પર્યાવરણમાં શું શું હોય છે?
બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ માણસો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિ છે. પૃથ્વી પર હવા અને જમીન હોવાથી સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે.
પૃથ્વીના ત્રણ આવરણો છે. જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ ત્રણેય આવરણો એટલે પર્યાવરણ. જલાવરણ એટલે સાગર, હિમ શિખરો, નદીઓ અને વરસાદ. પૃથ્વી પરનું જળચક્ર સજીવ સૃષ્ટિને જીવંત રાખે છે. વાતાવરણ એટલે હવા. તેમાંય ઓક્સિજનથી જ સૃષ્ટિને ચેતન મળે, પશુ-પક્ષીઓ જીવે. પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ એટલે મૃદાવરણ. ૩૩ કિલોમીટરની ઊંડાઈ સુધીનો આ પોપડો નરમ છે.
તેમાં નાના મોટા જીવડા, અળશિયા વગેરે જીવે છે. બીમાંથી અંકુર ફૂટીને વૃક્ષો થાય છે અને ખેતી પણ થાય છે. પૃથ્વીનું ચોથું આવરણ એટલે પૃથ્વી પર વસતાં જીવો પણ એક આવરણ છે. જેને જીવાવરણ કહે છે. આ ચારેય આવરણ એટલે પર્યાવરણ. ચારે આવરણોની પૃથ્વી પર અસર પડે. સજીવસૃષ્ટિને લાભ કે નુકસાન પણ થાય. પર્યાવરણને શક્તિ પૂરી પાડનાર મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. પૃથ્વી પર માણસ અને પશુઓ મૃદાવરણ પર વસવાટ કરે છે. પક્ષીઓ હવામાં અને જળચરો જલાવરણમાં વસવાટ કરે છે. પર્યાવરણ શુદ્ધ હોય તો જ આ બધા સારી રીતે વિકાસ કરી શકે અને જીવી શકે.