રોડ બનાવવામાં ડામરનો ઉપયોગ થાય છે. ડામર એ કાળા રંગનો ચીકણો પદાર્થ છે. ગરમીથી પીગળે છે અને પછી ઠરે ત્યારે જામીને સખત બની જાય છે. રોડની મજબૂતી ડામરને આધારિત છે. ડામર જમીનમાંથી નીકળતું ઓર્ગેનિક પ્રવાહી છે. પ્રાચીન કાળમાં ગ્રીસ, ઈજિપ્ત અને બેબીલોનમાં મકાનોની દીવાલોને વરસાદથી રક્ષણ આપવા ડામરનું પડ ચડાવવામાં આવતું. કુદરતી ડામર દરિયાના તળિયે પેટાળમાં મૃત્યુ પામેલાં દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે. પૃથ્વીના પેટાળમાં પ્રચંડ દબાણ અને ગરમીમાં હજારો વર્ષની પ્રક્રિયાથી કુદરતી તેલ, કોલસા વગેરે બને છે. તે જ રીતે ડામર બને છે. પૃથ્વીની પ્લેટોના હલન ચલન અને ભૂકંપથી તે જમીનની સપાટી પર આવે છે. કેનેડામાં ડામરના મોટા ભંડાર છે. ક્રૂડમાંથી પણ ડામર મેળવવામાં આવે છે. ડામર સલ્ફરવાળો ગંધ મારતો પદાર્થ છે. રોડ બનાવવા ઉપરાંત જહાજ અને વહાણોના લાકડાના પડખાને વોટરપ્રૂફ બનાવવા માટે ડામરનો ઉપયોગ થાય છે.
ડામર શું છે? .


