Get The App

અવાજ અંતરાત્માનો .

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
અવાજ અંતરાત્માનો                                 . 1 - image

- 'તું શા માટે શિયાળ બને છે? તું એક મનુષ્યજીવ છો. ઈશ્વરે તારામાં અસીમ તાકાત મૂકી છે. તેં કલ્પના પણ ન કરી હોય એટલી શક્તિ તારામાં છે. તારે ડરપોક બનવાની જરાય જરૂર નથી. તું જેટલો ડરીશ એટલો આ રાક્ષસ તને વધુને વધુ ડરાવતો રહેશે.'

- મહેન્દ્રકુમાર આર. ચૌધરી 

એક હતો રાક્ષસ. રાક્ષસ ખૂબ ક્રૂર હતો. તૂંડમિજાજી હતો. એની ઈચ્છા વિરુદ્ધ કોઈ જાય તો એનો જીવ લઈ લે. 

એક દિવસ રાક્ષસે એક ભલા માણસને પકડી લીંધો. એને પોતાનો ચાકર બનાવ્યો.  અત્યંત નિર્દયતાપૂર્વક રાક્ષસે એને સૂચના આપી કે ચાકરીમાં જરાક પણ બેદરકારી દાખવી તો જોજે, તને જીવતો નહીં રહેવા દઉં!

રાક્ષસ સામે બોલવાની હિંમત કોણ કરે? એ તો રાક્ષસનાં પગલાંનો અવાજ આવતાં જ ધૂ્રજી ઊઠતો. રાક્ષસ એની પાસે એટલું બધું કામ લેતો કે એક પળનો પણ એને આરામ ન મળતો. થાકવાની વાત તો જવા દો, એ લગભગ અધમૂઓ જેવો થઈ જતો... પણ એ કરી શું શકે? એ બરાબરનો રાક્ષસની ચુંગાલમાં સપડાયો. રાક્ષસ એને એક પળ માટે પણ ફુરસદ લેવા દેતો ન હતો.

આમને આમ થોડા દિવસ પસાર થઈ ગયા. માણસ સતત મોતના ભય હેઠળ જીવતો હતો. આ ભયને કારણે જ એ રાક્ષસની વધુને વધુ ગુલામી કરતો હતો. કશું બોલી શકતો નહીં. બસ, મજૂરી અને મજૂરી કર્યે રાખતો.

એક દિવસની વાત છે. કામ કરતાંકરતાં માણસની હાલતએવી થઈ ગઈ કે એનો હાથ પણ હાલી શકે નહીં. એ લાચાર બની ગયો. એનામાં ઊભા રહેવાની પણ તાકાત નહોતી. એ ભડામ્ કરતો પડી ગયો. જરા થાક ખાઈ લેવા એક વૃક્ષને અઢેલીને એ બેઠો. 

રાક્ષસની નજર પડી. પોતાના નોકરને આ રીતે આરામ કરતો જોઈને રાક્ષસનો ગુસ્સો ઊછળ્યો. એ બરાડા પાડવા લાગ્યો. પોતાની મુઠ્ઠી ખુદની છાતી પર ઠોકતાં ગુસ્સામાં એ બોલ્યો, 'અય નાસમજ ઈન્સાન! તું આરામ કઈ રીતે ફરમાવી શકે? તને મારો હુકમ છે એ ભૂલી ગયો? તરત જ ઊભો થઈને કામ શરૂ કર નહીંતર તને તો એક કોળિયામાં હું ખાઈ જઈશ...'

એ રાક્ષસ હતો. રાક્ષસના બરાડા તો જેવા તેવા હોય નહીં. એના બરાડાથી આડો પડેલો માણસ ઝબકીને ઊભો થઈ ગયો. ફરી એના મનમાં ડર છવાઈ ગયો. રાક્ષસની ધમકીથી એ ફરી થરથર ધૂ્રજવા લાગ્યો.

...પણ આ વખતે માણસને પોતાની અંદરથી જ શરમ ઊપજી. એને પોતાની જાત તરફ નફરત થઈ. એ વિચારવા લાગ્યો કે શા માટે એ આ રાક્ષસની ગુલામી કરે છે? શા માટે એ આ રાક્ષસની ખાઈ જવાની ધમકીથી ભયભીત થઈ જાય છે? એના અંતરાત્માએ એને લલકાર્યો- 

'તું શા માટે શિયાળ બને છે? તું એક મનુષ્યજીવ છે. ઈશ્વરે તારામાં અસીમ તાકાત મૂકી છે. તેં કલ્પના પણ ન કરી હોય એટલી શક્તિ તારામાં છે. તારે સાવ ડરપોક બનવાની જરાય જરૂર નથી. તું જેટલો ડરીશ એટલો આ રાક્ષસ તને વધુને વધુ ડરાવતો રહેશે.'

અંતરાત્માની લલકારથી માણસની અંદરની હિંમત જાગી. એણે રાક્ષસને કઠોર અવાજમાં પડકારતાં કહ્યું, 'એ દાનવ, તું તારા મનમાં સમજે છે શું? એક તો હું મારી તમામ શક્તિઓનો ઉપયોગ કરીને તારી ચાકરી કરું છું અને તું મને વારંવાર ખાઈ જવાની ધમકી આપે છે? આ રીતે જીવવા કરતાં તો એક વખત મરી જવું સારું. લે, નથી કરતો તારું કામ. મને ખાવો હોય તો ખાઈ જા.'

માણસના અવાજમાં અચાનક એટલી બધી નિર્ભયતા આવી ગઈ હતી કે રાક્ષસ પણ વિમાસણમાં પડી ગયો. એને થયું - આ માણસ તો મારી સામો થઈ ગયો!  હવે ધમકીઓ આપીને આ માણસ પાસેથી વધુ કામ નહીં કઢાવી શકાય... 

રાક્ષસ છોભીલો પડી ગયો. એને થયું - આ માણસ કામ તો ખરેખર ખૂબ કરે છે. દિવસ-રાત  વ્યસ્ત રહે છે. 

એ દિવસથી રાક્ષસનો એના પ્રત્યેનો વ્યવહાર તદ્દન બદલાઈ ગયો. રાક્ષસે એને ધમકી આપવાનું બંધ કરી દીધું. માણસ હવે પોતાની આંતરિક શક્તિઓને જાણી ચૂક્યો હતો. એ એટલો નીડર થઈ ગયો હતો કે રાક્ષસે આખરે એને છોડી મૂકવો પડયો. 

બોધ

આ જીવનમંત્ર છે. માણસ જેટલો દબાય એટલો એને વધુ દબાવવામાં આવે છે. અન્યોની શોષણવૃત્તિ સામે અવાજ ઉઠાવવામાં આવે તો શોષણ કરનારા ચૂપ થઈ જાય છે.