Get The App

જાગો, માતા-પિતા, જાગો .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
જાગો, માતા-પિતા, જાગો                              . 1 - image

- 'વાલીઓ, આ વાતની ગંધ તો મને ક્યારની હતી. એટલે મેં છૂપી પોલીસની મદદ લઈને તપાસ આદરી દીધી છે. પણ...  આ સ્થિતિ માટે વાલીઓ પણ જવાબદાર છે. નોકરી કે વ્યાપાર કરતાં પિતા અને માતાઓએ હંમેશાં સંતાનોનાં વર્તન-વ્યવહાર પર નજર રાખવી જોઈએ.'

- ભારતી પ્રવીણભાઈ શાહ

સાંજ પડી. ઓફિસ છૂટવાનો સમય થયો. અવારનવાર વિજયભાઈની નજર ઓફિસની દિવાલ પરની તોતિંગ ઘડિયાળ પર જતી હતી. ઘડિયાળમાં કલાકનો કાંટો પાંચ પર આવ્યો અને વિજયભાઈએ ફાઈલોને કબાટમાં ગોઠવવા માંડી, ચારેબાજુ બધું ચેક કરી કબાટ લોક કરીને ઓફિસની બહાર નીકળ્યા પછી ઝટપટ ગાડીમાં ગોઠવાયા અને ઘર તરફ વળ્યા. તેમણે પોતાની પત્ની વિદ્યાબેનને અગાઉથી જ તૈયાર રહેવાની સૂચના આપી હતી એટલે વિદ્યાબેન તૈયાર જ બેઠાં હતાં. વિજયભાઈ ઘરે આવી ઝટઝટ તૈયાર થઈ ગયા. આજે તેમના જૂના પડોશી વિનુભાઈના છોકરાના રિસેપ્શનમાં જવાનું હતું.

'કનકબા, અમે રિસેપ્શનમાં જઈએ છીએ એટલે તમારે તમારા અને સની માટે જ રસોઈ બનાવવાની છે. ઘરનું ધ્યાન રાખજો...' 

કનકબાને સૂચના આપી બન્ને ઘરની બહાર નીકળી કારમાં રવાના થયાં. 

છેલ્લાં દસેક વર્ષથી કનકબા વિજયભાઈના ઘરનો સઘળો કારભાર સંભાળતાં હતાં. રસોડાની સઘળી જવાબદારી ઉપરાંત અનાજ, શાકભાજીની ખરીદી, ઘરમાં સાફસફાઈ બધું જ કનકબા સંભાળતાં હતાં. કનકબા રસોડામાં કામે વળગ્યા. થોડી વાર પછી કોલેજથી સની ઘરે આવ્યો તથા પોતાના રૂમમાં જઈ તૈયાર થઈને મોબાઈલમાં ડૂબી ગયો. એ અગિયારમા ધોરણમાં ભણતો હતો. 

'સની બેટા, પહેલાં જમી લે એટલે હું રસોડું સમેટી લઉં,' કનકબાએ સનીને કહ્યું.

'હું બહાર રેસ્ટોરાંમાં જમીને આવ્યો છું. મારે નથી જમવાનું,' સનીએ જવાબ વાળ્યો.

કનકબાને માટે આ જવાબ નવો નહોતો. તે વિચારવા લાગ્યા કે આ છોકરાઓ કયાં સમજાય છે ? કનકબાએ ભોજન કરી લીધું અને પરવારીને બેઠાં.

સની પોતાના રૂમમાં મોબાઈલમાં ડૂબેલો હતો. વચ્ચે વચ્ચે 'આગળ વધે.. સો લગાડજે...' જેવા શબ્દોનો ઉપયોગ કરી કોઈની જોડે વાતચીત કરતો. 'ડોન્ટ વરી... ગો ઓન...' જેવા શબ્દનો પ્રયોગ કરતો. ઘણીવાર 'વિન... વિન...' બોલીને કૂદતો. અભણ કનકબાને આ બધું સમજાતું નહોતું.

વિજયભાઈ અને વિદ્યાબેન મોડેથી પાછા ફર્યા અને પોતાના રૂમમાં જતાં રહ્યાં. આખા ઘરની ચકાસણી કર્યા બાદ કનકબા પણ સૂવા ગયાં.

વિજયભાઈ અને વિદ્યાબેનને અવારનવાર સામાજિક પ્રસંગે જવાનું, નાટકો જોવાનું, ક્લબોમાં જવાનું થતું. તેથી સનીને મરજી મુજબ વર્તન કરવાની મોકળાશ મળી જતી.

હમણાં હમણાં વિજયભાઈ પરેશાન જણાતાં હતા. તેમણે એકવાર કનકબાને પૂછ્યું - 'અમે ના હોઈએ ત્યારે આપણાં ઘરમાં કોઈ બહારના માણસો આવે છે ખરા?'

'ના સાહેબ,ઘરે કોઈ આવતું નથી,' કનકબાએ જવાબ વાળ્યો. પછી કહ્યું, 'સાહેબ, શું થયું છે? તમારા ઘેર હું આટલા વરસોથી કામ કરું છું, પણ ક્યારેય તમને આટલા ચિંતાતુર જોયા નથી. તમે તો મારા દીકરા સમાન છો. પૈસાનો પ્રશ્ન હોય તો મને હમણાં પગાર ન આપતા... પણ તમે આમ...'

'ના, એવું નથી. છેલ્લા કેટલાક વખતથી મારા પાકિટમાંથી પૈસા જતા રહે છે. મેં વિદ્યાને પણ પૂછ્યું, તો તેણે નથી લીધા. પૈસાની જરૂર હોય તો વિદ્યા મારી પાસે માંગી લે છે.' વિજયભાઈ બોલ્યા.

'સાહેબ, કેટલાય દિવસથી હું તમને સની દીકરા વિષે કંઈક કહેવા માંગતી હતી, પણ હું થોડી ખચકાઈ જતી... માટે તમે તમારી રીતે તપાસ કરી જુઓ...'

કનકબાની વાતથી વિજયભાઈ થોડા વિચારમાં પડી ગયા. સનીને ગંધ પણ ના આવે તે રીતે તેમણે પોતાની ઓફિસના મિત્ર કેયુરભાઈની મદદ લીધી. કેયુરભાઈએ ખૂબ સાવધાનીપૂર્વક તપાસ શરૂ કરી. કેયુરભાઈની તપાસનું તારણ એ નીકળ્યું કે સની અને તેનું ફ્રેન્ડસર્કલ સ્કૂલમાં ઓછી હાજરી ભરે છે, સિગારેટ પીવે છે. ક્રિકેટની મેચો શરૂ થાય ત્યારે સટ્ટો રમે છે... અને મોબાઈલમાં રમાતી ગેમો પર જુગાર રમે છે... કોલેજ છૂટયા પછી તેના કેટલાક ફ્રેન્ડો કોઈ ભાઈને મળે છે અને ડ્રગ્સ ખરીદે છે. તેઓને ડ્રગ્સની લત પણ લાગી છે. કેટલાક છોકરાઓ પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરી કરે છે. કેયુરભાઈ પાસેથી હકીકત જાણી... '

'બસ, બસ... મને આખી વાત સમજાઈ ગઈ છે. આ બધું ખૂબ જ આઘાતજનક છે. હવે શું કરવું ? આનો ઉપાય શું ?' વિજયભાઈ ચિંતિત થઈ ઉઠયા. 

કેયુરભાઈએ વિજયભાઈને આશ્વાસન આપ્યું. ખોટા રવાડે ચડેલા વિદ્યાર્થીઓનાં માબાપનો સંપર્ક સાધવામાં આવ્યો.  પછી એક  રવિવારે સ્કૂલના પ્રિન્સિપાલના ઘેર મળવા ગયા અને સઘળી હકીકત રજુ કરી દીધી. આ સમસ્યાના ઉકેલ માટે તેમની મદદ માંગી.

'વાલીઓ, આ વાતની ગંધ તો મને ક્યારની હતી. એટલે મેં છૂપી પોલીસની મદદ લઈને તપાસ આદરી દીધી છે. પણ...  આ સ્થિતિ માટે વાલીઓ પણ જવાબદાર છે. નોકરી કે વ્યાપાર કરતાં પિતા અને માતાઓએ હંમેશાં સંતાનોનાં વર્તન-વ્યવહાર પર નજર રાખવી જોઈએ. તરુણાવસ્થા અને યુવાવસ્થામાં જ સંતાનોના પગ લપસતાં હોય છે. સુખી પરિવારમાં પિતાને જોબ કે વ્યાપારમાંથી અને માતાને ક્લબ, કીટી પાર્ટી વગેરેમાંથી ફૂરસદ ક્યાં છે ?!.... બાળકોને પૈસા આપી દે એટલે પત્યું...

'સૌથી અગત્યનું એ છે કે તમારા બાળકનું ફ્રેન્ડ સર્કલ કેવું છે ? બાળક ક્યા ંજાય છે અને પૈસા ક્યાં વાપરે છે તેની જાણકારી માતા-પિતાને હોવી જોઈએ. આજકાલ છાપાઓમાં કેવા કેવા કિસ્સાઓ આવે છે. વ્યસન, ચોરી, જુગાર, ડ્રગ્સ જાણે સામાન્ય થતું જાય છે. હવે તો વાલીઓને જાગવાનો સમય આવ્યો છે. આજકાલ બાળકોને  હોટલ-રેસ્ટોરાંમાં જમવાનો ચસ્કો લાગ્યો છે. કેટલાય વિદ્યાર્થીઓ શાકાહારી પરિવારમાંથી આવતા હોવા છતાં માંસાહારી બનતા જાય છે... આપણે બધાએ દરેક પાસાનો વિચાર કરીને જાગૃત થવાનું છે.

'એકવાર ગુનેગાર વિદ્યાર્થીને કાયદાકીય સજા થવી આવશ્યક છે, પછી તે તમારું જ બાળક કેમ ના હોય ? જુઓ, બાળકોનાં માતા-પિતા જ બાળકોના સાચાં શિક્ષક છે. તેમને પાસે બેસાડી સચ્ચાઈનું ભાન કરાવો, તેમના ઉજળા ભવિષ્ય માટે દિવાદાંડી બનો. આ માટે ધાકધમકીથી કામ ના લેવાય.'

પ્રિન્સિપાલની વાતનો વાલીઓ પર ખૂબ પ્રભાવ પડયો. અમુક વાલીની તો આંખો ભીની થઈ ગઈ. તેમને ખ્યાલ આવી ગયો કે બાળકના સાચા માર્ગદર્શક તેમણે પોતાને જ બનાવાનું છે. દરેક વાલીને પોતાની ભૂલ સમજાઈ. પરસ્પરના સાથ-સહકારથી ગૂંચ ઉકેલવાના મક્કમ નિર્ણય સાથે વિખરાયા.

વ્હાલા વાચકો, ક્યારેય ખોટા વ્યસન કે લતના રવાડે ચડીને તમારું ભવિષ્ય ના બગાડતા.