- અમદાવાદ-વડોદરા પછી સુરત અને રાજકોટમાં યોજાઇ ગયેલી લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬માં કુલ ૪૫ શાળાઓનાં ટોટલ ૧૩૦ બાળકોએ ભાગ લીધો. ઓન-ધ-સ્પોટ અપાયેલા વિષયના આધારે આ બાળકલાકારોએ એવાં અફલાતૂન ડ્રોઇંગ્સ બનાવ્યાં કે નિર્ણાયકો સામે મોટો પડકાર ઊભો થઈ ગયો!
ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી અમદાવાદ અને વડોદરામાં યોજાઈ ગયેલી યાદગાર લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬ની. આ સ્પર્ધાનો સિલસિલો આ બે શહેરો પૂરતો સીમિત નહોતો રહ્યો. 'ગુજરાત સમાચાર' અને 'જિંગલ જિંગલ ઝગમગ'એ એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ - મિશન માર્સના સહયોગથી સુરત અને રાજકોટમાં પણ ચિત્રકામની સ્પર્ધાનું સફળ આયોજન કર્યું હતું - સુરતમાં ૨૮ ફેબુ્રઆરીએ અને રાજકોટમાં ૮ માર્ચે.
શાનદાર સુરતની વાત કરીએ તો ૨૭ સ્કૂલોમાંથી કુલ ૭૦ બાળચિત્રકારોએ મેગા ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતોે. બીજી બાજુ, રંગીલા રાજકોટની ૧૮ સ્કૂલોમાંથી કુલ ૬૦ બાળચિત્રકારો સ્પર્ધામાં ઉતર્યા હતા. આનો અર્થ એ થયો કે આ બન્ને શહેરોની ૪૫ શાળાઓમાંથી ટોટલ ૧૩૦ બાળકો હોંશે હોંશે મેગા ડ્રોઇંગ કોમ્પિટીશનના પ્રતિભાગી બન્યાં હતાં.
સુરતમાં સ્પર્ધાનું સ્થળ જે એવું હતું કે બાળકોમાં રહેલો કલાકાર જીવ આપોઆપ જાગ્રત થઈ જાય. તે સ્થળ હતું, સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી. રાજકોટમાં મેગા ડ્રોઇંગ કોમ્પિટીશને આકાર લીધો બાલભવન ખાતે. અન્ય શહેરોની માફક સુરત-રાજકોટમાં પણ સ્પર્ધર્કોનું વયજૂથ ખાસ્સું વિસ્તૃત હતું. પહેલા ધોરણમાં ભણતાં નાનકડાં ભુલકાંથી માંડીને બારમા ધોરણમાં અભ્યાસ કરતા તેજતર્રાર ટીનેજર્સ - આ સૌ પોતપોતાની ડ્રોઈંગ કિટ લઈને ઉત્સાહપૂર્વક પહોંચી ગયાં હતાં. અરે, સુરતમાં તો શહેરથી ઘણે દૂર ગ્રામ્ય શાળાઓમાં અભ્યાસ કરતાં કેટલાંક બાળસ્પર્ધકો પણ પોતાના ટીચર અને સ્કૂલના ટ્રસ્ટીના સંગાથે લાંબી મુસાફરી કરીને સમયસર સ્થળ પર હાજર થઈ ગયાં હતાં.
સુરત અને રાજકોટમાં પણ સ્પર્ધકોને ત્રણ કેેટેગરીમાં વિભાજિત કરી નાખવામાં આવ્યા હતાઃ
ગુ્રપ 'એ' : ધોરણ ૧થી ૪
ગુ્રપ 'બી' : ધોરણ ૫થી ૮
ગુ્રપ 'સી' : ધોરણ ૯થી ૧૨
સસ્પેન્સ અથવા સરપ્રાઇઝનું તત્ત્વ અહીં પણ મોજૂદ હતું. લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લેવા આવેલા સ્પર્ધકોને વિષય આગોતરો આપવામાં આવ્યો ન હતો. સ્થળ પર પોતાની જગ્યા સંભાળી લીધી ત્યાં સુધી તેમને જાણકારી નહોતી કે એમણે ક્યા વિષય પર ચિત્ર બનાવવાનું છે! સ્પર્ધા શરૂ થઈ તેના થોડી મિનિટો પહેલાં જ વિષયો જાહેર કરવામાં આવ્યા. આ રહ્યા તે વિષયોઃ
ગુ્રપ 'એ' : નેચર (પ્રકૃતિ)
ગુ્રપ 'બી' : માય ફેવરિટ ફેસ્ટિવલ (મારો પ્રિય તહેવાર)
ગુ્રપ 'સી : આઇ લવ સુરત / રાજકોટ (હું સુરતને ચાહું છું / હું રાજકોટને ચાહું છું)
સૌને ઓન-ધ-સ્પોટ વિષય મળ્યો હતો, જેના પરથી સૌએ પોતપોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિને કામે લગાડીને બને એટલું સુંદર ચિત્ર તૈયાર કરવાનું હતું. આ જ ખરો પડકાર હતો. જો વિષય આગોતરો મળી જાય તો દેખીતું છે કે સ્પર્ધકો પૂર્વતૈયારી કરીને આવે, પણ અહીં તો થોડી મિનિટો પહેલાં જ થીમ મળી હતી એટલે બાલકલાકારો કેટલા સ્પોન્ટેનિયસ છે તેની કસોટી પણ થઈ જવાની હતી.
સ્પર્ધકોને તમામ પ્રકારના રંગો વાપરવાની છૂટ હતી - પેન્સિલ કલર, વોટર કલર, વેક્સ કલર, સ્કેચ પેન કે આ બધાનું કોમ્બિનેશન. સમય અવધિ હતી એક કલાક. આટલા મર્યાદિત સમયમાં બાળકલાકારોએ આકૃતિઓ અને રંગોની એવી અદભુત સૃષ્ટિ ખડી દીધી કે નિર્ણાયકો પણ દંગ થઈ ગયા. તેમના માટે વિજેતાઓ નક્કી કરવાનું કામ ખરેખર મુશ્કેલ બની ગયું હતું.
આવો, નિર્ણાયકોનો ઝડપી પરિચય કરી લઈએ. સુરતના જજ હતા ડિઝાઇનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ, શિવ પટેલ. રાજકોટમાં વિજેતાની પસંદગી વરિષ્ઠ ચિત્રશિક્ષક અને રાજકોટ જિલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ એવા વિજય ગોસાઈએ કરી.
ડ્રોઇંગ પેપર્સ પર જે દ્રશ્યાવલિઓ ઉપસી હતી તે સાચ્ચે જ કાબિલ-એ-તારીફ હતી. ક્યાંક ખળખળ વહેતી નદી, તેમાં નૌકાવિહાર કરી રહેલો માણસ, ધોધ, વૃક્ષો અને પથ્થરો છે, તો કોઈ ચિત્રમાં નયનરમ્ય ગામના પાદરમાં માથે મટકી લઈને જતી પનિહારીઓ છે. સુરત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા એક ચિત્રમાં એક બાજુ ખમણ-ઢોકળા અને ફાફડા-જલેબીની ડિશ દેખાય છે, તો બીજી બાજુ ડુમસનો દરિયાકિનારો દ્રષ્ટિગોચર થાય છે. એ જ ચિત્રમાં દિવાળી-નવરાત્રિ અને ગણેશોત્સવની પ્રતીકાત્મક રજૂઆત પણ છે! બીજા એક ચિત્રમાં ડાંડિયારાસ રમતા લોકકલાકારોની સાથે એક અવકાશયાત્રી પણ દેખાય છે. રાજકોટના એક બાળકલાકારે પોતાની કૃતિમાં ગર્વપૂર્વક 'આઇ લવ યુ, રાજકોટ' ઘોષણા કરીને તેમાં મસ્તમજાની વંદેભારત ટ્રેન દેખાડી છે. ક્યાંક હોળી તો ક્યાંક નવરાત્રિ ઉજવાઈ રહી છે. એક બાળકલાકારે સૂર્યને દેખાડયા વગર સનસેટ (અથવા સનરાઇઝ)ની આબાદ અસર ઊભી કરી છે. આ ચિત્રમાં બોલ્ડ રંગોની પસંદગી જોઈને 'વાહ!' ઉદ્ગાર નીકળ્યા વગર ન રહે.
નિર્ણાયકો પોતાનું કામ પૂરું કરે તે દરમિયાન એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ-મિશન માર્સના પ્રતિનિધિઓએ બાળકો અને વાલીઓ સમક્ષ સુંદર પ્રેઝન્ટેશન આપ્યું. પિગી બેન્કમાં પૈસા તો જમા કર્યા, પણ પછી આગળ શું કરવાનું? આયોજનપૂર્વક બચત તથા રોકાણ શી રીતે થઈ શકે? આપણે મ્યુચ્યુઅલ ફન્ડના માધ્યમ થકી ક્યા ક્યા સેક્ટરોમાં પૈસા ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ? આ તમામ વાતો બાળકલાકારોને રસાળ શૈલીમાં સમજાવવામાં આવી. નાની ઉંમરે બાળકોને ફાયનાન્શિયલ લિટરસી મળી એટલે વાલીઓ પણ ખૂબ રાજી થયા.
હવે આવ્યો વિજેતાઓની ઘોષણાનો સમય. એક પછી એક તમામ વિજેતાઓનાં નામ અનાઉન્સ થતાં ગયાં અને તાળીઓના વરસાદ વરસતો ગયો. રાજકોટમાં તો એક બાળકલાકારને નિર્ણાયકે સ્પેશિયલ પ્રાઇઝ પણ આપ્યું. (તમામ વિજેતાઓનાં નામ, વિગતો અને એમણે તૈયાર કરેલાં ચિત્રોની ઝલક નીચે આપવામાં આવી છે.) દરેક વિજેતાને ટ્રોફી ઉપરાંત અમારા સ્ટેશનરી પાર્ટનર DOMSના સૌજન્યથી સરસ મજાની પેઇન્ટિંગ કિટ ભેટમાં આપવામાં આવી.
લિટલ આર્ટિસ્ટ્સ ફેસ્ટ - મેગા ડ્રોઇંગ કોમ્પિટીશન ૨૦૨૬માં ભાગ લેવા બાળકલાકારો જે થનગનાટ સાથે પધાર્યા હતાં, એટલા જ ઉત્સાહ સાથે તેમણે વિદાય લીધી, કેમ કે આજે તેમને કશુંક નવું કરવાનો, નવું શીખવાનો ભરપૂર સંતોષ મળ્યો હતો.
કલા અને ક્રિયેટિવિટી માટે આત્મસંતોષ કરતાં વધારે મોટું ઇનામ બીજું કયું હોઈ શકે!


