. તો પોતે કેમ રાજા ના બની શકે?

- સિંહે કહ્યું, ''જ્યારે દુશ્મન હુમલો કરે, ત્યારે અહીંતહીં સંતાઈ જવાને બદલે હાથમાં હાથ રાખી તેનો સામનો કરવો જોઈએ, તો જ તમે લડાઈ જીતી શકો''

ગુ જરાતનું ગિરનાર જંગલ. સિંહના નિવાસસ્થાન તરીકે પ્રસિદ્ધ એવા ગિરના જંગલની આ વાત. આ જંગલમાં જાતજાતના નાના મોટા અનેક પ્રાણીઓ રહે. આ જંગલનો રાજા સિંહ, તેનું નામ સુજાનસિંહ. સુજાનસિંહ સ્વભાવથી કડક, પરંતુ દિલથી સાલસ અને પ્રેમાળ હતો.

આજે જંગલમાં વહીવટીલક્ષી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપડી અને હરણીએ સભામંડપ વાળીને સાફ કરી નાંખ્યો. વરૂ અને રીંછે સભાજનોને બેસવા માટે પાથરણા પાથરી દીધા. બધા પ્રાણીઓ માટે ભોજન બનાવવાનું કામ વાઘણ અને રીંછણને સોંપવામાં આવ્યું. હાથણીએ પીવાના પાણીના માટલાં ભરીને ગોઠવી દીધા.

બરાબર દસ વાગે જંગલના રાજા સુજાનસિંહ પધાર્યા, બધા પ્રાણીઓએ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું, પછી સુજાનસિંહે બધાને બેસી જવાનો આદેશ કર્યો. સૌ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. જંગલનો મંત્રી ચિત્તો ઉભો થયો અને તેણે આજની કાર્યવાહીની માહિતી રજુ કરી. રાજા સુજાનસિંહે ઉભા થઈને કહ્યું, ''મારા વ્હાલા સ્વજનો અને મિત્રો આપણા જંગલનો વિસ્તાર હવે ખૂબ વધી ગયો છે. વળી વસ્તી પણ વધી છે. જંગલમાં બધો વહીવટ વ્યવસ્થિત ચાલે તે માટે આપણે મંત્રી મંડળની રચના કરવાની છે. આપણે ગૃહખાતુ, નાણાખાતુ, સ્વાસ્થ્ય વિભાગ, વિદેશ ખાતું વગેરે વિભાગો માટે મંત્રીઓ નિમવાના છે. આ મંત્રીઓને મદદ કરવા માટે અધિકારીઓ અને સલાહકારો રાખીશું. જેથી જંગલના વહીવટમાં સરળતા રહે. દરેક ખાતું કેવી રીતે કામ કરે છે અને કેટલી પ્રગતિ થઈ છે તથા પ્રજાની શું ફરિયાદ છે, તે જાણવા માટે દર માસની દશમી તારીખે સભાનું આયોજન કરવામાં આવશે.''

સુજાનસિંહની વાતને બધા પ્રાણીઓએ વધાવી લીધી. લાંબી ચર્ચા વિચારણા બાદ વાઘને ગૃહખાતું, દિપડાને સંરક્ષણ ખાતું, જીરાફને નાણા ખાતું, વરૂને કૃષિખાતુ અને હરણને વિદેશખાતુ સોંપવામાં આવ્યું. સાથે સાથે સલાહકારો અને અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી. સુજાનસિંહની આ રાજનીતિથી બધા પ્રાણીઓ ખુશ ખુશ થઈ ગયા અને રાજાના ભરપૂર વખાણ કરવા લાગ્યા. પરંતુ વાઘના મનમાં એક વાત ખટકતી હતી અને તે હતી સિંહરાજને મળતું સન્માન. વાઘના મનમાં એક વાત ઘોળાતી હતી કે પોતે પણ ખૂબ બળવાન છે, બુધ્ધિશાળી છે. જંગલરાજનું સંચાલન કરવામાં સમર્થ છે. તો પોતે કેમ રાજા ના બની શકે?

વાઘે મનમાં એક યોજના ઘડી. તેણે કાચા કાનના વરૂ અને લાલચુ શિયાળને લાલચ આપી પોતાની સાથે જોડી દીધા. વાઘે શિયાળને મંત્રી, વરૂને ખજાનચી બનાવવાનો વાયદો કર્યો. બીજા કેટલાંક પ્રાણીઓને વાઘે સત્તા, પદ અને ધન આપી પોતાની યોજનામાં સામેલ કરી દીધા.

વહીવટી ખાતાની વહેંચણી બાદ આજે ફરીથી સભા મળી હતી. સુજાનસિંહે બધા ખાતાના કાર્યની માહિતી માંગી. દરેક ખાતાના મંત્રી ઉભા થઈને બધી વિગત સુજાનસિંહને આપવા લાગ્યા. જ્યાં જ્યાં જરૂરત હતી, ત્યાં સુજાનસિંહ અમુક ઉપયોગી સૂચનો આપતા ગયા. સાથે સાથે જંગલની પ્રજાના પ્રશ્નો પણ સાંભળ્યા. સંતોષકારક કામ થઈ રહ્યું છે તે જાણી રાજા અને સભાજનો ખુશ થયા.

એટલામાં એક ખૂણામાં વાઘ અને બીજા પ્રાણીઓમાં ગણગણાટ શરૂ થયો. બધા સભાજનોનું ધ્યાન તે તરફ દોરવાયું. સિંહે ઉભા થઈને વાઘને પૂછ્યું, ''શું થયું છે? કોઈ સંકટ....'' વાઘ જવાબ આપે તે પહેલાં વરૂએ ઉભા થઈને કહ્યું, ''નામદાર, ઘણાં વખતથી વનમાં ચૂંટણીનું આયોજન થયું નથી... વળી ઘણા વખતથી આપ વહીવટ સંભાળો છો પરંતુ હવે અમે નવા રાજા ઈચ્છીએ છીએ. આપ નિવૃત્ત થઈ આરામ કરો... અને... અને વાઘને રાજા... બનાવો.''

વરૂનો પ્રસ્તાવ સાંભળી આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. સુજાનસિંહ જેવા ઉત્તમ, હોંશિયાર અને પ્રેમાળ રાજાને હટાવવાની માંગણીથી બધા ચોંકી ગયા.

સુજાનસિંહ આખી વાત પામી ગયા. તેમને વાઘનો ઈરાદો સમજાઈ ગયો. તે ઉભા થયા અને બોલ્યા, ''આપણાં લોકશાહી રાજમાં બધાને પોતાનું મંતવ્ય રજુ કરવાની છૂટ છે. સમય આવે જો વાઘ પોતાની યોગ્યતા સાબિત કરી દેશે, ત્યારે હું સ્વયં નિવૃત્તિ સ્વીકારી લઈશ અને નિશ્ચિંત થઈને રાજગાદી તેને સોંપી દઈશ.'' બધા સભાજનોએ ભારે હૃદયે સિંહની વાત માન્ય રાખી અને વિખરાયા.

સમય વહેતો ગયો. એકવાર સિંહરાજ મંત્રી સાથે બેસીને બધા હિસાબકિતાબ તપાસી રહ્યા હતા. જંગલના બધા પ્રાણીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. વાઘ મોટામોટા બણગા મારતો ફરી રહ્યો હતો અને તેના સાથીદારો વાઘની વાતમાં સૂર પુરાવી રહ્યા હતા. શિયાળ, વરૂ અને બીજા બેચાર પ્રાણીઓ વાઘની ખુશામત કરતા હતા.

એટલામાં થોડે દૂરથી એક મોટો અવાજ સંભળાયો, બધા પ્રાણીઓની નજર તે તરફ મંડાઈ, જોયું તો એક હાથી ચિંઘાડ કરતો, બીજા પ્રાણીઓની સાથે તેમની તરફ આવતો જોયો. વાઘ અને તેના સાથીદારોએ પણ તે તરફ નજર નાંખી, ''અરે, આ તો બાજુના જંગલનો હાથી સૈન્ય લઈને આપણી તરફ આવતો જણાય છે...'' વરૂ બોલ્યો. આ સાંભળતા જ નાના પ્રાણીઓ બીકના માર્યા, ચિચિયારી કરતાં ભાગ્યા. વાઘે તરત જ શિયાળનો અને વરૂનો હાથ પકડી લીધો. ત્યારે શિયાળ બોલ્યો, ''અમારા ભવિષ્યના રાજા, આ સમય છે તમારી યોગ્યતા સાબિત કરવાનો, માટે તૈયાર થઈ જાવ.''

''તૈયાર છું.. તૈયાર છું... આ હાથીને તો ઘડીકમાં મસળી નાંખીશ. તમે મારી તાકાત જાણતા નથી...'' વાઘ બોલ્યો. વાઘની વાત પૂરી થાય તે પહેલાં હાથી ગાંડોતૂર થઈને ઝડપથી તેમની તરફ આવવા લાગ્યો. વાઘ, શિયાળ અને વરુએ પાછા પગલાં ભરવા માંડયા, થોડો ગભરાટ ફેલાયો. નાના નાના પ્રાણીઓના બચ્ચાં બોલ્યા, ''વાઘદાદા... વાઘદાદા... જાવ પેલા હાથીને મારો. અમને બીક લાગે છે...'' વાઘ બચ્ચાઓને ઉપાડીને બોડ તરફ ભાગ્યો. વરૂ, શિયાળ અને બીજા પ્રાણીઓ પણ બચ્ચાં સાથે વાઘની પાછળ ભાગ્યા. બધા વાઘની સાથે બોડમાં પેસી ગયા. બધાને જોઈને વાઘ બોલ્યો, ''હું તો બચ્ચાઓને બચાવવા અહીં આવ્યો છું... બાકી... હું કાંઈ બીતો નથી. મારે તમને બધાને બચાવવા છે. બધા બોડમાં બેસી જાવ, હું બોડનું દ્વાર બંધ કરી દઉં છું.'' આટલું બોલીને વાઘે દ્વાર બંધ કરી દીધું.

બીજી બાજુ જ્યારે સિંહને ખબર પડી કે બાજુના જંગલમાંથી હાથી અને બીજા પ્રાણીઓ ધસી આવ્યા છે કે તરત જ મંત્રી સાથેનું હિસાબ-કિતાબનું કામ પડતું મૂકી બહાર દોડયો. સામેથી તોફાન કરતા હાથીને આવતો જોઈ સિંહ ગુસ્સે ભરાયો, અને મોટી છલાંગો મારતો હાથી પર ચડી ગયો, અને લાંબા દાંત વડે હાથીની ડોક પર ઘા કરવા લાગ્યો. વેદનાને કારણે હાથી કણસવા લાગ્યો એટલે તેની સાથે આવેલાં પ્રાણીઓ બીકના માર્યા ભાગી ગયા. હાથી એકલો પડી ગયો. સિંહે પોતાનો હુમલો જોરદાર કર્યો. હાથીના શરીર પરના ઘામાંથી લોહી વહેવા માંડયું. સિંહ છલાંગ મારી હાથીની ડોકે લટકી પડયો. બન્ને વચ્ચે મારામારી શરૂ થઈ, હાથી મહામુસીબતે સિંહની ચુંગાલમાંથી ઘાયલ હાલતમાં ત્યાંથી ભાગ્યો.

દુશ્મનો ભાગી ગયા છે. એવું જાણ્યા પછી અહીંતહીં છુપાયેલા બધા પ્રાણીઓ બહાર આવ્યા. સિંહે બધાને પોતાની પાસે બોસાડયા અને તેમનામાં જીવન જીવવાનો વિશ્વાસ જગાડયો. સિંહે તેમને કહ્યું, ''જ્યારે દુશ્મન હુમલો કરે, ત્યારે અહીંતહીં સંતાઈ જવાને બદલે હાથમાં હાથ રાખી તેનો સામનો કરવો જોઈએ, તો જ તમે લડાઈ જીતી શકો. દુશ્મન તો ગમે ત્યારે હુમલો કરે, માટે તમે બધા અત્યારથી જ હિંમત અને એકતા કેળવો.''

થોડીવાર પછી વાઘ પણ સાથી પ્રાણીઓ સાથે ત્યાં આવી પહોંચ્યો, તેનું મસ્તક અને આંખો ઝૂકેલા હતા. શિયાળ અને વરૂ પણ નતમસ્તકે ઉભા રહ્યા. સિંહે તેમના મસ્તક પર હાથ ફેરવ્યો, ત્યારે ત્રણે જણાં સિંહના ચરણોમાં ઝૂકી પડયા. આ જોઈ બટકબોલ શકુ સસલો બોલી ઊઠયો, ''જંગલના રાજાધિરાજ સુજાનસિંહની જય હો... જય હો.'' બધા પ્રાણીઓએ જયકારના નાદથી જંગલ ગજવી મૂક્યું. વાચકો, હવે આપને સમજાઈ ગયું હશે કે જંગલનો રાજા કોણ? ...જે પ્રજાને પોતાના સંતાનો ગણીને સુખ માટે અવિરત પ્રયત્ન કરે તે જ પ્રજાના હૃદયસિંહાસને બિરાજે છે.

- ભારતી પી. શાહ

Tags :