ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે ?
ગ્રી ન હાઉસ એટલે કાચનું ઘર. પારદર્શક કાચમાંથી સૂર્યના કિરણો પસાર થઈ શકે છે અને સાથે સાથે તેની ગરમી પણ લેતાં જાય છે. કાચના ઘરમાં પ્રવેશેલા સૂર્યના કિરણો પરાવર્તિત થઈને પાછા બહાર ફેંકાતા હોય છે.
પરંતુ તેની સાથે સાથે પ્રવેશેલા ગરમીના કિરણો પાછા બહાર નીકળી શક્તા નથી. ગરમીના કિરણોને ઇન્ફ્રારેડ કિરણો કહે છે. તે આવે ત્યારે કાંચમાં થઈને ઘરમાં પ્રવેશે પરંતુ પરાવર્તિત થાય કે પાછા ફેકાય ત્યારે તેની તરંગલંબાઈ વધી જાય છે. અને કાચમાંથી બહાર નીકળી શક્તાં નથી એટલે સરવાળે વધુ ગરમી કાચ ઘરમાં ભરાઈ રહે છે. સૂર્યકૂકર તમે જોયું હશે તેમાં પણ આ રીતે જ ગરમી ભરાઈ રહે છે અને વધતી જાય છે.
પૃથ્વીના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુઓ પણ કાચ જેવું કામ કરે છે. તે પૃથ્વી પરથી ગરમીને પાછી જવા દેતાં નથી. આ વાયુઓ પ્રમાણસર હોય છે. એટલે પૃથ્વીનું તાપમાન સપ્રમાણ જળવાઈ રહે છે. આ કુદરતી ક્રમ છે.
પરંતુ આપણા વાહનો, કારખાનાઓ વગેરેમાંથી પેદા થતા કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુઓને કારણે વાતાવરણમાં તેનો વધારો થાય છે. અને તેને કારણે પૃથ્વી ઉપર જરૂર કરતાં વધુ ગરમીનો સંગ્રહ થાય છે. આને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે. જે પૃથ્વીનું તાપમાન વધારે છે.