હાથી શિકારી તરફ ગયો. બીજી તરફથી સિંહભાઈ ગુફામાંથી બહાર આવ્યા. તેમણે હાથીભાઈ સામે જોયું. હાથીએ સિંહને ઈશારો કર્યો - આપણા જંગલમાં શિકારી આવ્યો છે. તેને ભગાડવો જોઈએ...
એક જંગલ હતું. તેમાં એક મજાનું તળાવ હતું.તળાવને કાંઠે લીલીછમ હરિયાળી હતી.આસપાસ જુદાં જુદાં પ્રાણીઓ રહેતાં હતાં.થોડે દૂર સિંહ પોતાની ગુફામાં રહેતો હતો.
જંગલમાં હાથી ,હરણ, સસલું પણ રહેતાં હતાં. સૌ સંપીને રહેતાં હતાં.
એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો. એણે હરણને ઘાસ ચરતું જોયું.તેને થયું કે હું હરણનો શિકાર કરું.
પણ ત્યાં આગળ કુણું કુણું ઘાસ ખાતા સસલાની નજર પડી.શિકારી બાણ ચડાવવાની તૈયારી કરતો હતો.જો સસલું હરણને બચાવવા જાય તો શિકારી સસલાનો શિકાર કરી નાખે.સસલું મૂંઝાયું.હવે શું કરવું?
ઘાસ મોટું હતું.તેમાં સસલું ઘાસમાં છુપાતું છુપાતું હાથીભાઈ પાસે પહોંચી ગયું. કહે, 'હાથીભાઈ... હાથીભાઈ, શિકારી આવ્યો છે. તે હરણને મારશે.'
હાથીએ સૂંઢ ઊંચી કરીને જોયું. હાથી શિકારી તરફ ગયો. બીજી તરફથી સિંહભાઈ ગુફામાંથી બહાર આવ્યા. તેણે હાથીભાઈ સામે જોયું. હાથીએ સિંહને ઈશારો કર્યો - આપણા જંગલમાં શિકારી આવ્યો છે. તેને ભગાડવો જોઈએ...
સિંહભાઈ સમજી ગયા. તેણે જોરથી ડણક કરી. શિકારી સિંહની ડણકથી ડરી ગયો. બીજી બાજુ, અત્યાર સુધી શિકારીની હાજરીથી બેખબર રહેલા હરણને પણ જાણ થઈ ગઈ. એ ચારે પગે કૂદકા મારતું ત્યાંથી ભાગી ગયું.
હાથી શિકારીની પાછળ પડયો. શિકારી તો જાય ભાગ્યો... જાય ભાગ્યો...! એ જંગલની બહાર જ નીકળી ગયો.
સસલું આનંદથી ઠેકડા મારવા લાગ્યું. નાચવા લાગ્યું.
સસલું કહે, 'વાહ વાહ... હાથીભાઈ..! વાહ વાહ... સિંહ રાજા! હવે આપણે સૌ જંગલમાં રહેનારા સાચા મિત્રો છીએ...'
દોસ્તો, જેમ પ્રાણીઓએ એકબીજાની મદદ કરી તે રીતે આપણે પણ એકમેકની મદદ કરવી જોઈએ અને કોઈની પર મુશ્કેલી આવી પડે તો એક થઈને સામનો કરવો જોઈએ. ખરું કે નહીં?


