પેટમાં ગેસ થવો એટલે શું ? .
જ મ્યા પછી ઓડકાર આવે છે. પેટમાંથી વધારાની હવા બહાર નીકળી જતી હોય તેવો અનુભવ થાય છે. પરંતુ આપણા પેટમાં હવા કે ગેસ ક્યાંથી ભરાય છે તે ખબર છે ? ક્યારેક તો આવો ગેસ તકલીફ પણ કરે છે. આપણું શરીર એક મોટી પ્રયોગશાળા જેવું છે. જેમાં સેંકડો જાતની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ જ હોય છે. જમતી વખતે અને પાણી પીતી વખતે કેટલીક હવા આપણા પેટમાં જાય છે. વળી ખોરાક સાથે ગયેલા અને આંતરડામાં રહેલાં બેક્ટેરિયા પણ વાયુ ઉત્પન્ન કરે છે. શરીરમાં ફરતાં લોહીમાંથી પણ વાયુ ઉત્પન્ન થઈને પાચનતંત્રમાં ભળે છે. આ બધા વાયુઓ પેટમાં એકઠાં થાય છે. કેટલાક શાકભાજી, કઠોળ અને ખાદ્ય પદાર્થ, પણ પેટમાં અને આંતરડામાં વાયુ ઉત્પન્ન કરે છે. હોજરીમાં રહેલી હવામાં નાઇટ્રોજન અને ઓકસીજન હોય છે. નાના આંતરડામાં થતાં ગેસમાં કાર્બન ડાયોક્સાઈડ હોય છે. મોટા આંતરડામાં સૌથી વધુ વાયુઓ નાઇટ્રોજન, ઓક્સિજન, હાઈડ્રોજન અને મિથેન હોય છે. આંતરડામાં દરરોજ ૭ થી ૧૦ લીટર વાયુ ઉત્પન્ન થતો હોય છે. પરંતુ તે મોટે ભાગે આંતરડાની દીવાલમાં જ શોષાઈ જાય છે.