Get The App

જાંબુનો રંગ કેવો હોય ?

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
જાંબુનો રંગ કેવો હોય ? 1 - image

- વાંદરી તો કૂદકા મારતી ઊંચી ડાળી ઉપર લટકાવેલી છાબડી લઈ આવી. ધીમેથી છાબડીનું ઢાંકણું ખોલ્યું. પણ આ શું? છાબડી તો ખાલીખમ! અરે, આ છાબડીમાં કેટલાં બધાં જાંબુ હતાં. કોણ ખાઈ ગયું હશે?

- માલિની સી. શાસ્ત્રી

એક જંગલમાં વાંદરાનું એક મોટું ટોળું રહેતું હતું. આ ટોળાનો મુખિયો મોટો વાંદરો ખૂબ સાલસ સ્વભાવનો હતો. આટલા મોટા ટોળાને પ્રેમથી સાચવતો. આ ટોળામાં નાનાં મોટાં બચ્ચાં આખો દિવસ કૂદાકૂદ કરતાં. ઝાડની ડાળીઓ પર પોતાની પૂંછડી વિંટાળીને ઊંધાં લટકતાં. એકબીજાની પૂંછડી ખેંચતાં. ઘડીકમાં રમતાં. ઘડીકમાં લડતાં ઝઘડતાં ને એકબીજાને નખોરિયા ભરી લેતાં. એક બીજાને બચકાં ભરીને લોહી કાઢતાં. આ બાબતથી ઘણીવાર એકબીજાનાં માવતર વચ્ચે ઝઘડો થતો અને અબોલા થઈ જતા. આમ છતાં ટોળાનો મુખિયો બધાં માવતરને સમજાવતો -  'આ તો નાનાં બચ્ચાં છે. તે તો રમેય ખરાં, લઢે ય ખરાં ને પાછા ભેગાં થઈ જાય. માટે તમારે શાંતિ રાખવી.' 

પણ આવું વારંવાર થવા લાગ્યું એટલે ટોળામાંના કેટલાંક કુટુંબો એક પછી એક બીજા સ્થળે જઈ રહેવા લાગ્યાં. જોકે આ ટોળાનો મુખિયો પોતાના કુટુંબ સાથે ત્યાં જ રહ્યો. તેનાં ત્રણ બચ્ચાં, વાંદરી અને પોતે એક ઘટાદાર ઝાડ ઉપર રહેવા લાગ્યાં.

ઉનાળાના દિવસો પૂરા થયા તે પછીની આ વાત છે. જાંબુના ઝાડ ઉપર નાના મોટા જાંબુ લટકવા લાગ્યા. વાંદરાભાઈને જાંબુ ખૂબ ભાવે. એક દિવસ મુખિયાનાં બચ્ચાં રમતાં રમતાં દૂર નીકળી ગયાં. વાંદરી તેમને શોધવા નીકળી. ત્યાં તેણે જાંબુનું એક ઝાડ જોયું. 'આહાહા, આટલા બધા જાંબુ. લાવ મારાં બચ્ચાં માટે તોડીને લઈ જાઉં.' વાંદરીએ મનમાં વિચાર્યું. 

તે તો પાછી ઘરે જઈ મોટી છાબડી લઈ આવી. જાંબુના ઝાડ ઉપર ચઢીને ઘણા બધા જાંબુ ઉતારી છાબડીમાં મૂકતી ગઈ. તેમાંથી એક જાંબુ તેણે ચાખ્યું. પણ તરત જ તે થૂંકી નાખ્યું. 'અરેરે, જાંબુ તો હજી પાક્યા જ નથી. ખાટેખાટા છે. કંઈ નહીં. ઘેર જઈ છાબડી ઊંચી ડાળે લટકાવી દઈશ. પાકી જશે પછી મીઠાં જાંબુ બચ્ચાંને ખાવા આપીશ.' આવું વિચારી પાછી પોતાના ઝાડ ઉપર આવી. એક ઊંચી ડાળીએ જાંબુવાળી છાબડી લટકાવી દીધી. આમ ચાર પાંચ દિવસ વીતી ગયા.

વેકેશન પૂરું થયા પછી બચ્ચાં નિશાળે જવા લાગ્યાં. નિશાળેથી છૂટીને ઘેર આવે ત્યારે 'ખાઉંં ખાઉં' કરે. હાથ પગ ધોઈને નાસ્તો કરતા જાય ને જોડકણું ગાતાં જાય - 

બહુ ભૂખ લાગી મા,

નાસ્તો આપોને મા,

રમવા કૂદવા જાવું છે

નાસ્તો આપોને મા.

પછી વાંદરી દરેકને એક એક કેળું આપે. કેળું ખાઈ બચ્ચાં રમવા જતાં રહે. ત્રણમાંથી સૌથી મોટું બચ્ચું બહુ જ ખાઉધરું હતું. વાંદરીની નજર ચૂકવીને વધારાનું કેળું ખાઈ જતું. ચાર પાંચ દિવસમાં જાંબુ પાકી ગયાં. પણ ઘરનાં કામમાં વાંદરી છાબડીમાં રાખેલા જાંબુની વાત ભૂલી ગઈ. અચાનક તેને છાબડીમાં રાખેલા જાંબુ યાદ આવ્યા. એણે વિચાર્યું, 'નિશાળેથી છૂટીને બચ્ચાં પાછાં આવશે એટલે આજે જાંબુનો નાસ્તો આપીશ.' 

નિશાળેથી છૂટી બચ્ચાં ઘેર આવ્યાં ને 'ખાઉં ખાઉં' કરવા લાગ્યાં, ને ગાવા લાગ્યાં - 

બહુ ભૂખ લાગી મા

નાસ્તો આપોને મા

રમવા કૂદવા જાવું છે

કેળું આપોને મા.

આ સાંભળી વાંદરી બોલી -  જાવ, પહેલા હાથપગ ધોઈ આવો. આજે તો કેળાનો, નહીં પણ મીઠાં મીઠાં જાંબુનો નાસ્તો છે.

બચ્ચાં તો રાજી થઈ ગાવા લાગ્યાં - 

જાંબુ, જાંબુ, જાંબુ

ગોળ ગોળ જાંબુ

મીઠાં મીઠાં જાંબુ

લંબગોળ જાંબુ

જલદી આપો જાંબુ

અમને ભાવે જાંબુ...

વાંદરી તો કૂદકા મારતી ઊંચી ડાળી ઉપર લટકાવેલી છાબડી લઈ આવી. ધીમેથી છાબડીનું ઢાંકણું ખોલ્યું. પણ આ શું? છાબડી તો ખાલીખમ! 'અરે, આ છાબડીમાં કેટલાં બધાં જાંબુ હતાં. કોણ ખાઈ ગયું હશે?' એમ વિચારી તેણે બચ્ચાંને પૂછ્યું -  'છાબડીમાં ઘણાં બધાં જાંબુ હતા. બોલો, કોણ ખાઈ ગયું આટલાં બધાં જાંબુ? સાચું બોલો. જાંબુ કોણે ખાધા?' પણ બચ્ચાં એકબીજા સામે જોયા કરે. 

નાનું બચ્ચું બોલ્યું -  'મા, મા, મેં નથી ખાધા.' વચલું બચ્ચું બોલ્યું -  'મને તો ખબર જ નહોતી કે આ છાબડીમાં જાંબુ છે.' સૌથી મોટું પેલું ખાઉઘરું બચ્ચું બોલ્યું -  'પેલી આમતેમ ફરતી ખિસકોલી ખાઈ ગઈ હશે. એ તો કંઈ ને કંઈ ખાતી જ હોય છે.' 

'સારું સારું. ચાલો તમને એક એક કેળું આપી દઉં. પછી રમવા જાવ.' તેમ કહી માએ ત્રણેય બચ્ચાંને એક એક કેળું આપ્યું. બચ્ચાં તો મસ્તી કરતા કરતાં કેળું ખાવા લાગ્યાં. ત્યાં તો ખાઉધરા બચ્ચાને ઉધરસ ચઢી ને ઉલટી થઈ. સાથે ખાધેલું કેળું પણ નીકળી ગયું. વાંદરીએ તેને પાણી પીવા આપ્યું. પાણી પીવા માટે ખાઉધરાએ જ્યાં મોઢું ખોલ્યું ત્યાં વાંદરીને તેની જીભ દેખાઈ. અરે, આ શું? ખાઉધરાની જીભ તો જાંબુડા રંગની જાંબલી જાંબલી થઈ હતી! 

વાંદરી સમજી ગઈ કે આટલા બધા જાંબુ આ ખાઉધરું બચ્ચું જ ખાઈ ગયું છે. વાંદરી ખિજાઈને બોલી, 'અલ્યા ખાઉધરા, બધા જાંબુ તું ખાઈ ગયું ને પેલી ખિસકોલીનું ખોટું નામ દે છે? કેટલીવાર મેં તમને સમજાવ્યું છે કે એકલપેટા ના થવાય. જે ખાવાનું હોય તે બધાએ વહેંચીને ખાવું જોઈએ. ચાલ ખાઉધરા, તારા કાન પકડીને દસ ઉઠબેસ કર.' પછી બીજાં બચ્ચાંને કહ્યું -  'તમે એકથી દસ બોલતા જાવ.' 

પોતે વાંકમાં હતું ને પકડાઈ ગયું તે સમજીને ખાઉધરાએ દસ ઉઠબેસ કરી. પછી બેય બચ્ચાં ગાવા લાગ્યાં - 

એકલપેટા એકલપેટા

ખાઉધરાભાઈ એકલપેટા

છાનુંમાનું ખાય છે તેથી

ઉલટી થઈ જાય છે...

આવું ગાતાં સાંળીને ખાઉધરું તેમની સામે દાંતિયા કાઢવા લાગ્યું, પણ બેઉ બચ્ચાં ગાતાં જાય ને હસતાં કૂદતાં તાળીઓ પાડતા જાય.

થોડીવાર સુધી ખાઉધરું ત્યાં જ બેસી રહ્યું. પછી ધીમે ધીમે તે વાંદરી પાસે ગયું. નીચા વળી વાંદરીના પગ પકડી બોલ્યું -  'મા, મા, મને માફ કર. હવે કોઈ દિવસ હું છાનુંમાનું નહીં ખાઉં. મારા નાના બે ભાઈઓને સરખું વહેંચીને ખાઈશ. સોરી મા.' 

વાંદરી બોલી, 'સારુ, મારા વહાલા દીકરા. તને તારી ભૂલ સમજાઈને! જાવ, બધાં ભેગાં થઈ રમો કૂદો ને મઝા કરો.' ત્રણે ય બચ્ચાં નાચતાં કૂદતાં રમવા ગયાં ત્યારે વાંદરીને 'હાશ' થઈ.