- 'આહાહા... આહાહા... હું કેટલો મોટો! હું કેટલો ઊંચો ઉડયો! મારા જેવું કોઈ ઉડી ના શકે. પેલા બિચારા ફુગ્ગાઓ કેવા બંધનમાં છે... જયારે હું કેવો મુકત બનીને પંખીની જેમ, પતંગની જેમ અને વિમાનની જેમ ઉડું છું...'
- ભરત પંચોલી
એક હતો ફુગ્ગો. નામ તેનું લલ્લુ. લલ્લુ ફુગ્ગો. તેને પોતાના રૂપનું બહુ અભિમાન હતું. આ લલ્લુ ફુગ્ગો સફેદ હતો જયારે બીજા ફુગ્ગાઓમાં કોઈ લાલ, કોઈ પીળો, વાદળી, લીલો કે નારંગી કે કાળો ફુગ્ગો હતો.
પોતે ધોળા રંગનો હતો, જયારે બીજા જુદા હતા. છોકરાઓ ફુગ્ગાને ફૂંક મારીને ફૂલાવે અને દોરી વડે બાંધીને હાથમાં પકડી રાખે. એટલે પવનથી ફુગ્ગા અધ્ધર જાય, પણ બહુ ઊડી શકે નહીં. ફુગ્ગાભાઈ તો હવા ભરવાથી ફૂલીને ગોળમટોળ થઈ ગયા. આથી તેને વધુ આનંદ થયો. તે વિચારે કે મારા જેવો સુંદર કોઈ ફુગ્ગો છે જ નહીં!
બધાં બાળકો ફૂલેલા ફુગ્ગાને વહાલ કરે. તેના પર હાથ ફેરવે અને જાતજાતના અવાજો ફુગ્ગા કરે. છોકરાઓને આ અવાજ સાંભળવાની મઝા પડે, પણ જેવા સફેદ ફુગ્ગાને છોકરાઓ અડવા જાય તો ફુગ્ગો કહે, 'તમે મને અડશો નહીં. તમારા ગંદા હાથ મારા ગોળ શરીર પર પડે તો હું કેવો ગંદો લાગુ. હું ચોખ્ખો અને સ્વચ્છ છું.' આમ, તે બાળકોને અડવા દે નહીં. બાળકોને પણ એમ થાય આવા અભિમાની ફુગ્ગાથી દૂર રહેવું. આથી કોઈ તેની પાસે જતા સો વાર વિચાર કરે. બાળકો બાકીના ફુગ્ગાને પકડે. હવામાં ઊછાળે. દોરી હાથમાં હોય એટલે ફુગ્ગાની દૂર જવાની ચિંતા રહે નહી. બાળકો રમે અને મઝા કરે. બધા ફુગ્ગાને બાળકો સાથે રમવાની મઝા આવે.
પણ લલ્લુ ફુગ્ગાને બંધનમાં રહેવું ગમે નહીં. તે વિચારે કે ક્યારે હું આ બંધનમાંથી છૂટું અને આકાશે ઊડું. મારે તો વિમાનની જેમ આકાશમાં ઊડવું છે. પતંગની જેમ ઉડવું છે અને પંખીની જેમ ઉડવું છે.
ત્યાં લલ્લુ ફુગ્ગાએ વિમાનને ઊડતું દેખ્યું. લાવને હું પણ ઊડું. પણ તેને દોરી વડે છોકરાએ પકડી રાખ્યો હતો. આથી તે બરાબર ઊડી શકે નહીં.
ત્યાં તેણે એક કપાયેલો પતંગ આકાશમાં ઊડતો જોયો. તેની દોરી કપાયેલી હતી. તે ગુલાંટીયા ખાતું ઊડી રહ્યો હતો. ફુગ્ગાને થયું, 'જોને, પતંગ આકાશમાં કેવો ડિસ્કો ડાન્સ કરતો ઊડી રહ્યો છે. હું પણ ઉડું અને પતંગની જેમ ડિસ્કો ડાન્સ કરતો કરતો આકાશમાં જાઉં.' આમ વિચારીને લલ્લુ ફુગ્ગાએ ઊડવા પ્રયત્ન કર્યો, પણ દોરીથી તે બંધાયેલો હતો. આથી તે બહુ ઊંચે જઈ શકે નહીં.
લલ્લુ ફુગ્ગાએ એક યુકિત કરી. એણે મોન્ટુ નામના છોકરાને કહ્યું, 'એય મોન્ટુ, તું મને દોરીથી મુક્ત કરીશ તો હું તને પાછો આવીશ ત્યારે તને આઇસ્ક્રીમ ખવડાવીશ...' મોન્ટુ આઇસક્રીમની લાલચમાં અને વિચારોમાં જ હોવાથી તેના હાથમાંથી દોરી છૂટી ગઈ.
લલ્લુ ફુગ્ગો તો આકાશ તરફ જવા લાગ્યો. તેને આકાશમાં ઉડવાની મઝા પડી ગઈ. થોડીવારમાં તો તેના બીજા ફુગ્ગાઓ દેખાતા બંધ થઈ ગયા. હવે ઝાડ પણ નાનાં નાનાં લાગવા લાગ્યાં. નદી, તળાવ, ઘરો, પહાડો પણ નાનાં નાનાં લાગવા લાગ્યા. થોડી વાર પછી તો તે દેખાતા પણ બંધ થઈ ગયા.
લલ્લુ ફુગ્ગો તો આકાશમાં ઊડી રહ્યો હતો. તેણે એરોપ્લેન સાથે હરીફાઇ કરવાનું વિચાર્યું. હવે તો પક્ષીઓ પણ પાછળ રહી ગયાં હતાં. આકાશમાં એકલો લલ્લુ ફુગ્ગો જ રહ્યો. તે ફુલાવા લાગ્યો. 'આહાહા... આહાહા... હું કેટલો મોટો! હું કેટલો ઊંચો ઉડયો! મારા જેવું કોઈ ઉડી ના શકે. પેલા બિચારા ફુગ્ગાઓ કેવા બંધનમાં છે... જયારે હું કેવો મુકત બની ને પંખીની જેમ, પતંગની જેમ અને વિમાનની જેમ ઉડું છું...'
ફુગ્ગાભાઈને અભિમાન થઈ ગયું. તે જોર જોરથી હસવા લાગ્યો. મોં ફૂલાવીને ઉડવા લાગ્યો. ખૂબ ઊંચે ગયા પછી તેને નીચેનું બધું જ દેખાતું બંધ થઈ ગયું. ન ઝાડ, ન ઘર, નદી કે તળાવ, કશુંય દેખાતું ન હતું. તે હવે ગભરાઇ ગયો હતો. હવે હું અધ્ધર કયાં જઈશ? ક્યાં રોકાઇશ? કયાંક અથડાઇ જઈશ તો મારું શું થશે ?
ફુગ્ગો ખરેખર ગભરાઇ ગયો હતો. છતાંય બહાદૂર હોવાનો ડોળ કરવા લાગ્યો. 'મને કંઇ નહીં થાય. બસ, હું ઉડે રાખું ઉડે રાખું...' તે અભિમાનમાં ને અભિમાનમાં એટલું ફૂલાયો કે ફટાક્ દઇને ફૂટી ગયો. થોડી વારમાં તે ધરતી પર તેના બીજા ફુગ્ગા મિત્રો અને બાળકો હતાં તેમની પાસે જ આવી પડયો. બધાએ ફુગ્ગાના હાલ જોયા. ઓહ, લલ્લુ ફુગ્ગો તો ફૂટી ગયો. પોતાનો મિત્ર ગુમાવ્યાનું એમને દુઃખ થયું. મોન્ટુએ કહ્યું ઃ
'જે બહુ ફુલાય, તે ભમ્મ દૈ ને ફૂટે
અભિમાન ક્યારે કરવું નહીં.
દોસ્તોથી અલગ થવું નહીં.
જે બહુ ફૂલાય, ફુગ્ગા જેવા થાય હાલ.'
મોન્ટુને મિત્ર ગુમાવ્યાનો અફસોસ થયો. બીજા ફુગ્ગાઓ પણ દુખી થયા. તેઓ બોલ્યા, ' જે ફૂલાય તે ફૂટે, ભમ્મ દઇને ફૂટે...'


