નખ શેના બનેલાં છે? તેનો ઉપયોગ શું?
હાથ અને પગની આંગળી અને અંગૂઠા પરના નખ હાડકાં જેવા સખત હોય છે તે કાપવાથી દુઃખ થતું નથી. લોહી પણ નીકળતું નથી. નખ શેના બનેલા અને શા માટે હશે તે પણ જાણવા જેવું છે.
આદિ માનવના અંગોનો વિકાસ તેની ઉપયોગીતાના આધારે થયો છે. માણસ બે પગ ઉપર ઊભા રહેતા શીખ્યો અને હાથની આંગળી વડે ઘણા કામ કરવા લાગ્યો એટલે આંગળી અને અંગુઠાનો ઉપયોગ વધ્યો. કાળક્રમે આંગળીના ટેરવાને આધાર માટે નખ બન્યાં.
નખને ધ્યાનથી જુઓ. તેના મૂળમાં અર્ધચંદ્રાકાર ભાગ છે તે પ્રમાણમાં લાલ હોય છે. આ ભાગ આંગળી સાથે જોડાયેલો છે. તેમાં મૃતકોષો દાખલ થતાં રહે છે અને નખ વધે છે. નખથી આગળનો ભાગ નિર્જીવ હોય છે તે કેરાટીન નામના દ્રવ્યના બનેલા છે.
દરેક સસ્તન પ્રાણીઓમાં નખ હોય છે. ચોપગાં પ્રાણીઓમાં ખરી હોય છે. હિંસક પ્રાણીઓમાં નહોર હોય છે. મનુષ્ય સહિત બધા પ્રાણીઓના નખ તેની ઉપયોગીતા મુજબ આકાર ધરાવે છે.