Get The App

સેટેલાઈટની ભ્રમણકક્ષા એટલે શું ?

Updated: Sep 9th, 2022

GS TEAM


Google News
Google News
સેટેલાઈટની ભ્રમણકક્ષા એટલે શું ? 1 - image


અ વકાશમાં રહેલા સેટેલાઈટ પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. તેને અવકાશમાં છોડયા પછી ભ્રમણકક્ષા કે ઓર્બિટમાં મૂકવામાં આવે છે. સેટેલાઈટ જે માર્ગ ઉપર પૃથ્વીની આસપાસ ફરે તે માર્ગને ભ્રમણકક્ષા કહે છે.

સેટેલાઈટ પૃથ્વીના વાતાવરણની બહાર જાય પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આપોઆપ પ્રદક્ષિણા કરવા લાગે છે. સેટેલાઈટને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવા જરૂરી છે. આ માટે વિજ્ઞાાનીઓ લોંચ કરતી વખતે ઘણી ગણતરી કરે છે. પ્રાથમિક રીતે સેટેલાઈટ પૃથ્વીની ૩૨૦ કિલોમીટરની કે તેથી વધુ ઊંચાઈએ મૂકાય તો ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જાય છે. સેટેલાઈટને કેટલે  ઊંચે મોકલવો તે વિજ્ઞાાનીઓ નક્કી કરે છે એને પ્રમાણે રોકેટનો ઉપયોગ કરે છે. સેટેલાઈટ દર સેકંડે આઠ કિલોમીટરની ગતિમાં રહે તે રીતે રોકેટમાંથી ફંગોળાય છે. આ ગતિમાં તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળના બેલેન્સમાં આવે છે અને પ્રદક્ષિણા કરવા લાગે છે.

ભ્રમણકક્ષા સામાન્ય રીતે લંબગોળ હોય છે. વળી તે વિષુવવૃત્તને સમાંતર અને ધ્રુવોને સમાંતર એમ બે રીતે પૃથ્વીની ફરતે ચક્રાવા લે છે. વિષુવવૃતને સમાંતર ભ્રમણ કક્ષાને ઇકવેટોરિયલ ઓર્બિટ અને ધ્રુવને સમાંતર ભ્રમણકક્ષાને પોલાર ઓર્બિટ કહે છે. ૩૨૦ કિલોમીટરની ઊંચાઈ ફરતો સેટેલાઈટ ૯૦ મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા કરે છે. ૩૬૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ તે ૨૪ કલાકમાં એક પ્રદક્ષિણા કરે છે.  એટલે કે તે પૃથ્વીની ધરીભ્રમણ સાથે ફરે છે અને હંમેશા પૃથ્વીના એક જ સ્થળ ઉપર રહે છે.

Tags :