બગાસાં આવવાનું કારણ શું ?
બ ગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. આપણી સામે કોઈ બગાસાં ખાય તે આપણને ગમે નહીં. પરંતુ થાકેલા માણસને બગાસા આવે તો સામાન્ય બાબત છે. બગાસા આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સીજન મળે થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓક્સિજન પણ ઓછો પડે. ઓક્સિજનની જરૂર મગજને વધુ હોય છે. ઓક્સિજન ઓછો થાય કે તરત જ મગજ શૂન્ય થવા માંડે સુસ્તી ચઢે એટલે મગજ તરત સંદેશો આપી બગાસું લાવે અને બગાસા દ્વારા વધુ હવા ખેંચવા સંકેત આપે છે. બગાસુ ૫ થી ૬ સેકંડ ચાલે અને ઊંડો શ્વાસ લેવાય આ દરમિયાન આંખો અને કાન તો પોતાના કામ બંધ જ કરી દે બગાસુ ખાતાં હો ત્યારે તમને સંભળાતું પણ બંધ થાય તેવો અનુભવ થયો હશે. આમ બગાસું એ શરીરને સ્ફૂર્તિમાં લાવવા માટેની શારીરિક ક્રિયા છે. આપણે તેને ઉંઘ આવવાની નિશાની પણ ગણીએ છીએ.