Get The App

ધોળિયો ઉંદર .

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ધોળિયો ઉંદર                                         . 1 - image

- ભરત પાઠક 'નયન'

એક મોટો ડુંગર. તેનેખોદીને રસ્તો બનાવ્યો. એ ડુંગરમાંથી માટી નીકળી, પથ્થર નીકળ્યા. અંદરથી મોટા મોટા ઉંદર નીકળ્યા. ઉંદરડા તો ધોળા-ધોળા, મોટી મોટી પાલી જેવડા. 

એક મોટો ઉંદર. તે બધાનો વડો. વ્હાઈટ-વ્હાઈટ તેનુ નામ 'રણબંકો'. આ રણબંકાની ઉંદરડી રાણી. એ પણ કઈ જેવી તેવી નહીં હો. મોટા સસલા જેવી રૂપાળી રૂપાળી. એને વળી સાત-સાત બચ્ચા. આ બચ્ચા એક જગ્યાએ બેસે જ નહી. ધમાચકડી મચાવે. 'ચુ... ચા... ચુ... ચા...' કર્યા જ કરે અને વારે ઘડીએ ભૂખ્યા થાય. 

આ ડુંગરની બાજુમાં ખેતર. સાંજ પડે એટલે સંતાતા-લપાતા ઉપડે બધા ખેતરમાં. મકાઈ, જુવાર, બાજરો, શેરડી, ગાજર જે મન પડે તે ખાય. ખાય થોડું અને બગાડે ઝાઝું. ખાય, ખાય ને શરીર રાખે તાજું. પછી પાછા ડુંગરમાં આવીને સંતાય જાય, પરંતુ હવે તો ડુંગર જ ન રહ્યો. એટલે બધા ઉપડયા બાજુના ગામમાં. 

ચાલી ચાલીને થાકી ગયા. પછી બધાને લાગી ભૂખ. માણસ હોય કે પશુ, ચાલે તો પચે... અને પચી જાય તો પાછી ભૂખ લાગે. એવુ જ થયું. ઉંદરડી ભૂખી. એનાં બચ્ચા ભૂખ્યાં. ઉંદરડી રાણી બોલી, 'ઓ... મારા રણબંકા, તમે ગામમાં જાવ અને કોઈના ઘરે જઈને મકાઈનો કોથળો ખેંચતા આવો.'

ઉંદરડો તો ઉપડયો ગામમાં. જતા જતા બોલ્યો, 'ઓ.કે. આઈ એમ ગોઈંગ.' 

ગામ વચ્ચે આ રણબંકો બે પગે ચાલે. સૌ એનાથી આઘા ભાગે. મોટી મોટી મૂછો ફરકાવે. પૂછડી ઊંચી-નીચી કરતો વટથી ચાલે. ચાલતો ચાલતો એ તો ગયો રંજનબેનના ઘરે. રંજનબેન રોટલી બનાવે. રોટલીમાં ઘી ચોપડતા જાય. રણબંકો ફ્રીજની પાછળ સંતાઈને જુવે. વળી પાછો છૂપાઈ જાય. વળી પાછો બે પગે ઊંચો થઈને જુએ. જો આ રંજનબેન, સહેજ આઘાપાછાં થાય તો રોટલીઓ લઈને ભાગું! અને લાગ મળતાં જ આ ધોળીયો ઉંદરડો રોટલીનું આખું ગરવું ઉપાડીને ભાગ્યો. 

રંજનબેને આવીને જોયું તો, રોટલીનું ગરવુ ના મળે. 'આ બધી રોટલીઓ ગઈ ક્યાં? મારી ઘીવાળી રોટલીઓ હજુ તો હમણાં અહીં જ હતી. આ ક્યાં ગયું રોટલીઓનું ગરવું?'

એ તો આડુંઅવળું શોધતા શોધતા વરંડામાં ગયા. ત્યાં જઈને જુએ તો- 

મોટો ધોળીયો ઉંદર બે પગે ઊભો ઊભો રોટલીઓ ખાતો હતો! રંજનબેને તો ખીજાઈન ેવેલણનો ઘા કર્યો. રણબંકો તો ઉછળીને આઘો ખસી ગયો. પછી રંજનબેનને કહેવા લાગ્યો, 'સોરી મેડમ, આઈ એમ વેરી સોરી, માય ફેમિલી ઈઝ હંગ્રી...'

ઉંદરડો તો ઈંગ્લિશમાં બોલે. તે સાંભળી રંજનબેનને નવાઈ લાગી. 'ઘોળીયા... ઈંગ્લિશ મેંં નહીં, હિન્દી મેં વાત કરો.' 

આ રણબંકો-ધોળીયો તો મુંબઈમાં મોટો થયેલો, જુદાં જુદાં સ્ટેશનો અને ટ્રેઈનમાં ફરેલો. ત્યાંથી અચાનક ડુંગરમાં આવી ચડેલો. તેને તો ઈંગ્લિશ આવડે, હિન્દી આવડે અને મરાઠી પણ આવડે. રોટલીઓનો થપ્પો હાથમાં લેતો એ બોલ્યો, 'મેડમ, મેરી બીબી ઔર બચ્ચે ભૂખે ેહૈ, ઈસ લિયે મૈંને યે સબ રોટીયાં ચુરાઈ હૈ. મુઝે માફ કરના.' 

આ સાંભળી રંજનબેનને દયા આવી. એને થયું, આવડો મોટો ધોળો ઉંદર તો આજે જ જોયો. આ તો ગણપતિનુ વાહન કહેવાય. થોડીવાર પછી ઉંદર 'બાય...બાય...બાય...બાય...' કરતો ભાગી ગયો. 

આ ઘીવાળી રોટલીઓ બધી ઉંદરડીઓને બહુ ભાવી. એ પછી સહુએ આ ગામમાં જ ઘામા નાખ્યા. પછી તો ઘરે ઘરે જઈને ઉંદર-ઉંદરડીઓએ રસોડામાં તોફાન મચાવ્યું. રોટલીઓ ખેંચી ખેંચીને ભાગે. બધી બહેનો વેલણ પછાડે, પરંતુ આ ઉંદર કંઈ બીવે એવા નહીં. આ તો ડુંગરના ઉંદર. એક ઘરેથી દર બનાવીને બીજે ઘરે નીકળે.

લોકો તેને 'ઘૂસ' તરીકે ઓળખે. આખું ગામ ઉંદર પકડવાના પિજરાં લઇ આવ્યું. તેમાં પકડાઈ ગયેલા ઉદરડા પાદરમાંથી પાછા આવ્યા. એમણે એકબીજાના કાનમાં આ માણસજાતની યુક્તિની વાત કરી દીધી. પછીથી તો પિજરામાં કોઈ પકડાય જ નહીં. આજે પણ ઘરે ઘરે મોટા મોટા ઉદર અને નાની-મોટી ઉંદરડીઓ જોવાની બાળકોને મજા પડે છે. અને એને જોઈજોઇને બાળકો ઉંદરડીઓનાં ચિત્રો દોરે છે. પરંતુ પેલી રસોઈ કરતી બહેનો તો આ  ગણપતિના વાહન ઉપર વેલણના ઘા કરે છે... અને રસોઈ કરીને પછી દૂધ, ઘી, રોટલી બધું નાના જાળીવાળા કબાટ જેવા પિજરામાં મૂકી દે છે.