વિશ્વામિત્ર અને શિબિરાજા
- બીજી જ પળે ચમત્કાર થયો. હોલો અને બાજ બન્ને પક્ષી અદ્રશ્ય થયા. તેમની જગ્યાએ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ રાજાને માથે હાથ મૂકી ઊભા રહ્યા. વિશ્વામિત્ર શિબિરાજાને હેતથી ભેટી પડયા.
- બાજ રાજી થઈને બોલ્યો : 'ભલે આપણે કબૂલ છે. મારે તો માંસનું કામ છે. એ પછી હોલાનુ ંહોય કે માણસનું, મારાં બચ્ચાં ભૂખ્યાં ન રહેવાં જોઈએ.'
- શિબિરાજાએ કહ્યું : 'જીવ જીવનું જીવન એ વાત તારી ખરી છે. એનો અર્થ તું બરાબર સમજતો નથી. નાનો જીવ મોટા જીવને મારી ખાય અથવા બળિયાના બે ભાગ એવો અર્થ નથી. પણ જીવ જીવના આધારે જીવે એવો એનો અર્થ થાય છે.
આ શ્રમના આંગણામાં વિશ્વામિત્ર ઋષિ મોરને પંપાળી રહ્યા છે. સામે શિષ્યો વેદની ધૂન ચલાવી રહ્યા છે. એ વખતે અયોધ્યાવાસી એક શિષ્યે કહ્યું : 'મહારાજ ! આપ એકવાર પૂછતા હતા કે આ યુગમાં ક્ષત્રિય રાજાઓમાં દયા કોનામાં વધારે હશે ?'
'હા, પૂછતો હતો. બોલ, તેં કોઈ એવો રાજા જોયો છે ખરો ?'
'જી હા મહારાજ, શિબિરાજા મહાન દયાળુ અને પરોપકારી છે.'
'પરોપકારી તો વૈશ્ય પણ હોઈ શકે. દયાળુ એટલે કેવો દયાળુ ? બીજાને માટે થોડું ધન ખરચે એવો ને ?'
'ના મહારાજ, બીજાને માટે ગમે તે ભોગ આપવા તત્પર હોય તેવો.'
'ગમે તે માણસ માટે કે પ્રાણીમાત્ર માટે ?'
'જીવમાત્રને અર્થે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હોય તેવો.'
'સર્વસ્વ એટલે ધનધાન્ય, પુત્ર પરિવાર બધું ?'
'જી હા મહારાજ. ધનધાન્ય, પુત્રપરિવાર અને પોતાનો દેહ પણ અર્પણ કરી શકે.' શિષ્યે છાતી કાઢીને કહ્યું.
સાંભળીને વિશ્વામિત્ર ઊભા થયા. કોઈ પણ વસ્તુ નજરે જોયા વિના તેઓ માનતા નહિ. કોઈ પણ માણસની પરીક્ષા કર્યા વિના તેઓ રહી શકતા નહિ. પોતે ક્ષત્રિયમાંથી મહામહેનતે ઋષિ બન્યા હતા તેથી કોઈ પણ ક્ષત્રિય રાજાને સત્યવાદી, દયાળુ અને પરોપકારી માનવા વહેલી તકે તેમનું મન ના પાડતું. પરીક્ષાને અંતે તેઓ બાળકની પેઠે એનો સ્વીકાર કરી લેતા.
શિબિરાજાની દયાની કસોટી કરવા વિશ્વામિત્ર તૈયાર થયા. શિષ્યોનો અભ્યાસ ઉપાચાર્યને સોંપી પોતે ચાલી નીકળ્યા.
શિબિરાજા પોતાના મહેલની અટારીએ બેઠો છે. પ્રધાનજી સાથે રાજકાજની વાતો ચાલી રહી છે. રૈયતની સુખાકારી શી રીતે વધે તેની યોજના વિચારી રહ્યો છે. એ વખતે એકાએક એક હોલો આવીને ચીસો નાખતો રાજાના ખોળામાં પડયો. રાજાએ હોલાની પાંખો ઉપર હાથ મૂક્યો. એની પીઠ ઉપર હાથ ફેરવ્યો. હોલો બીકથી ધૂ્રજતો હતો. એનું કાળજું ભયથી થડકતું હતું.
રાજા ધીમે ધીમે એની પીઠ પર, માથા પર, પાંખો પર હેતથી હાથ ફેરવવા લાગ્યો. હોલાનું દુ:ખ શિબિરાજાથી જોયું જતું ન હોય તેમ એમના દિલમાં પણ થડકાર પેઠો. આંખો ભીની થઈ. તેણે પ્રધાનજીને કહ્યું : 'પાણી લાવો, આ પંખી ભારે ડરી ગયું છે. એને ક્યાંય ઘા લાગ્યો જણાતો નથી, પણ કોઈ શિકારીની ફાળે એ ફફડી રહ્યું છે.' પાણી આવ્યું. હોલાની આંખો બંધ હતી. એની ધૂ્રજારી હજી ચાલુ હતી, પાણી છાંટયું છતાં એની બીક ગઈ નહિ. એનો કંપ શમ્યો નહિ. રાજા વિચારમાં પડયો કે આ પંખીના ભયનું કારણ શું હશે ?
એટલામાં એક ભયંકર બાજ છીંકારી નાખતો આવ્યો અને સામે બારીમાં આવીને બેઠો. એની લાલ આંખોમાંથી આગ ઝરતી હતી, એની ડોક ક્રોધથી જાડી બની ગઈ હતી. એની બેસવાની છટા કાતિલ ખૂની જેવી હતી. એણે હોલા સામે નજર નાખી તેવો જ હોલો ભયથી ધૂ્રજવા માંડયો અને રાજાના ખોળામાં લપાઈ ગયો.
રાજાએ હોલાને પંપાળતાં કહ્યું : 'બેટા, તું હવે ડરીશ નહિ. તારા ડરનું કારણ મને સમજાયું. તું મારે ખોળે બેઠો છે ત્યાં સુધી તારું કોઈ નામ લઈ શકશે નહિ. મારા ખોળિયામાં જીવ છે ત્યાં સુધી કોઈથી તારો વાળ વાંકો નહિ થઈ શકે.
બાજની તાકાત નથી કે એ મારા જીવતાં તને હાથ અડાડી શકે.' આમ કહી બાજની સામે રાજાએ જોયું અને બાજને કહ્યું : 'ભાઈ હવે તું તારે રસ્તે પડ. આ હોલો મારા ખોળામાં બેઠો છે, એને મેં અભયદાન આપ્યું છે. તું હવે તારે રસ્તે જ્યાંથી આવ્યો ત્યાં ચાલ્યો જા.'
બાજ બોલ્યો : 'મહારાજ ! તમે મને ડરામણી બતાવો છો. હું એક નાનું પંખી છું ને તમે મોટા જાડા પહોળા હથિયાર રાખવાવાળા માણસ છો તેથી મને ડરાવો છો, પણ મારે બદલે કોઈ સિંહ હરણની પાછળ પડયો હોત તો તમે શું કરત !'
'તો પણ આમ જ કરત. હરણનું રક્ષણ કરત અને સિંહને પાછો વાળત.'
'સિંહ તમારી ધમકીથી ડરીને ચાલ્યો જાત, એમ ને ?'
'સિંહ મારી સામે થાત તો એક ક્ષત્રિય તરીકે એની સાથે યુદ્ધ કરત.'
'ઠીક છે, હું કંઈ સિંહ નથી.' બાજ બોલ્યો, 'પણ તમે તો ન્યાયી રાજા ગણાઓ છો. હોલો એ મારો શિકાર છે, મારો ખોરાક છે. મારાં બચ્ચાં એ ખોરાકની વાટ જોઈ રહ્યાં હશે; હું મારી બાજપંખણી અને બચ્ચાંને શો જવાબ આપું ?'
રાજા ઘડીભર વિચારમાં પડયો. હોલો ધૂ્રજવા લાગ્યો. પ્રધાનને થયું કે બાજની વાત વાજબી છે. જે જેનો ખોરાક એમાં શા માટે વચ્ચે પડવું જોઈએ ? પણ રાજાની આમન્યા રાખી એ કશું બોલ્યો નહિ.
શિબિરાજા મૂંગો રહ્યો એટલે બાજે આગળ ચલાવ્યું : 'તમે તો સૌનો ન્યાય કરનારા છો. શકરો હોય કે હોલો, સિંહ હોય કે હરણ- આપને તો સૌ સરખાં. હોલો નાનાં જીવડાં ખાઈને જીવે છે, તેમ અમે હોલાને ખાઈને જીવીએ છીએ. તો એ તો 'જીવો જીવસ્ય જીવનમ્' રાજા ! આ વસ્તુ અનાદિકાળથી ચાલી આવે છે.'
શિબિરાજાએ કહ્યું : 'જીવ જીવનું જીવન એ વાત તારી ખરી છે. એનો અર્થ તું બરાબર સમજતો નથી. નાનો જીવ મોટા જીવને મારી ખાય અથવા બળિયાના બે ભાગ એવો અર્થ નથી. પણ જીવ જીવના આધારે જીવે એવો એનો અર્થ થાય છે. આજે આ જીવ મારે આશરે આવ્યો છે, એને જીવાડવો એ મારો ધર્મ છે.'
બાજ બોલ્યો : 'મહારાજ !' અમે પંખી લોકો તમારી માણસની મોટી મોટી વાતોમાં કશું ન જાણીએ. મારે મારાં બચ્ચાં માટે, મારી સ્ત્રી માટે અને મારે મારા પોતાને માટે ખોરાક જોઈએ. હોલાની ઉપર મેં ઝપટ કરી હતી. એ મારો શિકાર હતો. એની ઉપર મારો હક્ક છે. મારા હક્કની વસ્તુ મને મળવી જોઈએ. હું તારા મુલકમાં વસું છું. તારી પાસે હું ન્યાય માગું છું - મારો શિકાર માગું છું.'
વળી રાજા વિચારમાં પડયા. એને બાજની દલીલ સાચી લાગી. બાજ એના મનની વાત પરખી ગયો હોય એમ ફરીથી બોલ્યો : 'શિબિરાજા ! તમારે દયાળુ બનવું છે. પરોપકારી તરીકે નામના કાઢવી છે. શરણાગતને રક્ષણ આપનાર બનીને મોટું બિરુદ મેળવવું છે. તમને એ બધું મળશે, તમે દયાળુ ગણાશો, પરોપકારી કહેવાશો, આપને અરણશરણ કહીને લોકો બિરદાવશે. પણ તમે મારા કુટુંબનો, મારાં ભૂખ્યાં બચ્ચાનો કંઈ વિચાર કર્યો ?'
શિબિરાજાની સામે ધર્મસંકટ આવી પડયું. હોલાને બાજના હાથમાં સોંપી ન શકાય. નબળાને સબળાએ રક્ષણ આપવું જ જોઈએ. આ વસ્તુ દીવા જેવી ચોખ્ખી હતી. જેમ બાજના ંબચ્ચાં ભૂખ્યાં બેઠાં હશે તેમ હોલાની હોલી અને એનાં બચ્ચાં વાટ જોઈ રહ્યાં હશે. બાજનું કુટુંબ પણ ભૂખ્યું ન રહે અને હોલાનો જીવ બચે એવો માર્ગ કાઢવા શિબિરાજા મથામણ કરવા લાગ્યો. જેને ઈશ્વરસાક્ષીએ જીવન ગાળવું છે, જેને સત્યના આધારે જીવન નાવ હંકારવું છે, તેને પરમાત્મા સત્યમાર્ગ સુઝાડે છે. શિબિરાજાને ન્યાયી માર્ગ સૂઝ્યો, પણ એ માર્ગ ખાંડાની ધાર જેવો આકરો હતો. સત્યનું દર્શન સહેલું હોય છે, પણ એનું પાલન માણસજાત માટે આકરું હોય છે. શિબિરાજાને વિચાર સૂઝ્યો કે, 'હોલાને બદલે મારે મારા શરીરમાંથી કેટલું માંસ આપીને બાજને સંતોષવો જોઈએ, તો હોલો બચે અને બાજનું કુટુંબ ભૂખ્યું ન રહે.' બસ, આ વિચાર સૂઝતાં જ તેના આનંદનો પાર ન રહ્યો. સત્યનિષ્ઠ માણસને સત્યપાલન અર્થે આપભોગ આપવાનો પ્રસંગ આવે ત્યારે એનો હરખ સમાતો નથી. ન્યાયી માણસ ન્યાયને ખાતર પ્રાણાર્પણ કરતાં અપૂર્વ આનંદ અનુભવે છે. શિબિરાજાએ બાજને કહ્યું : 'ભાઈ શકરા, તું એમ કર. આ હોલાને બદલે મારા શરીરમાંથી એટલું માંસ લઈને એને છૂટો કર. તારું પણ કામ થાય અને એનો પણ જીવ બચે.'
બાજ રાજી થઈને બોલ્યો : 'ભલે આપણે કબૂલ છે. મારે તો માંસનું કામ છે. એ પછી હોલાનુ ંહોય કે માણસનું, મારાં બચ્ચાં ભૂખ્યાં ન રહેવાં જોઈએ.'
શિબિરાજાએ પ્રધાનજીને કહ્યું : 'એક મોટી છરી મંગાવો.'
બાજ વચ્ચે બોલ્યો : 'રાજા, મારે વધારે માંસ જોઈતું નથી. હોલાની ભારોભાર જોઈએ. માટે એક કાંટો ને ત્રાજવાં પણ સાથે મંગાવો.'
'પ્રધાનજી, છાબડાં ને કાંટો પણ મંગાવો.'
ત્રાજવાં, તોલા અને છરી આવી પહોંચ્યા. શિબિરાજાએ પોતાને હાથે દૂધીનું શાક સુધારે તેટલી સ્વસ્થતાથી સાથળમાં ચીરો મૂકીને માંસનો ટુકડો કાઢ્યો. છાબડામાં એક બાજુ હોલાને મુક્યો અને બીજી બાજુ રાજાનું માંસ મૂકવામાં આવ્યું. હોલાનું છાબડું ઊંચું ન થયું. એટલે ફરી બીજો ટુકડો કાપ્યો, તો પણ છાબડું ન ઊપડયું. પ્રધાનજી જોઈ રહ્યા. ઓરડામાંથી રાણી જોઈ રહ્યાં. પુત્ર- પરિવાર જોઈ રહ્યો. સૌની આંખમાં આંસુ હતાં. શિબિરાજાના ચહેરા ઉપર ઉમંગ હતો. એમણે એક પછી એક ટુકડા કાપી કાપીને છાબડામાં મૂકવા માંડયા. બન્ને સાથળનું માંસ કાપીને મૂકવા છતાં હોલા ભારોભાર ન થયું, એટલે પોતે જાતે જ મોટા છાબડામાં જઈને બેઠા. આ જોઈને બાજ આનંદથી નાચી ઊઠયું. હોલાનું છાબડું એકદમ ઊંચું થયું.
અને બીજી જ પળે ચમત્કાર થયો. હોલો અને બાજ બન્ને પક્ષી અદ્રશ્ય થયા. તેમની જગ્યાએ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ રાજાને માથે હાથ મૂકી ઊભા રહ્યા. વિશ્વામિત્ર શિબિરાજાને હેતથી ભેટી પડયા. તેની લોહી નીકળતી સાથળમાં માંસ ભરી ટાંકા લેવડાવ્યા અને અંતરના આશીર્વાદ આપી વિદાય લીધી.
આશ્રમમાં આવી વિશ્વામિત્રે શિષ્ય સમુદાયને કહ્યું : 'આ યુગમાં, આ જગતમાં મહાન પરોપકારી અને દયાળુ માનવી કોઈ હોય તો તે આપણો શિબિરાજા છે. આ જગતમાં બળિયાના બે ભાગ એવો પશુનો કાયદો ચાલે છે, પણ તેમાં નબળાનું રક્ષણ સબળાએ કરવું જોઈએ. મોટો જીવ નાના જીવને મારીને જીવે એ પશુનો ન્યાય છે. તેને બદલે એક જીવ બીજા જીવને જીવાડવા માટે પોતાનું જીવન અર્પણ કરવું જોઈએ એ માનવધર્મ છે. એવો ન્યાય, એવો પ્રેમધર્મ જગતને બતાવનાર શિબિરાજા માનવી માત્રને દીવાદાંડીરૂપ છે.'
વિશ્વામિત્ર ઋષિનાં વચનો સાંભળી સૌ શિષ્યો નવા સત્યને હૈયામાં ધારણ કરી શાંતચિત્તે ઊંડા વિચારમાં પડયા.