બાયોડીઝલ શું છે? તે શેમાંથી બને?
પે ટ્રોલ અને ડીઝલ વાહનો માટેનાં મુખ્ય બળતણ છે. જો કે બંનેના એન્જિનમાં થોડો ફરક હોય છે. ડીઝલ પણ ક્રુડ ઓઈલમાંથી બને છે. ડિઝલ વડે ચાલતા એન્જિનની શોધ રૂડોલ્ફ ડીઝલ નામના વિજ્ઞાનીએ કરેલી. ડીઝલનો હેતુ વનસ્પતિ તેલ વડે ચાલતા એન્જિન બનાવવાનો હતો. તેણે સીંગતેલ વડે ચાલતું એન્જિન બનાવેલું. શરૂઆતમાં સીંગતેલ વડે જ એન્જિન ચાલતું પરંતુ ડીઝલે ક્રૂડમાંથી ડીઝલ મેળવવાની રીત શોધી એન્જિનમાં ડીઝલનો વપરાશ શરૂ કર્યો. ડીઝલમાં અશુધ્ધિનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પેટ્રોલ કરતાં પ્રમાણમાં સસ્તું હોય છે. પેટ્રોલ અને ડીઝલ બળે ત્યારે પ્રદૂષિત વાયુઓ પેદા થાય છે અને પર્યાવરણને નુકસાન કરે છે. એટલે વિજ્ઞાનીઓ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા બળતણની શોધ કરે છે.
વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયો ડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે. પરંતુ પ્રદૂષણ ઓછું કરવા માટેનો સારો વિકલ્પ ગણાય છે.