Get The App

ગામડાની મોજ .

Updated: May 31st, 2024

GS TEAM

Google News
Google News
ગામડાની મોજ                                          . 1 - image

- કાકાએ ચીકુડીના ઝાડ નીચે ખાટલા પાથર્યા. દાદા ખાટલામાં બેઠા એવા બધાં છોકરાં તેમની બાજુમાં આવીને ગોઠવાઈ ગયાં. દાદાએ બધાને અવનવી વાર્તાઓ કહી. 

- કિરણ પુરોહિત 

વે કેશન શરુ થતાં જ મોન્ટુ, તેની બહેન પરી અને મમ્મી-પપ્પા સાથે ગામડે આવ્યો. સાંજે ગામનાં પાદર આગળ તેમની બસ ઉભી રહી. પાદર ખૂબ રળિયામણું લાગતું હતું. ચબૂતરે પાંચ-છ વૃધ્ધો બેઠા હતા. ગામડું પ્રદુષણ વગરનું સ્વચ્છ અને સુંદર લાગતું હતું. અહીં વૃક્ષો અને ખેતરોને લીધે હરિયાળી અને ઠંડક હતી. મોન્ટુને તો ખેતરમાં જવાની ખૂબ ઉતાવળ હતી. સવારે બધાએ કાકા સાથે ખેતરમાં જવાનું નક્કી કર્યું. ખેતરમાં જુવાર અને બાજરીનો પાક લહેરાતો હતો. કાકાએ લીંબુ અને બીજા શાકભાજી પણ વાવ્યા હતા. વાડીમાં ચીકુ, કેરી, નાળિયેરી ઘણાં ફળો પણ કાકાએ વાવ્યા હતાં. મોન્ટુ અને પરી બે વર્ષ પછી ગામડામાં આવ્યા હતાં. પરી તો ખેતર જોઈને ખુશ થઇ ગઈ. તેણે સવારમાં ખેતરના સુંદર ફોટા પાડયા. ખેતરમાં લહેરતા પાક, કળા કરતો મોર, પાણીની કુંડી,  બળદગાડું - આ બધાના ફોટા પાડયા. ખેતરની બાજુમાં જગ્યા હતી ત્યાં બધા છોકરા ક્રિકેટ રમ્યા. 

બપોર સુધી બધાએ અલગ અલગ રમતો રમી. કાકા ઘણી બધી કેરી તોડીને લાવ્યા. મોન્ટુ અને પરીને કેરી ખાવાની મજા આવી ગઈ. કાકી અને તેનાં મમ્મી જમવાનું લઈને ખેતરમાં આવ્યાં. કુદરતી વાતાવરણમાં ઝાડના છાયામાં બધાએ જમવાનો આનંદ લીધો. સાંજે પણ ખેતરમાં રસોઈ બનાવીને જમવું તેવું બધાએ નક્કી કર્યું. બપોરે બધા છોકરાઓને ખેતરના કુંડામાં પાઇપમાંથી પડતા પાણીના ધોધમાં નાહવાની મજા આવી ગઈ.

સાંજે દાદા દાદી પણ ખેતરમાં આવ્યા. કાકાએ ચીકુડીના ઝાડ નીચે ખાટલા પાથર્યા. દાદા ખાટલામાં બેઠા એવા બધાં છોકરાં તેમની બાજુમાં આવીને ગોઠવાઈ ગયાં. દાદાએ બધાને અવનવી વાર્તાઓ કહી. 

સાંજે મોન્ટુની મમ્મી અને કાકીએ ચૂલા ઉપર ખીચડી, રોટલા અને શાક બનાવ્યાં. ગામડાના માખણ, રોટલા અને છાશનો સ્વાદ અનેરો હોય છે. મોન્ટુ અને પરીને ખેતરમાં મજા આવી ગઈ. 

બીજે દિવસે કાકા બધા છોકરાને ગોળ બનતો હોય તે ખેતરમાં લઇ ગયા. પરીએ પહેલી વખત આવી રીતે ગોળ બનતા જોયો. શેરડીમાંથી તાજો બનેલો ગોળ અને સીંગ ખાવાની તેને મજા આવી ગઈ. એક દિવસ તેના પપ્પા નાનપણમાં પોતે જ્યાં ભણતા હતાં તે સ્કૂલ જોવા લઇ ગયાં.

મમ્મી-પપ્પા તો તેમને મૂકીને પંદર દિવસમાં ઘરે જતાં રહ્યા. મોન્ટુ અને પરીને આખું વેકેશન ગામડામાં જ રહેવું હતું. ગામડામાં તેમને ઘણું જોવા જાણવા મળ્યું. તેમણે મદારીના અને કઠપૂતળીના ખેલ જોયાં. એક દિવસ રાત્રે કાકા રામદેવપીરની ભવાઈ જોવા પણ લઇ ગયા. 

મોન્ટુ અને પરીને તો ગામડામાં ખૂબ મજા આવી ગઈ વેકેશન ક્યારે પૂરું થઇ ગયું તે ખબર ના પડી.