સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી શું શીખવું જોઈએ?
- 'આપણે પણ સરદાર જેવા નીડર અને હિંમતવાળા બનવું જોઈએ...' 'ક્યારેય અન્યાય સહન કરવાનો નહીં.' 'દેશ માટેનો પ્રેમ, ધ્યેય અને કર્તવ્ય લોખંડ જેવાં મજબૂત હોવા જોઈએ.'
- ભારતી પી. શાહ
વિ નય વિદ્યાલયના મુખ્ય આચાર્ય બિપિનભાઈ પરીખ સાહેબે નોટિસબોર્ડ ઉપર નોટિસ મૂકાવી કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લઈ જવામાં આવશે. આ પર્યટનમાં આવનાર વિદ્યાર્થીઓએ પોતાનાં નામ વર્ગશિક્ષક પાસે નોંધાવી દે. શાળાના મુખ્ય આચાર્ય પરીખ સાહેબે આ અંગે શિક્ષકગણને જરૂરી સૂચનાઓ પણ આપી દીધી.
'પર્યટન પર જવાની વાતથી બાળકો ખૂબ ખુશ થઈ ગયાં છે,' કુમારસરે કહ્યું.
'સાવ સાચી વાત છે. મારી પાસે તો વિદ્યાર્થીઓનાં નામ પણ આવવા શરૂ થઈ ગયાં છે,' નયનેશસર બોલ્યા.
'આજથી જ બધી તૈયારી શરૂ કરી દો.'
દિગેશસરે કહ્યું, 'હું અને ગોપાલસર બસની વ્યવસ્થામાં લાગી જવાના છીએ. ગોપાલસરે તો જનતા ટ્રાવેલ્સ સાથે વાતચીત શરૂ કરી દીધી છે,' ધર્મેશસર બોલ્યા.
'બાળકોના ભોજનની, નાસ્તાપાણીની બધી જવાબદારી કાજલટીચર, દીપિકાટીચર અને યોગીટીચરને સોંપવામાં આવી છે,' દર્શનાટીચર બોલ્યા.
શાળાનો શિક્ષકગણ અભ્યાસની સાથે સાથે તેમને સોંપેલી જવાબદારી પણ નિભાવવા લાગ્યો. બાળકોમાં પણ અપૂર્વ ઉત્સાહ છવાઈ ગયો હતો. ઘરે પણ તેઓ પરિવારના સભ્યો સાથે પર્યટનની જ વાત કરતા હતા. એક વાર બાળકો પરસ્પર વાત કરતાં હતાં. 'મને તો સરદાર પટેલ વિષે ખૂબ બધું જાણવું છે,' મનસ્વી બોલી.
'મને પણ... મારે તો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વિષે પણ જાણવું છે,' હીરે કહ્યું.
'તારા દાદા તો ઘણીવાર કહે છે કે તેમણે આઝાદીની લડાઈ જોઈ છે. તેમને બધી ખબર હશે, માટે આપણે તેમને જ પૂછી લઈએ,' અંશુલે મનસ્વીને કહ્યું.
'સાવ સાચી વાત,' ધ્વનિલ અને શિવમ બોલ્યા.
એકવાર ગિનીલાલ દાદા સોસાયટીના કામ અંગે અમુક રહેવાસીઓ સાથે ચર્ચા કરતાં હતા. બાળકો ત્યાં આવી પહોંચ્યા. તેમણે વડીલોને પ્રણામ કર્યા અને ગિનીલાલ દાદાને સરદાર પટેલ વિષે માહિતી આપવાની વિનંતી કરી. ગિનીલાલે બધાને શાંતિથી બેસી જવા કહ્યું. પછી વાત શરૂ કરી, 'બાળકો, આજે હું તમને દેશના લાડીલા નેતા લોખંડી પુરુષ કે જેઓ ભારતના શિલ્પી હતા, તેમના વાત કરીશ.'
'દાદા, દાદા... લોખંડી પુરુષ એટલે શું? શું તેઓ લોખંડના બનેલા?' નાનકડી ત્રિશા બોલી.
દાદા હસી પડયા અને બોલ્યા, 'જે વ્યક્તિનો જીવનનો હેતુ, ધ્યેય, કાર્ય ખૂબ મજબૂત હોય તેના માટે 'લોખંડી' શબ્દ વપરાય છે. સરદાર પટેલનો જન્મ ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ના રોજ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. સરદાર વલ્લભભાઈ બાળપણથી જ નીડર અને હિમતવાન હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ કોઈ અન્યાય સાંખી લેતા નહીં. તેમણે વિચક્ષણ બુદ્ધિ અને હૈયાસૂઝથી 'ડિસ્ટ્રીકટ પ્લીડર' પરીક્ષા પાસ કરી અને બેરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને ૫૦ પાઉન્ડનું ઈનામ મેળવ્યું અને...'
'વાહ... ખૂબ સરસ કહેવાય... ફસ્ટ નંબર...' ઉજ્જવલ તાળી પાડતાં બોલ્યો, 'દાદા, હું પણ વકીલનું જ ભણવાનો છું.'
આર્યન બોલ્યો, 'હું પણ વકીલ જ બનવાનો છું.'
ત્રિશા ઉભી થઈને બોલી, 'અરે, આમ વચ્ચે વચ્ચે ના બોલો.'
દાદાએ વાત આગળ વધારતાં કહ્યું, 'બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા આવ્યા. તેમનો પરિચય ગાંધીબાપુ સાથે થયો. સરદાર વલ્લભભાઈને ખાતરી થઈ ગઈ કે ભારતની પ્રજાને બેઠી કરવાની શક્તિ ગાંધીજીમાં છે, એટલે તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને ઝુકાવી. ત્યારથી તેઓ 'સરદાર'ના હુલામણા નામે ઓળખાયા. દાંડીકૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી, તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાં તેઓ ભગવદ્ગીતા અને રામાયણના પાઠ કરતા હતા.
'ઈ.સ. ૧૯૪૭ માં દેશ આઝાદ થયો. વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં ૫૬૫ દેશી રાજ્યો હતાં. તેઓને ભારતસંઘમાં જોડી દેવાનું અઘરું કામ વલ્લભભાઈએ પ્રેમ, કુશળતા, ઉદારતા અને વ્યવહારદક્ષતાથી પાર પાડયું. તેમણે ભારતીય સંસ્કૃતિનાં પ્રતીક સમાન સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે.'
'દાદા, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ ખૂબ મોટી પ્રતિમા છે, તેના વિષે કહોને!' ઉજ્જવલ બોલ્યો.
'મેં ગયા વર્ષે આ સ્થળની મુલાકાત લીધી હતી. એટલે હું તમને તે વિષે કહીશ,' પરેશ અંકલ બોલ્યા.
'સારું, સારું... તમે અમને કહો,' મૈત્રી બોલી.
''આ પ્રતિમા આપણા દેશની એકતાનું પ્રતીક છે. દેશના પ્રેરણાપુરુષ, દેશના ઘડવૈયા સરદાર પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલી અમૂલ્ય કામગીરીની યાદમાં બનાવવામાં આવી છે. નર્મદાકિનારે આવેલા કેવડિયા નજીક ગિરિમાળાઓ વચ્ચે આવેલા સાધુબેટ પર તે ઊભી કરવામાં આવી છે. આ પ્રતિમા ૧૮૨ મીટર ઊંચી છે. તેના નિર્માણની શરૂઆત ૧૩ ઓકટોબર ૨૦૧૩ના રોજ થઈ હતી. આ આખા પ્રોજેકટનો ખર્ચ ૩૦૦૦ કરોડ રૂપિયા થયો હતો. આ પ્રતિમાના નિર્માણનો હેતુ એ છે કે સરદાર પટેલના એકતા, રાષ્ટ્રવાદ અને સુશાસન જેવા સિદ્ધાંતો આવનારી પેઢી માટે પ્રેરક બને. વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા છે. તે વિશ્વની અદ્ભુત અજાયબી જ બની ગઈ છે તેમ સમજોને. અત્યાર સુધી ૫૦ લાખથી વધુ સહેલાણીઓ આ સ્મારકની મુલાકાત લઈ ચૂક્યા છે. તમે જાણો છો કે આ મૂર્તિનું ઉદ્ઘાટન ક્યારે અને કોણે કર્યું હતું?'
'હા. આ પ્રતિમાનું ઉદ્ધાટન ૩૧મી ઓકટોબર ૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું,' આનંદે જવાબ આપ્યો.
'સરસ. સરદાર વલ્લભભાઈ પટેલની વાત તમે બધાએ સાંભળી. હવે તમે મને કહો કે તેમના જીવનમાંથી આપણે શું શીખવું જોઈએ?' જનકભાઈ બોલ્યા.
'આપણે પણ તેમના જેવા નીડર અને હિંમતવાળા બનવું જોઈએ,' શિવમ્ બોલ્યો.
'ક્યારેય અન્યાય સહન કરવાનો નહીં,' હીરે કહ્યું.
'દેશ માટેનો પ્રેમ, ધ્યેય અને કર્તવ્ય લોખંડ જેવાં મજબૂત હોવા જોઈએ,' ધ્વનિલ બોલ્યો.
'ક્યારેય દેશમાં ભ્રષ્ટાચાર, કાળાબજારી, અફવાઓ ફેલાવવી નહીં,' અંશુલે કહ્યું.
'સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી તમે બધા જે શીખ્યા છો, તેને તમારા જીવનમાં પણ જરૂરથી ઉતારજો. તેમના ચીંધેલા માર્ગે ચાલજો,' બાળકોને ચોકલેટ-બિસ્કિટ વહેંચતા પ્રવીણદાદા બોલ્યા. પછી બધા બાળકો ખુશ થતાં વિખરાયા.
આવા દેશપ્રેમી સરદાર પટેલને કોટિ
કોટિ પ્રણામ...