Get The App

વાસુ વાંસળીવાળો .

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
વાસુ વાંસળીવાળો                                     . 1 - image


- વાસુ ત્યાંથી ચાલ્યો ગયો. બધા ઘરમાં પાછા આવ્યા. હર્ષે ફરીફરી વાંસળી વગાડી પરંતુ સાવ નિષ્ફળ. તે પગ પછાડવા લાગ્યો. ચંદ્રિકાબહેને કહ્યું, 'બેટા હર્ષ, જો વાંસળીમાં ફૂંક મારવાથી ઉસ્તાદ ન થવાય. એમાં તો ઘણો સમય થાય.'

- ગોવિંદ દરજી 'દેવાંશું'

રવિવારનો દિવસ. સવારનો સમય. પૂર્વ દિશામાંથી સૂરજ ઊંચે આવતો ગયો. સર્વત્ર પ્રકાશ પથરાતો ગયો.

એટલામાં જ એક વાંસળીનો મધુર અવાજ સંભળાયો. વાંસળી વેચનાર ગલીએ ગલીએ જવા લાગ્યો. ચોથી ગલીમાં ગયો. વાંસળીના મધુર અવાજથી ગલી જાણે કે ભરાઈ ગઈ!

હર્ષ ઘરની બહાર આવ્યો. હર્ષની મોટી બહેન ડિમ્પલ. તે પણ હાજર થઈ. હર્ષે વાંસળી ખરીદવા તેની મમ્મી ચંદ્રિકાબહેનને કહ્યું. વાંસળીવાળો વાંસળી વગાડે જતો હતો.

હર્ષે તો વાંસળી ખરીદવાની હઠ પકડી. વાંસળી ખરીદી. પેલો વાંસળીવાળો ખુશ થયો. નામ તેનું વાસુદેવ.

હર્ષે વાંસળી વગાડી પરંતુ પેલા વાસુ જેવી તો નહીં. ચંદ્રિકાબહેનને ફરિયાદ કરવા લાગ્યો, 'મમ, મારી વાંસળી બરાબર વાગતી નથી. મારે તો વાસુ અંકલ જેવી જ વાંસળી જોઈએ.'

વાસુ ખડખડાટ હસી પડયો. ડિમ્પલ પણ હસી પડી. વાસુએ હર્ષની જ વાંસળી લીધી ને વગાડવા લાગ્યો. મધુર સૂરથી વાતાવરણ ભર્યું ભર્યું થઈ ગયું.

એ જ વાંસળી વાસુએ હર્ષને આપી. તેણે વાંસળી હાથમાં લઈને ફૂંક મારવા લાગ્યો પણ વાસુ જેવી તો વાગી નહીં.

વાસુ ત્યાંથી ચાલ્યો ગયો. બધા ઘરમાં પાછા આવ્યા. હર્ષે ફરીફરી વાંસળી વગાડી પરંતુ સાવ નિષ્ફળ. તે પગ પછાડવા લાગ્યો. ચંદ્રિકાબહેને કહ્યું, 'બેટા હર્ષ, જો વાંસળીમાં ફૂંક મારવાથી ઉસ્તાદ ન થવાય. એમાં તો ઘણો સમય થાય.'

ડિમ્પલ સાંભળી રહી. તેણે હર્ષને કહ્યું, 'ભઈલું, જો કોઈપણ બાબત શીખવી હોય તો તેને માટે પ્રેકટિસ કરવી જ પડે.' કહીને તે હળવી થઈ ગઈ. ચંદ્રિકાબહેને કહ્યું 'બેટા, જો ડિમ્પલ કેવો સરસ ડાન્સ કરે છે.' ડિમ્પલ હસી પડી. હર્ષ સહેજ સમજ્યો હોય તેવું લાગ્યું.

તે નવી નવી વાંસળી હર્ષે વગાડયા જ કરી. કેવળ ઘોંઘાટ ને ઘોંઘાટ. સાંજના અશ્વિનભાઈ નોકરીએથી ઘેર આવ્યા. તે હર્ષ અને ડિમ્પલના પપ્પા. હર્ષે તેમની આગળ મોટેથી વાંસળી વગાડી. તેઓ ખડખડાટ હસી પડયા. હર્ષ પોકે ને પોકે રડી પડયો. અશ્વિનભાઈ સમજી ગયા. હર્ષને સમજાવતાં કહ્યું, 'બેટા, આતો સંગીત કહેવાય. તેમાં ખૂબ જ પ્રેકટિસ એટલે કે મહાવરો કરવો પડે જ. તો જ આવડે.' ને વાત પૂરી થઈ.

ત્યારબાદ હર્ષ દરરોજ વાંસળી વગાડતો. પણ ઘોંઘાટ ને ઘોંઘાટ.

બીજો રવિવાર આવ્યો. પેલો વાસુ વાંસળીવાળો આવ્યો. હર્ષે તેને તેના ઘરે બોલાવ્યો. હર્ષે પોતાની વાંસળી તેને આપી. વાસુએ વગાડી તો મધુર મધુર અવાજ. વાસુએ કહ્યું, 'ભઈલુ, તું વાંસળી રોજ રોજ વગાડજે. આવડી જશે.'

ડિમ્પલે કહ્યું, 'હર્ષ, જો મને પણ ડાન્સમાં પહેલું-વહેલું તારા જેવું જ થતું પરંતુ મેં ખૂબ જ મહાવરો કર્યો. પ્રેકટિસ કરી. મહેનત કરી ને આવડી ગયું ને?'

ઘરના સાંભળનાર બધા હસી પડયા. ત્યારબાદ તો હર્ષ રોજરોજ વાંસળી વગાડતો. ખૂબ મહેનત કરતો. ધીમે ધીમે તેને વાંસળી વગાડતાં આવડી ગઈ.

ત્યારબાદ હર્ષ શાળામાં સંગીત હરીફાઈમાં ભાગ લેતો. તેની વાંસળીના ભરપૂર વખાણ થતા.

હર્ષના જીવનમાં વાંસળીથી જાણે હર્ષ થયો.

Tags :