Get The App

એ શિવરાત્રીએ શું બન્યું ? .

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
એ શિવરાત્રીએ શું બન્યું ?                               . 1 - image

- તમે કંઈ એવો વિચાર થોડો જ કરો છો કે બધાં આમ નવરા બેસી રહેશે? શિવ શિવ કર્યા કરશે તો ખેતરોમાં અન્ન કેમ પેદા થશે? વસ્ત્રો કેવી રીતે તૈયાર થશે?

- ...તો લાડવા  અને વરદાન બેય મળશે!

- તમે જાણો છો કે ૧૫ ફેબુ્રઆરીએ મહાશિવરાત્રિ છે?

- હરીશ નાયક

આ વખતની શિવરાત્રિ ધૂમધામથી ઊજવવાનું નક્કી થયું. સાક્ષાત્ શિવજીએ કહી દીધું કે, 'જાઓ. તમામ સગાંવહાલાંને આમંત્રણ આપી આવો. ગાનવાદનનો કાર્યક્રમ ગોઠવો. ખાણીપીણીનો ભવ્ય મેળાવડો રાખો. એવો ઉત્સવ ઊજવો કે કોઈ બાકી રહી જાય નહિ!'

શિવજીએ પાર્વતીજીને કહી દીધું, 'જોજે, તારી કોઈ સહેલી બાકી રહી જાય નહિ. તારાં સગાં તો બધાં જ સામેલ થવાં જોઈએ.'

શિવજીએ પોતાના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશને કહી દીધું, 'તમારા બધા ગોઠિયા સાથી સોબતી મિત્રો આવવા જોઈએ. હા...'

શિવજીએ પોતાના ગણોને એ જ  સૂચના આપી દીધી. નંદીને પણ કહી દીધું, 'ભાઈ, તારી જાતિ પણ બાકાત ન રહે તે જોજે..'

હવે શિવજીનું આમંત્રણ એટલે બાકી શું રહે? તેમાં આનંદઉત્સવ, ગાનવાદન અને ખાવાપીવાની વાત એટલે મોજ અને મજા.

શિવરાત્રિની રાતે ચારે બાજુ તંબુઓ, માંડવા, ધજાપતાકાનો શણગાર!

પણ આશ્ચર્ય થઈ ગયું. અદ્ભુત નવાઈની વાત કારમો આધાત જ કહો ને !

સ્વાગત માટે બધા તૈયાર પણ કોઈ આવતું જ ન હતું. કોઈનાં દર્શન થતાં ન હતાં. બધાએ કહ્યું હતું કે, 'અમે સમયસર આવી જઈશું.' પણ કોઈ જ ન મળે. સાચા અર્થમાં કહીએ તો ચકલું પણ ફરકતું ન હતીં.

મઘમઘતી મીઠાઈઓ પડી રહી.

સંગીતના વાજિંત્રો સૂમસામ. ધજાપતાકાઓ હવા વગર ઝૂકી પડયા જેવી જ.

રાત આગળ વધવા લાગી. પણ કોઈ આવતું નથી. યજમાનો મૂંઝાય છે પણ મહેમાનો નજરે પડતા નથી. અકળામણનો પાર નથી. રાતના આઠનું આમંત્રણ હતું. પણ હવે તો રાતના બાર વાગી ગયા.

સાચા અર્થમાં બાર જ વાગી ગયા. સાક્ષાત્ શિવજીને શિવ શિવ કરવાનો વારો આવ્યો. પાર્વતીજીએ તો સંભળાી પણ દીધું, 'તમે જાતે જ બધાને મારા મારા કરો છો, લો છે કોઈ તમારું? કહેવાય શિવરાત્રિ પણ કાળરાત્રિ લાગે છે.'

વાતાવરણ ભયંકર બનતું હતું ત્યાં જ શબ્દો સંભળાયા, 'નારાયણ... નારાયણ...'

એ રણકો સાંભળી બધાના જીવમાં જીવ આવ્યો. શિવજી દોડયા તેમની પાસે. શિવજી સાથે બધાં દોડયાં પાર્વતીજી, કાર્તિકેય, ગણેશ, નંદી અને બધા જ ગણ.

પગે લાગ્યા શિવજી, પગે લાગ્યા બધાં

નારદજી કહે - 'નારાયણ, નારાયણ! ભગવાન. શિવ, પગે તો મારે લાગવાનું હોય! આપ શેના લાગો છો? મને પાપ લાગે માફ કરી દો.'

શિવજી કહે - 'નારદજી, રસ્તો બતાવો. આબરૂ જવા બેઠી છે. આજે શિવરાત્રિનો ઉત્સવ છે. ભારે ધમાલ ગોઠવી છે. ત્રણે લોકમાં ડંકો વાગી જાય તેવું વાતાવરણ ઊભું કર્યું છે. પણ કોઈ આવ્યું જ નથી! વિવાહની વરસી થઈ ગઈ. આબરૂ હાથમાંથી સરરર કરતી સરકી ગઈ છે. રાત સરકી અને આબરુ ય સરકી...'

નારદજી કહે - 'નારાયણ, નારાયણ! એવુંં થયું? પણ ભગવાન! તમે તો આબરૂથી પર છો. તમારે વળી નામઠામની શી ચિંતા? લોકોને આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે.'

તરત પાર્વતીજી બોલી ઊઠયા - 'આબરૂની પરવા કેમ ન હોય અમને? આવડો મોટો પથારો પાથરીને બેઠાં છીએ? તે શું નાક કપાવવા માટે?

નારદજી કહે - 'પણ તપાસ તો કરો કે બધા ગયાં ક્યાં? ભગવાનનું આમંત્રણ  મળે અને ભક્તો ન આવે એવું બને કંઈ?

'ચાલો, શોધો. તપાસ કરો' બધાં બોલી ઉઠયાં અને આટલા બધા લોકો ક્યાં ગયા છે તેની શોધમાં નીકળી પડયાં. સાથમાં પેલા તંબૂરાવાળા તો ખરાં જ, તેમનો સ્વર પણ ખરો 'નારાયણ... નારાયણ...'

બધાં જતાં જતાં એક સૂમસામ જગ્યાએ પહોંચી ગયા. સાવ એકાંત અવાવરુ અને કારમી જગા. સ્મશાન જ કહો ને! ધોળે દિવસે જ્યાં કોઈ ન જાય ત્યાં કાળી રાતે બધાં ભેગાં થયાં હતાં. તપ કરવા લાગ્યાં હતાં.

હા, બધાં જ તપસ્વી બન્યાં હતાં. સ્ત્રી- પુરુષ- બાળકો, સંસારીઓ, સાધુઓ, દૈત્યો, દાનવો, વેપારીઓ, વણિકો, સંતો, મહંતો, રાજાઓ ભિખારીઓ બધાં જ.

ઋષિમુનિની જેમ બધાંએ આકરું તપ માંડયું હતું. આંખ બંધ, કાન બંધ, જોરદાર પલાંઠી અને કડકડતી તપશ્ચર્યા.

શિવજી તો આ જોઈને નવાઈ પામ્યા. તેમનું કુટુંબ આભું બની ગયું. શિવજી કહે - 'અલ્યાઓ! આ શું માંડયું છે? આજે મેં તમને ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આ ભજન શેનું માંડયું છે? તતડાવીને તલના લાડુ ખાવાના છે અને આ તપશ્ચર્યા શેને આદરી છે? જોરજોરથી ગાનવાદન અને નૃત્ય- ગરબાનો રંગ જમાવવાનો છે તેને બદલે આ પૂતળાં જેવાં ઠરીને ઠામ ક્યાં થઈ ગયાં છો?

કોઈએ જવાબ ન આપ્યો.

કોઈ ન બોલે કે ચાલે.

નારદજીની ઇશારતથી એ  તપસ્વીઓને ગોદા મારવામાં આવ્યા. ગલીપચી કરવામાં આવી. હડસેલવામં આવ્યા. પણ ના, તેમના તપમાં જરા ય ફરક પડયો નહિ.

શિવજી કહે - 'નારદજી! આનો ઉપાય તમે જ બતાવો. આ તો બધાં જીવતાં મરેલાં બની ગયાં લાગે છે. સાવ પૂતળાં, અરે પથ્થરથી પણ ચઢી ગયાં...'

નારદજી કહે - 'તમે કહો છો તો ઉપાય કરી જોઉં. અમારે તો તમારી આજ્ઞાા એટલે કાર્ય. તો.. કરી દઉં શરૂઆત?'

શિવજી કહે - 'હા હા. રજા આપી તો ખરી!'

નારદજી એક વખત બોલી ઊઠયા - 'નારાયણ... નારાયણ...' પછી એક જાડિયા ભીમ પાસે ગયા. નંદી પોઠિયા જેવો જ અલમસ્ત એ માનવી હતો. એના કાનમાં જઈને કંઈક કહ્યું.

જેવા પેલા જાડિયાંએ એ શબ્દો સાંભળ્યા કે તે બેઠો હતો ત્યાંથી ઊછળ્યો. કૂદ્યો. જોરથી બૂમો પાડવા લાગ્યો,

ઘીના લાડુ ઝિંદાબાદ, મેવામિષ્ટાન્ન ઝિંદાબાદ

દોડીને એ જાડાભાઈ શિવજીને પગે પડયા, શિવજીના પગમાં આળોટીને તે કહેવા લાગ્યો -

શિવજીનો જય, લાડુનો જય!

શિવજી રાજી થયા. તેઓ કહે - 'ભાઈ, તમને સૌને લાડુ માટે તો બોલાવ્યા છે. ભોજનનો ભરપૂર પ્રબંધ છે. પણ તમો, તમારું આ તપ સમજાતું નથી. આપ સૌ ભજનમાં ક્યાં લાગી ગયાં? અને આવી ભયાનક જગાએ?'

પેલા ગોળાકાર ગરબડજી કહે - 'અમે બધાં તો સામાં જ આવતા હતાં. નાચવા કૂદવા અને ખાવાપીવાં જ આવતા હતા. પણ આ નરદજીએ અમને અહી મોકલી આપ્યાં...'

'હેં?' શિવજી બોલી ઊઠયા.

ગોળગટ ભોજનભટ અને લાડુચટ કહે, 'હા, નારદજીએ કહ્યું કે...'

તેણે નારદજી સામે જોયું.

નારદજી તો બોલતા હતા - 'નારાયણ- નારાયણ'

શિવજી કહે - 'કહો ભટજી, ડર્યા વગર કહો. શું કહ્યું એ વીણાવાદકે?'

ભટજી કહે - 'એમણે કહ્યું, તપ કરો. શિવજીને મન તપનું મહત્ત્વ છે. તપ કરશો તો શિવજી તમને ઇચ્છિત ફળ આપશે. ખાવાપીવાનું તો છે જ એ ક્યાં જવાનું છે? પણ આજની રાત તમે આકરું તપ કરો. શિવરાત્રિના તપનું મહત્ત્વ છે. જે વધારે જોરદાર તપ કરશે તેને વધારે જોરદાર વરદાન મળશે.

એમણે કહ્યું ભગવાન, કે શિવજી પાસે વરદાનનો મોટો ક્વોટા છે. ભોળા છે ભગવાન તો ઊંધુ ધાલીને વરદાન આપે જ રાખે છે. તપ કરો તો તમને લાડવા ય મળશે અને વરદાને ય મળશે. તમારે જોઈતી વસ્તુ મેળવવા બીજું કંઈ કરવાનું નથી. બસ ઠાલું તપ કરો! અને અમે બધાં તપે લાગ્યાં.

શિવજીએ નારદજીને કહ્યું - 'સાચી વાત?'

નારદજી કહે - જુઠી વાત હોય તો કહો. તમારે મન તો તપ એ જ વાત છે. તપ, તપ, અને તપ. આંખ મીંચો, પલાંઠી વાળો અને શિવ શિવ કરો. ઠાલા તપ. તમે કંઈ એવો વિચાર થોડો જ કરો છો  કે બધાં આમ નવરા બેસી રહેશે, શિવ શિવ કર્યા કરશે તો ખેતરોમાં અન્ન કેમ પેદા થશે? વસ્ત્રો કેવી રીતે તૈયાર થશે? દીવાઓ માટે અને ખાવાપીવા તેલ ક્યાંથી મળશે? ઘરો ક્યાંથી બંધાશે અને રસ્તાઓ કેમ તૈયાર થશે?